સંજુ સૅમસનની ટીમ ગુજરાત સામે અગાઉ ત્રણેય મૅચ હારી ગઈ છે
મોહાલીમાં પંજાબ સામે જીતેલી ગુજરાતની ટીમે ઘરઆંગણે રમાનારી મૅચમાં રાજસ્થાનને હરાવીને પૉઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવવા માગશે
મોહાલીમાં પંજાબ સામે જીતેલી ગુજરાતની ટીમે ઘરઆંગણે રમાનારી મૅચમાં રાજસ્થાનને હરાવીને પૉઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવવા માગશે. વળી હાર્દિક પંડ્યાના નેતૃત્વવાળી ટીમે અત્યાર સુધી રાજસ્થાન સામેની ત્રણેય મૅચ જીતી છે એ ઇતિહાસ પણ સંજુ સૅમસન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી મૅચ દરમ્યાન ભૂલ્યો નહીં હોય. આ મેદાનમાં રમાયેલી ૨૦૨૨ની ફાઇનલમાં પંડ્યાની ટીમે ૧૧ બૉલ બાકી રાખીને એકતરફી વિજય મેળવ્યો હતો. રાજસ્થાન, ગુજરાત અને લખનઉના પૉઇન્ટ તો સરખા જ છે, માત્ર રન રેટના આધારે ગુજરાત ત્રીજા ક્રમાંકે છે. બન્ને ટીમ બૅટિંગ અને બોલિંગમાં એકસરખી જ ક્ષમતા ધરાવે છે. સંજુ સૅમસનની ટીમ ગુજરાત સામે જીતી ન શકવાનું મહેણું તોડવા માગશે. રાજસ્થાનના ટૉપ ઑર્ડરમાં યશસ્વી જયસ્વાલ, જોસ બટલર અને સંજુ સૅમસન સૌથી ખતરનાક છે. પાવર-પ્લેમાં સૌથી ઝડપી રન બનાવે છે. પાવર-પ્લેમાં બટલરનો સ્ટ્રાઇક રેટ ૧૯૬.૬ છે, જે તમામ બૅટર્સ કરતાં વધારે છે. પાવર-પ્લેમાં ટીમ કઈ રીતે રમે છે એના આધારે જ હાર-જીતનો ફેંસલો થતો હોય છે. બોલિંગમાં ટોચના સ્પિનરો ઍડમ ઝૅમ્પા, અશ્વિન અને યુઝવેન્દ્ર ચહલ છે, જેણે ચેન્નઈને હરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બીજી તરફ ગુજરાત પાસે કૅપ્ટન હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, શુભમન ગિલ, સાઈ સુદર્શન ઉપરાંત વિજય શંકર અને મોહિત શર્મા જેવા ઑલરાઉન્ડર છે.
લખનઉની ટીમમાં જોડાવાનો હતો હાર્દિક, પણ...
ગુજરાત ટીમના કૅપ્ટન તરીકેની ભૂમિકાએ હાર્દિક પંડ્યાની કરીઅરને એક નવી ઊંચાઈ પર પહોંચાડી દીધી હતી. ઈજાએ ત્રણ વર્ષથી એની રમત પર અસર પાડી હતી. વળી તેણે અગાઉ ક્યારેય કૅપ્ટન્સી કરી નહોતી. લોકોએ હાર્દિક પંડ્યાનો એક નવો જ અવતાર જોયો હતો. જોકે પંડ્યાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે શરૂઆતમાં એ લખનઉ સુપર જાયન્ટ્સની ટીમમાં જોડાવાનો હતો. ટીમ તરફથી તેને ફોન પણ આવ્યો હતો. વળી તેને ખબર હતી કે લોકેશ રાહુલ આ ટીમનો કૅપ્ટન હતો. વળી તે લોકેશ રાહુલને ઘણા સમયથી જાણતો હતો, પરંતુ ભારતીય ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરાના ફોને તેના નિર્ણયને બદલી કાઢ્યો હતો. પંડ્યાએ વધુમાં કહ્યું હતું કે ‘એ સમયે ટીમને આઇપીએલમાં રમવા માટેની પરવાનગી પણ મળી નહોતી, પરંતુ આશિષ નેહરાએ કહ્યું કે હું કોચ છું.’ નેહરા હાર્દિકની ક્ષમતા જાણતો હોવાથી નિર્ણય બદલ્યો હતો.