કાશ્મીર સામે ગુજરાતના સ્પિનર સિદ્ધાર્થની મૅચમાં કુલ ૧૪ વિકેટ
Ranji Trophy
સિદ્ધાર્થ અજય દેસાઈ અને મુંબઈના મુલાનીએ કુલ ૧૧ વિકેટ લીધી.
બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં ગઈ કાલે રણજી ટ્રોફી મૅચમાં ત્રીજા દિવસે મુંબઈએ હૈદરાબાદ સામે એક દાવ અને ૨૧૭ રનથી વિજય હાંસલ કરવાની સાથે ૭ પૉઇન્ટ પણ મેળવ્યા હતા. મુંબઈના પ્રથમ દાવના ૬૫૧/૬ ડિક્લેર્ડ સામે હૈદરાબાદ પ્રથમ દાવમાં ૨૧૪ રનમાં ઑલઆઉટ થયા પછી ગઈ કાલે ફૉલો-ઑન થયા બાદ ૨૨૦ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. મુંબઈના પ્રથમ દાવના સ્ટાર બૅટર્સમાં કૅપ્ટન અજિંક્ય રહાણે (૨૦૪ રન)ની ડબલ સેન્ચુરી સૌથી ધ્યાનાકર્ષક હતી. યશસ્વી જૈસવાલ (૧૬૨) અને સરફરાઝ ખાન (અણનમ ૧૨૬)ની સેન્ચુરી પણ મુંબઈને જિતાડવામાં ખૂબ ઉપયોગી બની હતી. જોકે મુંબઈનો સ્પિનર શમ્સ મુલાની (૯૪માં સાત, ૮૨માં ચાર) કુલ ૧૧ વિકેટ સાથે મૅચનો સુપરસ્ટાર-બોલર બન્યો હતો.
અન્ય રણજી મૅચોમાં શું બન્યું હતું?
ADVERTISEMENT
(૧) અમદાવાદમાં ગુજરાતે ફૉલો-ઑન પછી જમ્મુ અને કાશ્મીરને બીજા દાવમાં ૧૮૨ રનમાં ઑલઆઉટ કરીને ૧ વિકેટે ૧૧ રનનો ટાર્ગેટ મેળવીને શાનદાર વિજય મેળવ્યો હતો. બાવીસ વર્ષના લેફ્ટ-આર્મ સ્પિનર સિદ્ધાર્થ અજય દેસાઈએ કુલ ૧૪ વિકેટ (૩૮ રનમાં ૬, ૬૬ રનમાં ૮) લીધી હતી.
(૨) વડોદરામાં બરોડાના ૬૧૫ રન સામે હરિયાણા પ્રથમ દાવના ૨૭૮ રન અને ફૉલો-ઑન પછીના બીજા દાવના ૧૪૮/૨ના સ્કોર સાથે ગઈ કાલે ત્રીજા દિવસે હજી બરોડાથી ૧૮૯ રન પાછળ હતું.
(૩) રાજકોટમાં મહારાષ્ટ્રના ૪૯૩ રન સામે સૌરાષ્ટ્રનો સ્કોર ૨૫૪/૪ હતો અને ડ્રૉ તરફ જતી આ મૅચમાં યજમાન ટીમ મહારાષ્ટ્રથી ૨૩૯ રન પાછળ હતી.