રણજી મૅચની પહેલી જ ઓવરમાં હૅટ-ટ્રિક લેવાનો વિક્રમ અને કરીઅર બેસ્ટ ૮/૩૯નો પર્ફોર્મન્સ : દિલ્હીના ૧૩૩ સામે સૌરાષ્ટ્રના ૧/૧૮૪
Ranji Trophy
જયદેવ ઉનડકટ
રાજકોટમાં ગઈ કાલે સૌરાષ્ટ્રના કૅપ્ટન જયદેવ ઉનડકટે ઇતિહાસ રચ્યો હતો. બંગલાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં ૧૨ વર્ષ બાદ ટીમ ઇન્ડિયામાં કમબૅક કરીને કમાલ કરનાર ઉનડકટે ગઈ કાલે પહેલી જ ઓવરમાં હૅટ-ટ્રિક લઈને ધમાલ મચાવી હતી. દિલ્હીએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગનો નિર્ણય લીધો હતો અને પહેલી જ ઓવરમાં ત્રણ બૅટર્સ ખાતું ખોલાવ્યા વિના પૅવિલિયનમાં પાછા ફરતાં સોપો પડી ગયો હતો. ઉનડકટે ત્રીજા બૉલમાં ઓપનર ધ્રુવ શૌરી (૦), ચોથા બૉલમાં વૈભવ રાવલ (૦) અને પાંચમા બૉલે કૅપ્ટન યશ ધુલ (૦)ને આઉટ કરીને ઇતિહાસ રચ્યો હતો. આ સાથે એ રણજી ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ ઓવરમાં જ હૅટ-ટ્રિક લેનાર પ્રથમ બોલર બન્યો હતો.
વિનયકુમારનો રેકૉર્ડ તોડ્યો
ADVERTISEMENT
રણજી મૅચમાં આ પહેલાં સૌથી ઝડપી હૅટ-ટ્રિકનો રેકૉર્ડ કર્ણાટકના વિનયકુમારના નામે હતો. તેણે પહેલી ઓવરના છેલ્લા બૉલમાં વિકેટ લીધા બાદ ત્રીજી ઓવરના પ્રથમ બે બૉલમાં વિકેટ લઈને હૅટ-ટ્રિક પૂરી કરીને ઇતિહાસ રચ્યો હતો.
ચાર રનમાં અડધી ટીમ આઉટ
પહેલી ઓવરનો ધબડકો ઓછો હોય એમ બીજી ઓવરમાં એક, ત્રીજી ઓવરના ચોથા બૉલમાં વધુ એક વિકેટ માત્ર ચાર રનમાં પડતાં તેમની અડધી ટીમ પૅવિલિયનભેગી થઈ ગઈ હતી. પાંચમી ઓવરમાં છેલ્લા બૉલમાં વધુ એક-એક વિકેટ ગુમાવતા પાંચ ઓવરના અંતે ૧૦ રનમાં ૭ વિકેટ સાથે દિલ્હી દયનીય હાલતમાં મુકાઈ ગયું હતું. જોકે ત્યાર બાદ પ્રાન્શુ વિજયન (૧૫), હૃતિક શૌકીન (અણનમ ૬૮) અને શિવાંક વશિષ્ઠ (૩૮) ટીમની વહારે આવતાં દિલ્હી સન્માનજનક ૧૩૩ રનના સ્કોર સુધી પહોંચી શક્યું હતું.
૧૧માંથી ૬ બૅટર્સના ઝીરો
દિલ્હી ટીમના ૧૧માંથી ૬ બૅટર્સ તો ખાતું પણ ખોલાવી નહોતા શક્યા. આ ૬માંથી ત્રણ તો ગોલ્ડન ડક એટલે કે પહેલા જ બૉલમાં આઉટ થયા હતા.
માત્ર ૧૨ બૉલમાં પાંચ વિકેટ
ઉનડકટે તેની પહેલી ઓવરમાં ૩ અને ત્યાર બાદ બીજી ઓવરમાં ચોથા અને છેલ્લા બૉલમાં વધુ બે વિકેટ સાથે માત્ર ૧૨ બૉલમાં પાંચ વિકેટ ઝડપીને હાહાકાર મચાવ્યો હતો. ઉનડકટે આખરે ૧૨ ઓવરમાં એક મેઇડન સાથે ૩૯ રનમાં કરીઅર બેસ્ટ ૮ વિકેટ લીધી હતી. ચિરાગ જાની અને પ્રેરક માંકડને ૧-૧ વિકેટ મળી હતી.
સૌરાષ્ટ્રની મજબૂત શરૂઆત
દિલ્હીને ૧૩૩ રનમાં ઑલઆઉટ કર્યા બાદ સૌરાષ્ટ્રના ઓપનર હાર્વિક દેસાઈની લાજવાબ અણનમ સેન્ચુરી (૧૨૪ બૉલમાં ૧૫ ફોર સાથે અણનમ ૧૦૪ રન)ની મદદથી દિવસના અંતે એક વિકેટે ૧૮૪ રન બનાવીને ૫૧ રનની લીડ લીધી હતી. અન્ય ઓપનર જય ગોહિલ ૩૪ રન બનાવીને આઉટ થયો હતો, ત્યારે ચિરાગ જાની ૪૪ રન સાથે અણનમ રહ્યો છે.
સૌરાષ્ટ્ર સામે છેલ્લી મૅચમાં હાર્યા બાદ ગઈ કાલે બ્રેબર્નમાં મજબૂત તામિલનાડુ સામે મુંબઈએ કમબૅક કરતાં પહેલા જ દિવસે ૩૯ રનની લીડ લીધી હતી. મુંબઈએ ટૉસ જીતીને તામિલનાડુને પ્રથમ બૅટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. તુષાર દેશપાંડેના ૩૭ રનમાં પાંચ વિકેટના પરાક્રમને લીધે તામિલનાડુ ૩૬.૨ ઓવરમાં માત્ર ૧૪૪ રનમાં જ ઑલઆઉટ થઈ ગયું હતું. શેમ્સ મુલાનીએ પણ ૩૩ રનમાં ૩ વિકેટ સાથે દેશપાંડેને યોગ્ય સાથ આપ્યો હતો. જોકે ત્યાર બાદ મુંબઈએ ૧૨ રનમાં બે વિકેટ ગુમાવીને નબળી શરૂઆત કરી હતી. ઓપનર યશસ્વી જૈસવાલ ખાતું ખોલાવ્યા વિના અને વન-ડાઉન અરમાન જાફર માત્ર ચાર રન બનાવીને આઉટ થઈ ગયો હતતો. પૃથ્વી શૉ (૩૫), કૅપ્ટન અજિંક્ય રહાણે (૪૨), શેમ્સ મુલાની (૨૮) અને સરફરાઝ ખાનના અણનમ ૪૬ રનના યોગદાનને લીધે મુંબઈએ દિવસના અંતે ૬ વિકેટે ૧૮૩ રન બનાવીને ૫૧ રનની લીડ લીધી હતી.
અન્ય રણજી મૅચમાં શું થયું?
૧. વલસાડમાં ગુજરાત સામે પંજાબે પ્રથમ દિવસે ૭ વિકેટે ૨૭૬ રન બનાવ્યા હતા. પંજાબ વતી સૌથી વધુ રન નેહલ વાઢેરા (અણનમ ૧૨૦ રન )એ બનાવ્યા હતા. ગુજરાત વતી ચિંતન ગજાએ ૩, હાર્દિક પટેલે બે તથા શેન પટેલ અને કરણ પટેલે ૧-૧ વિકેટ લીધી હતી.
૨. વડોદરામાં હિમાલચ પ્રદેશ સામે બરોડા ટીમે પ્રથમ દિવસે કૅપ્ટન વિષ્ણુ સોલંકીની અણનમ ૧૬૪ રનની લજવાબ ઇનિંગ્સના જોરે ૭ વિકેટે ૩૨૭ રન બનાવ્યા હતા. કૅપ્ટનને પ્રિયાંશુ માલિયા (૪૭) અને મિતેશ પટેલ (૩૬ રન)નો યોગ્ય સાથ મળ્યો હતો.