Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભાટિયા સમાજના સાગર ઉદેશી માટે ૧૫૦મી વિકેટની સિદ્ધિ એક્સ્ટ્રા સ્પેશ્યલ

ભાટિયા સમાજના સાગર ઉદેશી માટે ૧૫૦મી વિકેટની સિદ્ધિ એક્સ્ટ્રા સ્પેશ્યલ

Published : 17 January, 2023 02:32 PM | IST | Mumbai
Harit N Joshi

મૂળ મુંબઈના આ સ્પિનરના પરિવારે ગયા અઠવાડિયે રણજી ટ્રોફીમાંના તેના અપ્રતિમ પર્ફોર્મન્સને સ્ટેડિયમમાં બેસીને માણ્યો ઃ સાગરની ૮ વિકેટે પૉન્ડિચેરીને ગોવા સામે અપાવ્યો વિજય

સાગર ઉદેશી

Ranji Trophy

સાગર ઉદેશી


સાગર ઉદેશી ગયા અઠવાડિયે પોતાની ૨૭મી ફર્સ્ટ-ક્લાસ મૅચમાં ગોવાના સ્નેહલ કૌતંકરને આઉટ કરીને ૧૫૦મી વિકેટ લેતાં જ સાતમા આસમાને પહોંચી ગયો હતો.


મુંબઈનો ૩૬ વર્ષનો લેફ્ટ-આર્મ સ્પિનર સાગર ઉદેશી પોર્વોરિમની એ મૅચમાં પૉન્ડિચેરી વતી રમી રહ્યો હતો અને પૉન્ડિચેરીને ગોવા સામે રણજી ટ્રોફીની એલીટ ગ્રુપ ‘સી’ની મૅચમાં ૯ વિકેટે વિજય અપાવવામાં તેનું મોટું યોગદાન હતું. ઉદેશીએ પ્રથમ દાવમાં ૭૬ રનમાં પાંચ અને બીજા દાવમાં ૬૧ રનમાં ત્રણ વિકેટ લીધી હતી. એ ૮ વિકેટ લઈને તે રણજીની વર્તમાન સીઝનના ટોચના બોલર્સમાં (કુલ પાંચ મૅચમાં ૨૯ વિકેટ બદલ) આઠમા નંબર પર આવી ગયો હતો.



સાગર માટે આ સિદ્ધિ કંઈક એક્સ્ટ્રા સ્પેશ્યલ બની ગઈ હતી. એનું કારણ એ છે કે તેનાં ૮૦ વર્ષનાં દાદી સહિત આખું ફૅમિલી ખાસ તેની આ મૅચ જોવા માટે મુંબઈથી ગોવા આવ્યું હતું. સાગર ભાટિયા સમાજનો છે. તેણે ‘મિડ-ડે’ને કહ્યું, ‘મેં ૧૫૦મી વિકેટ લીધી કે તરત જ મારી આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં હતાં. મારા માટે એ ઇમોશનલ ક્ષણો હતી, કારણ કે પહેલી વાર મારા પરિવારજનો રૂબરૂ આવીને મને રણજી ટ્રોફીમાં રમતો જોઈ રહ્યા હતા. એ પળ હું જીવનભર નહીં ભૂલું.’


આ પણ વાંચો : રવીન્દ્ર જાડેજાનું પાંચ મહિને કમબૅક : રણજીમાં સૌરાષ્ટ્રની ટીમ બનશે સ્ટ્રૉન્ગ

કોહલીને બૉલ ફેંકવા નેટમાં આમંત્રણ


સાગર ઘણા સમયથી પૉન્ડિચેરી વતી ઘણું સારું રમી રહ્યો છે. મુંબઈ સર્કિટમાં તે પારસી જિમખાના વતી રમે છે. ભારતમાં ક્રિકેટની ઑફ સીઝન ચાલતી હોય ત્યારે ઇંગ્લૅન્ડ જઈને ત્યાંની લીગ ક્રિકેટમાં થોડી મૅચ રમી લેતો હોય છે. તે આઇપીએલની બે સીઝનમાં કલકત્તા નાઇટ રાઇડર્સનો નેટ બોલર હતો અને ગયા વર્ષે મુંબઈમાં એક ટેસ્ટ-મૅચ પહેલાં તેને નેટમાં ખાસ કરીને વિરાટ કોહલીને બૉલ ફેંકવા માટે બોલાવવામાં આવ્યો હતો.

વિનયકુમારની સલાહ કામ લાગી

પૉન્ડિચેરીની ટીમમાં સાગર અને ભૂતપૂર્વ ભારતીય પેસ બોલર વિનયકુમાર સાથે રમતા હતા ત્યારે તેને વિનયકુમાર પાસેથી બહુમૂલ્ય સલાહ મળી હતી. સાગરે એ વિશે ‘મિડ-ડે’ને કહ્યું, ‘વિનયભાઈએ મને ફિટનેસનું મહત્ત્વ સમજાવ્યું હતું. પાંચથી છ વર્ષ પહેલાં મારું વજન લગભગ ૧૦૫ કિલો હતું, પરંતુ વિનયભાઈએ મને મારી ફિટનેસ જેટલી સારી હશે એટલું મને પર્ફોર્મન્સ સુધારવામાં મદદ મળશે. તેમની એ સલાહનો મેં તરત જ અમલ શરૂ કરી દીધો અને એનાં મને સારાં પરિણામો પણ મળવાં લાગ્યાં. મેં આશરે ૩૦ કિલો વજન ઘટાડ્યું હોવાથી મને ઘણું સારું લાગવા લાગ્યું. એટલું જ નહીં, યોગ્ય તાલીમ અને ડાયટને કારણે મારો પર્ફોર્મન્સ પણ સુધરતો ગયો.’

સાગર ૨૭ ફર્સ્ટ ક્લાસ મૅચ ડિસેમ્બર ૨૦૧૮થી જાન્યુઆરી ૨૦૨૩ દરમ્યાન રમ્યો છે. સાગરે ઇન્ટરવ્યુમાં છેલ્લે કહ્યું હતું કે ‘મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આટલા ટૂંકા સમયગાળામાં હું ૧૫૦ વિકેટ લઈશ. હું મારા આ પર્ફોર્મન્સ બદલ ખૂબ રોમાંચિત છું અને મારી ટીમ માટે વધુ સારું પર્ફોર્મ કરવા માટે ખૂબ ઉત્સાહી પણ છું.’

Whatsapp-channel Whatsapp-channel

17 January, 2023 02:32 PM IST | Mumbai | Harit N Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK