૨૦૨૦ પછી ૨૦૨૩માં પણ ચૅમ્પિયન : બેન્ગોલના બીજા દાવમાં ઉનડકટની ૬ વિકેટ : સાકરિયાની મૅચમાં કુલ ૬ વિકેટ
Ranji Trophy Final
જયદેવ ઉનડકટ (ડાબે) ઉપરાંત પેસ બોલર ચેતન સાકરિયા (જમણે) પણ ફાઇનલમાં ખૂબ સફળ રહ્યો. જયદેવે મૅચમાં કુલ ૯ અને સાકરિયાએ મૅચમાં કુલ ૬ વિકેટ લીધી હતી. તસવીર પી.ટી.આઇ.
પોરબંદરમાં જન્મેલા હાલાઈ લોહાણા સમાજના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ માટે ઇન્ટરનૅશનલ ક્રિકેટની ટૂંકી કરીઅર બહુ નસીબવંતી અને ફળદાયી નથી રહી, કારણ કે ૧૩ વર્ષની આ કારકિર્દીમાં તેને માંડ ૧૯ મૅચ રમવા મળી છે, પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટમાં (ખાસ કરીને રણજી ટ્રોફીમાં) તે સૌરાષ્ટ્રનો બાદશાહ પુરવાર થયો છે. તેના સુકાનમાં સૌરાષ્ટ્રએ ગઈ કાલે ત્રીજી સીઝનમાં બીજી વાર રણજી ટાઇટલ જીતી લીધું હતું. યોગાનુયોગ ૨૦૨૦ પછી ફરી એક વાર સૌરાષ્ટ્રએ ફાઇનલમાં બેન્ગોલને માત આપી છે. બન્ને ટીમના મોટા ભાગના ખેલાડીઓ માર્ચ ૨૦૨૦માં રાજકોટની ફાઇનલ બાદ ગઈ કાલે કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં પૂરી થયેલી ફાઇનલમાં પણ રમ્યા હતા અને બન્ને વાર સૌરાષ્ટ્રના ખેલાડીઓ સાવજ સાબિત થયા. ૨૦૨૦ની ફાઇનલ સૌરાષ્ટ્રએ પ્રથમ દાવની સરસાઈના આધારે જીતી લીધી હતી અને ગઈ કાલે ૯ વિકેટે જીતીને સનસનાટી મચાવી દીધી હતી.
સૌરાષ્ટ્રએ પ્રથમ દાવમાં ૨૩૦ રનની તોતિંગ લીડ લીધી ત્યાર બાદ મનોજ તિવારીના સુકાનમાં બેન્ગોલે ગઈ કાલે બીજા દાવમાં બાકીની ૬ વિકેટ ફક્ત ૭૨ રનમાં ગુમાવી દીધી હતી અને સૌરાષ્ટ્રને જીતવા માટે માત્ર ૧૨ રનનો ટાર્ગેટ મળ્યો હતો જે સૌરાષ્ટ્રએ ફક્ત ઓપનર જય ગોહિલ (ઝીરો)ની વિકેટ ગુમાવીને માત્ર ૨.૪ ઓવરમાં મેળવી લીધો હતો. સૌરાષ્ટ્રએ એક આખો દિવસ અને બે આખાં સેશન બાકી રાખીને આ યાદગાર જીત મેળવી હતી.
ADVERTISEMENT
દસમાંથી પાંચ સીઝનમાં ફાઇનલમાં
સૌરાષ્ટ્ર છેલ્લી ૧૦ રણજી સીઝનમાં પાંચ વાર ફાઇનલમાં પહોંચ્યું છે જે આ ટીમના એકધારા અદ્ભુત પર્ફોર્મન્સનો તાજો પુરાવો છે. બીજી તરફ, બેન્ગોલને ફરી એક વાર ટ્રોફીએ હાથતાળી આપી છે. તેઓ છેલ્લે ૧૯૮૯-’૯૦માં આ જ ઈડન ગાર્ડન્સમાં દિલ્હીને ફાઇનલમાં હરાવીને ચૅમ્પિયન બન્યા હતા. તેમના કબજામાં પહેલું ટાઇટલ દાયકાઓ પહેલાં (૧૯૩૮-’૩૯માં) આવ્યું હતું. આ વખતે ખાસ કરીને કલકત્તાના હોમગ્રાઉન્ડ પર તેમણે નિરાશ થવું પડ્યું છે. ઓપનર સુમન્તા ગુપ્તા (બન્ને દાવમાં ૧-૧ રન)ને ફાઇનલ જેવી સૌથી અગત્યની મૅચમાં ડેબ્યુ કરાવવાની ભૂલ બેન્ગોલના ટીમ-મૅનેજમેન્ટને કદાચ સમજાઈ ગઈ હશે.
જયદેવ મૅન ઑફ ધ ફાઇનલ
કૅપ્ટન જયદેવ ઉનડકટ (પ્રથમ દાવમાં ૧૩.૧-૩-૪૪-૩ અને બીજા દાવમાં ૨૨.૪-૧-૮૫-૬) આ મૅચમાં બેન્ગોલને સૌથી વધુ ભારે પડ્યો હતો. ગઈ કાલે સવારે તેણે બેન્ગોલના ડેન્જરસ બૅટર શાહબાઝ અહમદ (૨૭ રન)ને રનઆઉટ કર્યો હતો તેમ જ શનિવારની બે વિકેટ ઉપરાંત ગઈ કાલે બીજી ચાર વિકેટ લેતાં બેન્ગોલની છાવણીમાં સન્નાટો છવાઈ ગયો હતો. અનુષ્ટુપ મજુમદાર (૧૦૧ બૉલમાં ૬૧ રન) અને કૅપ્ટન તથા પશ્ચિમ બંગાળના સ્પોર્ટ્સ મિનિસ્ટર મનોજ તિવારી (૧૫૪ બૉલમાં ૬૮ રન) વચ્ચે ચોથી વિકેટ માટે ૯૯ રનની ભાગીદારી થઈ હતી. જોકે આ ઇનિંગ્સના બન્ને ટૉપ-સ્કોરરને જયદેવે આઉટ કર્યા હતા.
જયદેવને સામા છેડે સાથી પેસ બોલર ચેતન સાકરિયા (૨૧-૨-૭૬-૩)નો બહુ સારો સાથ મળ્યો હતો. બીજા ચાર બોલર ધર્મેન્દ્રસિંહ જાડેજા, ચિરાગ જાની, પ્રેરક માંકડ અને પાર્થ ભુતને બીજા દાવમાં વિકેટ નહોતી મળી, પરંતુ બેન્ગોલના બૅટર્સને અંકુશમાં રાખવામાં તેમનું પણ મહત્ત્વનું યોગદાન હતું. જયદેવને મૅન ઑફ ધ ફાઇનલના પુરસ્કારથી સન્માનિત કરાયો હતો.
અર્પિત ટુર્નામેન્ટનો સુપરસ્ટાર
રણજી ટ્રોફીની આ સીઝનમાં અર્પિત વસાવડાએ જયદેવની ગેરહાજરીમાં સૌરાષ્ટ્રની કૅપ્ટન્સી બહુ સારી રીતે સંભાળી હતી. એટલું જ નહીં, તે ગઈ કાલે આ સીઝનનો પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ પણ ઘોષિત થયો હતો. તેણે ૧૦ મૅચમાં ત્રણ સદીની મદદથી ૯૦૭ રન બનાવ્યા હતા અને તમામ બૅટર્સમાં બીજા નંબરે હતો.
મયંક બૅટર્સમાં, જલજ સક્સેના બોલર્સમાં રહ્યા મોખરે
આ વખતની રણજી સીઝનમાં કર્ણાટકનો મયંક અગરવાલ ૯ મૅચમાં ૯૯૦ રન બનાવીને બધા બૅટર્સમાં નંબર-વન હતો. તેણે ત્રણ સદી અને ૬ અડધી સદી ફટકારી હતી. સૌરાષ્ટ્રનો અર્પિત વસાવડા (૯૦૭ રન) બીજા નંબરે અને બેન્ગોલનો અનુષ્ટુપ મજુમદાર (૮૬૭ રન) ત્રીજા સ્થાને હતો. બોલર્સમાં ઑફ બ્રેક અને લેગ બ્રેક ગૂગલી માટે જાણીતો કેરલાનો ૩૬ વર્ષનો જલજ સક્સેના ૫૦ વિકેટ સાથે નંબર-વન હતો. મુંબઈનો સ્પિનર શમ્સ મુલાની (૪૬ વિકેટ) બીજા નંબરે અને મણિપુરનો સ્પિનર એલ. કિશન સિન્ઘા (૪૪ વિકેટ) ત્રીજા નંબરે હતો. બેન્ગોલનો વિકેટકીપર અભિષેક પોરેલ ૪૦ શિકાર સાથે અને મણિપુરનો એલ. કિશંગબામ ૧૭ કૅચ સાથે મોખરે રહ્યો હતો.
મેં ફાઇનલ પહેલાં જ કહ્યું હતું કે અમારે સૌરાષ્ટ્રના પનોતા પુત્ર અને ૧૦૦મી ટેસ્ટ રમનાર ચિન્ટુ (ચેતેશ્વર પુજારા) માટે રણજી ટ્રોફી જીતવી છે અને અમે એ સંકલ્પ મેળવીને જ રહ્યા. ખુદ પુજારા દિલ્હીમાં ટેસ્ટ રમતો હતો એ દરમ્યાન સતત તેણે અમને ચૅમ્પિયનપદ માટેની શુભેચ્છા આપી હતી. તેને માટે રણજી ટાઇટલ પરર્ફેક્ટ ગિફ્ટ છે. - જયદેવ ઉનડકટ
આ યુગ સૌરાષ્ટ્રનો જ
સૌરાષ્ટ્રને ત્રણ વર્ષમાં બીજું ટાઇટલ અપાવનાર જયદેવ ઉનડકટે ટ્રોફી લઈને ઍડ્વોકેટ-વાઇફ રિન્ની સાથે પોઝ આપ્યો હતો. જયદેવે કહ્યું કે ત્રણ વર્ષમાં સૌરાષ્ટ્ર એક વિજય હઝારે ટ્રોફી સહિત કુલ ત્રણ ટાઇટલ જીત્યું એના પરથી કહું છું કે ડોમેસ્ટિક ક્રિકેટમાં સૌરાષ્ટ્રનું સંપૂર્ણ પ્રભુત્વ છે અને આ યુગ પણ સૌરાષ્ટ્રનો જ છે.’ તસવીર પી.ટી.આઇ.