સૌરાષ્ટ્ર વતી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ બે વિકેટ અને યુવરાજસિંહ ડોડિયાએ બે વિકેટ લીધી હતી.
Ranji Trophy
હનુમા વિહારી
રણજી ટ્રોફીની પાંચ-દિવસીય ક્વૉર્ટર ફાઇનલમાં ગઈ કાલે બીજા દિવસે રાજકોટમાં પંજાબે સૌરાષ્ટ્ર સામે પ્રથમ દાવમાં પાંચ વિકેટે ૩૨૭ રન બનાવીને ૨૪ રનની લીડ લીધી હતી અને એની હજી પાંચ વિકેટ પડવાની બાકી હોવાથી સરસાઈનો આંકડો મોટો જોવા મળી શકે છે.
મંગળવાર સૌરાષ્ટ્રના પાર્થ ભુત (૧૧૧ રન, ૧૫૫ બૉલ, ૪ સિક્સર, ૧૧ ફોર)નો હતો તો ગઈ કાલ પંજાબના ઓપનર્સ પ્રભસિમરન સિંહ (૧૨૬ રન, ૧૫૮ બૉલ, ૩ સિક્સર, ૧૩ ફોર) અને નમન ધીર (૧૩૧ રન, ૧૮૦ બૉલ, ૭ સિક્સર, ૯ ફોર)ની હતી. તેમની વચ્ચે ૨૧૨ રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી અને તેમણે સૌરાષ્ટ્રના બોલર્સનો બહાદુરી અને સમજદારીપૂર્વક સામનો કર્યો હતો. તેમની ઇનિંગ્સ બાદ બીજા બૅટર્સે પંજાબનો સ્કોર ૩૦૦ રનની પાર પહોંચાડ્યો હતો. સૌરાષ્ટ્ર વતી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ બે વિકેટ અને યુવરાજસિંહ ડોડિયાએ બે વિકેટ લીધી હતી. એક વિકેટ પાર્થ ભુતે લીધી હતી. તેણે ઓપનર પ્રભસિમરનને આઉટ કર્યો હતો. અર્પિત વસાવડાના સુકાનમાં સૌરાષ્ટ્રએ પ્રથમ દાવમાં ૩૦૩ રન બનાવ્યા હતા.
ADVERTISEMENT
બાહોશ હનુમા વિહારીએ લેફ્ટ-હૅન્ડ બૅટિંગ કરી, એક હાથે ફટકારી ફોર
(૧) ઇન્દોરમાં આંધ્રના ૩૭૯ રનના જવાબમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન મધ્ય પ્રદેશની ટીમે ૪ વિકેટે ૧૪૪ રન બનાવ્યા હતા અને આંધ્રથી એ હજી ૨૩૫ રન પાછળ હતી. આંધ્રનો કૅપ્ટન અને રાઇટ-હૅન્ડ બૅટર હનુમા વિહારી મંગળવારે વનડાઉનમાં રમ્યો હતો, પરંતુ એમપીના ફાસ્ટ બોલર અવેશ ખાનનો બૉલ ડાબા કાંડા પર વાગ્યો હતો અને તે પૅવિલિયનમાં જતો રહ્યો હતો. હનુમાને ડાબા કાંડામાં ફ્રૅક્ચર થયું હોવા છતાં તે પાટો બંધાવીને નવમા નંબરે બૅટિંગમાં આવ્યો હતો. તે પોતાના ૨૭ રનના સ્કોર પર આઉટ થયો હતો. જોકે એ પહેલાં તેણે અવેશ ખાનના એક યૉર્કરમાં એક હાથે શૉટ ફટકાર્યો હતો જેમાં બૉલ બાઉન્ડરીલાઇનની બહાર ગયો હતો. આંધ્ર વતી રિકી ભુઈએ ૧૪૯ અને કરણ શિંદેએ ૧૧૦ રન બનાવ્યા હતા. હવે હનુમા વિહારી આ મેચમાં વધુ ન પણ રમે.
(૨) કલકત્તામાં મૅચના બીજા દિવસે ઝારખંડના પ્રથમ દાવના ૧૭૩ રનના જવાબમાં બેન્ગોલે પાંચ વિકેટે ૨૩૮ રન બનાવ્યા હતા, જેમાં અભિમન્યુ ઈશ્વરનના ૭૭ રન હતા.
(૩) બૅન્ગલોરમાં ઉત્તરાખંડના ૧૧૬ રનના જવાબમાં કર્ણાટકે ગઈ કાલે શ્રેયસ ગોપાલના ૧૦૩ નૉટઆઉટ, ભારતીય ઓપનર અને કર્ણાટકના કૅપ્ટન મયંક અગરવાલના ૮૩ અને રવિકુમાર સમર્થના ૮૨ રન તથા દેવદત્ત પડિક્કલના ૬૯ રનની મદદથી પાંચ વિકેટે ૪૭૪ રન બનાવીને ૩૫૮ રનની લીડ લીધી હતી.