મુંબઈના કૅપ્ટને ૨૬૧ બૉલમાં બનાવ્યા ૨૦૪ : બરોડાનો જ્યોત્સ્નીલ પાંચ રન માટે ૨૦૦મો રન ચૂકી ગયો : અર્જુન તેન્ડુલકરે શાહબાઝ નદીમની વિકેટ લીધી, પછી નદીમે જ તેને ક્લીન બોલ્ડ કર્યો
Ranji Trophy
ડબલ સેન્ચુરી પછી રહાણે (ડાબે). મુંબઈના સ્પિનર શમ્સ મુલાનીએ ૭૬ રનમાં પાંચ વિકેટ લીધી હતી (જમણે). તસવીર અતુલ કાંબળે
ચાર-દિવસીય રણજી ટ્રોફી મૅચમાં ગઈ કાલે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં બીજા દિવસે મુંબઈએ પ્રથમ દાવ ૬ વિકેટે બનેલા ૬૫૧ રનના સ્કોર પર દાવ ડિક્લેર કર્યો ત્યાર પછી હૈદરાબાદની હાલત કફોડી હતી. તન્મય અગરવાલની કૅપ્ટન્સીમાં હૈદરાબાદની ટીમ ૧૭૩ રનમાં ૬ વિકેટ ગુમાવી ચૂકી હતી. રોહિત રાયુડુ ૭૨ રને રમી રહ્યો હતો, પરંતુ મુંબઈના લેફ્ટ-આર્મ સ્પિનર શમ્સ મુલાનીએ ૭૬ રનમાં પાંચ વિકેટ લીધી ત્યાર પછી આજે વધુ તરખાટ મચાવી શકે એ જોતાં હૈદરાબાદને ફૉલો-ઑન થવાનો વખત આવી શકે. ગઈ કાલે હૈદરાબાદની ટીમ ૪૭૮ રનથી પાછળ હતી.
મુંબઈની ૧૨૭.૨ ઓવરની ઇનિંગ્સની સૌથી મોટી વિશેષતા એ હતી કે ૩૪ વર્ષના કૅપ્ટન અજિંક્ય રહાણે (૨૦૪ રન, ૨૨૬ બૉલ, ત્રણ સિક્સર, ૨૬ ફોર)એ ધમાકેદાર ડબલ સેન્ચુરી ફટકારી હતી. તે ભારતીય ટીમમાં કમબૅક કરવા ઉત્સુક છે અને આઇપીએલના આવતી કાલના ઑક્શન પહેલાં જબરદસ્ત ફૉર્મમાં આવી ગયો છે. તેને કલકત્તાના ફ્રૅન્ચાઇઝીએ હરાજી માટે રિલીઝ કરી દીધો છે. ગઈ કાલે તેને હૈદરાબાદના તનય થ્યાગરાજને ક્લીન બોલ્ડ કર્યો હતો. ઑસ્ટ્રેલિયા ખાતેની જાન્યુઆરી, ૨૦૨૧ની ટૂરના સફળ કાર્યવાહક કૅપ્ટન અને ભૂતપૂર્વ વાઇસ-કૅપ્ટન રહાણેએ ટીમ ઇન્ડિયામાંથી પડતો મુકાયા બાદ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં બે ડબલ સેન્ચુરી અને એક સેન્ચુરી ફટકારી છે.
ADVERTISEMENT
મુંબઈના ૬/૬૫૧ ડિક્લેર્ડના સ્કોરમાં યશસ્વી જૈસવાલના ૧૬૨ રન અને ત્રીજા સેન્ચુરિયન સરફરાઝ ખાનના અણનમ ૧૨૬ રન તેમ જ સૂર્યકુમાર યાદવના ૯૦ રનનો સમાવેશ હતો.
રણજી મૅચ ખરાબ પિચને લીધે રદ, આજથી નવી મૅચ
દિલ્હીના કરનૈલ સિંહ સ્ટેડિયમમાં પંજાબ અને રેલવેની ચાર-દિવસીય રણજી મૅચ ડેન્જરસ પિચ પર ગઈ કાલે બીજા દિવસે મૅચ સસ્પેન્ડ કરાઈ હતી. હવે આજથી આ જ મેદાન પરની નવી પિચ પર બે દિવસની નવી મૅચ રમાશે. ચાર સત્રમાં ૧૦૩ ઓવરમાં ૨૪ વિકેટ પડી હતી જેમાંથી ૨૦ સીમર્સે લીધી હતી.
અન્ય રણજી મૅચોમાં શું બન્યું? : ગુજરાત સામે જમ્મુ અને કાશ્મીર થયું ફૉલો-ઑન
(૧) વડોદરામાં હરિયાણાએ ૭૦ રનમાં એક વિકેટ ગુમાવી હતી. એ પહેલાં બરોડાએ ૧૫૮ ઓવરની બૅટિંગમાં ૬૧૫ રન બનાવ્યા હતા. ઓપનર જ્યોત્સ્નીલ સિંહ (૧૯૫ રન, ૨૬૧ બૉલ, બે સિક્સર, ૨૪ ફોર) ફક્ત પાંચ રન માટે પહેલી ડબલ સેન્ચુરી ચૂકી ગયો હતો.
(૨) અમદાવાદમાં ગુજરાતના ૩૦૭ રનના જવાબમાં જમ્મુ અને કાશ્મીર ૧૩૫ રનમાં ઑલઆઉટ થતાં ફૉલો-ઑન થયું હતું અને બીજા દાવમાં એણે ૮૩ રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. ગુજરાતના લેફ્ટ-આર્મ સ્પિનર સિદ્ધાર્થ દેસાઈએ પહેલા દાવમાં છ અને બીજા દાવમાં ત્રણ વિકેટ લીધી હતી.
(૩) જમશેદપુરમાં ઝારખંડે ૩૮૬ રન બનાવ્યા હતા. ગોવા વતી રમતાં અર્જુન તેન્ડુલકરે શાહબાઝ નદીમ (પચીસ રન)ને બોલ્ડ કર્યો ત્યાર બાદ અર્જુન (એક રન)ને નદીમે જ બોલ્ડ કર્યો. ગોવાના ૪ વિકેટે ૯૯ રન હતા.
(૪) રાજકોટમાં સૌરાષ્ટ્ર સામે મહારાષ્ટ્રના ૭ વિકેટે ૪૭૨ રન હતા.