દેહરાદૂનમાં ઉત્તરાખંડ સામે બરોડાની ટીમ ફક્ત ૮૬ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી
Ranji Trophy
સિલેક્ટરોને સરફરાઝનો સીધો સંકેત.
રણજી ટ્રોફીના છઠ્ઠા રાઉન્ડમાં ગઈ કાલે પહેલા દિવસે કેટલાક આંચકાજનક પર્ફોર્મન્સિસ જોવા મળ્યા હતા. દિલ્હીમાં મુંબઈનો દિલ્હી સામેનો પ્રથમ દાવ ૨૯૩ રનમાં સમેટાઈ ગયો હતો. જોકે સરફરાઝ ખાન (૧૨૫ રન, ૧૫૫ બૉલ, ચાર સિક્સર, સોળ ફોર)ની સદીએ મુંબઈની આબરૂ સાચવી લીધી હતી. આ પહેલાં, તેણે હૈદરાબાદ સામે એક દાવમાં અણનમ ૧૨૬ રન અને તામિલનાડુ સામે ૧૬૨ રન બનાવ્યા હતા.
દેહરાદૂનમાં ઉત્તરાખંડ સામે બરોડાની ટીમ ફક્ત ૮૬ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. નાગપુરમાં ગુજરાતે ૨૦૧૮ અને ૨૦૧૯માં ચૅમ્પિયન બનનાર વિદર્ભની ટીમને ફક્ત ૭૪ રનમાં ઑલઆઉટ કરી દીધી હતી. ડિફેન્ડિંગ ચૅમ્પિયન મધ્ય પ્રદેશ સામે પંજાબે અનમોલપ્રીત સિંહ (૧૨૪) અને નેહલ વઢેરા (૧૨૩ નૉટઆઉટ)ની ઇનિંગ્સની મદદથી પાંચ વિકેટના ભોગે ૩૦૨ રન બનાવ્યા હતા. પુણેમાં હૈદરાબાદ સામે મહારાષ્ટ્રએ નૌશાદ શેખના અણનમ ૧૪૫ રનની મદદથી પાંચ વિકેટે ૩૫૩ રન બનાવ્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચો : રવીન્દ્ર જાડેજાનું પાંચ મહિને કમબૅક : રણજીમાં સૌરાષ્ટ્રની ટીમ બનશે સ્ટ્રૉન્ગ
પૃથ્વીના ૪૦ રનમાં ૯ ફોર
તાજેતરમાં ગુવાહાટીમાં આસામ સામેની મૅચમાં ઐતિહાસિક ટ્રિપલ સેન્ચુરી (૩૭૯ રન, ૩૮૩ બૉલ, ૪ સિક્સર, ૪૯ ફોર) ફટકારનાર મુંબઈના ઓપનર પૃથ્વી શૉએ ગઈ કાલે દિલ્હી સામે પણ આક્રમક બૅટિંગ કરી હતી, પરંતુ તે હાફ સેન્ચુરી સુધી નહોતો પહોંચી શક્યો. તેણે ૩૫ બૉલમાં ૯ ફોરની મદદથી ૪૦ રન બનાવ્યા હતા. તેણે ૪૦માંથી ૩૬ રન ફોરમાં જ બનાવ્યા હતા. શમ્સ મુલાનીએ ૩૯ રન બનાવ્યા હતા, પણ આસામ સામે ૧૯૧ રન બનાવનાર કૅપ્ટન અજિંક્ય રહાણે ફક્ત બે રન બનાવ્યા બાદ દિલ્હી વતી સૌથી વધુ ચાર વિકેટ લેનાર પેસ બોલર પ્રન્શુ વિજયરનના બૉલમાં વૈભવ રાવલને કૅચ આપી બેઠો હતો. મુંબઈની ટીમ ૨૯૩ રનમાં ઑલઆઉટ થયા બાદ હવે આજે એના સ્ટાર બોલર્સ સામે હિંમત સિંહના સુકાનમાં દિલ્હીના બૅટર્સની કસોટી છે.
બરોડા મુશ્કેલીમાં, પણ ગુજરાત સ્ટ્રૉન્ગ
દેહરાદૂનમાં ઉત્તરાખંડના લેફ્ટ-આર્મ પેસ બોલર અગ્રીમ તિવારીની પાંચ વિકેટને કારણે વિષ્ણુ સોલંકીના સુકાનમાં બરોડાની ટીમ ફક્ત ૮૬ રનમાં ઑલઆઉટ થઈ હતી. જોકે ત્યાર બાદ ઉત્તરાખંડે ૭૪ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. વિકેટકીપર આદિત્ય તરે ૨૬ રને રમી રહ્યો હતો. ચારમાંથી બે વિકેટ બરોડાના પેસ બોલર બાબાશફી પઠાણે લીધી હતી. બીજી બાજુ, નાગપુરમાં ગુજરાતના બે પેસ બોલર ચિંતન ગજા અને તેજસ પટેલે પાંચ-પાંચ વિકેટ લેતાં વિદર્ભની ટીમ ફક્ત ૭૪ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. કૅપ્ટન-વિકેટકીપર અક્ષય વાડકર શૂન્યમાં આઉટ થયો હતો અને ઓપનર સંજય રઘુનાથના ૩૩ રન ટીમમાં હાઇએસ્ટ હતા. ગુજરાતે ઓપનર આર્યા દેસાઈના ૮૮ રનની મદદથી ૧૮૮ રન બનાવ્યા હતા, પરંતુ પાંચ વિકેટ પડી ચૂકી હોવાથી ગુજરાત હવે ૧૧૪ રનની સરસાઈમાં બીજા કેટલા રન ઉમેરશે એ જોવું રહ્યું.
૧૦૦મી મૅચમાં સૌરાષ્ટ્રના કૅપ્ટન ઉનડકટની ૩૭૧મી વિકેટ
જયદેવ ઉનડકટનું ૧૦૦મી મૅચ બદલ બીસીસીઆઇના ભૂતપૂર્વ સેક્રેટરી નિરંજન શાહે સન્માન કર્યું હતું. તસવીર પી.ટી.આઇ.
રાજકોટમાં ગઈ કાલે ચાર-દિવસીય રણજી મૅચના પહેલા દિવસે આંધ્ર સામે સૌરાષ્ટ્રના સુકાની જયદેવ ઉનડકટે કરણ શિંદે (૩૧ રન)ની જે વિકેટ લીધી એ ઉનડકટ માટે યાદગાર હતી. ઉનડકટની આ ૧૦૦મી ફર્સ્ટ-ક્લાસ મૅચ છે અને એમાં તેણે આ કરીઅરની ૩૭૧મી વિકેટ લીધી હતી. તેની ટીમનો સ્પિનર ધર્મેન્દ્રસિંહ જાડેજા સૌથી વધુ સફળ હતો. તેણે ૮૦ રનમાં ત્રણ વિકેટ લીધી હતી. એક વિકેટ ચેતન સાકરિયાને મળી હતી. રમત બંધ રહી ત્યાં સુધી આંધ્રનો પ્રથમ દાવનો સ્કોર પાંચ વિકેટે ૨૫૬ રન હતો.