સૌરાષ્ટ્ર સામે કર્ણાટકે પાંચ વિકેટે બનાવ્યા ૨૨૯ રન
Ranji Trophy
મયંક અગ્રવાલ
બૅન્ગલોરમાં રમાતી રણજી ટ્રોફીની સેમી ફાઇનલમાં કૅપ્ટન મયંક અગ્રવાલે ફટકારેલી નૉટઆઉટ સેન્ચુરીને કારણે ખરાબ શરૂઆત કરનાર કર્ણાટકે સૌરાષ્ટ્ર સામે દિવસના પાંચ વિકેટે ૨૨૯ રન બનાવ્યા હતા. કર્ણાટકે ૪૦.૩ ઓવરમાં ૧૧૨ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ ઓપનર અગ્રવાલે (૧૧૦ નૉટઆઉટ) વિકેટકીપર શ્રીનિવાસ શરથ (૫૮ નૉટઆઉટ) સાથે મળીને છઠ્ઠી વિકેટ માટે નૉટઆઉટ ૧૧૭ રનની પાર્ટનરશિપ કરી હતી. સૌરાષ્ટ્ર તરફથી ફાસ્ટ બોલર કુશાંગ પટેલે બે વિકેટ ઝડપી હતી તો ચેતન સાકરિયા અને પ્રેરક માંકડને એક-એક વિકેટ મળી, જ્યારે એક રનઆઉટ થયો હતો.
બંગાળના બે બૅટર્સની સદી છતાં મધ્ય પ્રદેશે કરી વાપસી
ADVERTISEMENT
હોળકર સ્ટેડિયમમાં બંગાળના સુદીપ કુમાર અને અનુસ્તુપ મજુમદાર વચ્ચે થઈ ૨૪૧ રનની પાર્ટનરશિપ.
બંગાળના અનુસ્તુપ મજુમદારે અને યુવા ખેલાડી સુદીપ ઘારામીએ દબાણ હેઠળ સદી ફટકારી પરંતુ વર્તમાન ચૅમ્પિયન મધ્ય પ્રદેશે દિવસના અંતે વિકેટ ઝડપવામાં સફળતા મેળવી હતી. ઇન્દોરના હોળકર સ્ટેડિયમમાં ૫૧ રનમાં બે વિકેટ ગુમાવનાર બંગાળના અનુસ્તુપ મજુમદાર (૧૨૦ રન) અને સુદીપ કુમાર (૧૧૨ રન) વચ્ચે ૪૧૪ બૉલમાં ૨૪૧ રનની પાર્ટનરશિપ થઈ હતી. જોકે દિવસના છેલ્લા સેશનમાં મધ્ય પ્રદેશે નવો બૉલ લેતાં બન્નેની વિકેટ ઝડપવામાં સફળતા મળી હતી. રમતનો સમય પૂરો થયો ત્યારે બંગાળે ચાર વિકેટે ૩૦૭ રન બનાવ્યા હતા.