રોહિત કહે છે, ‘અમે બધા દ્રવિડને ટીમમાં વેલકમ કરવા આતુર છીએ`
ફાઈલ તસવીર
ભારતીય ટીમના હેડ-કોચ તરીકે રાહુલ દ્રવિડની નિયુક્તિની બુધવારે સત્તાવાર જાહેરાત થઈ એની સાથે બીસીસીઆઇએ નિમણૂકને લગતી વિગતો જાહેર નથી કરી, પરંતુ આધારભૂત સૂત્ર પાસેથી જાણવા મળ્યું છે કે દ્રવિડને વર્ષે ૧૦ કરોડ રૂપિયાનો પગાર આપવામાં આવશે. તે બે વર્ષ માટે હેડ-કોચ નિયુક્ત થયો છે.
૪૭ વર્ષના દ્રવિડને રવિ શાસ્ત્રીના સ્થાને બે વર્ષ માટે હેડ-કોચ બનાવાયો છે. શાસ્ત્રી વર્તમાન વર્લ્ડ કપ સુધી જ હેડ-કોચ રહેશે. એક અહેવાલ મુજબ શાસ્ત્રીને ૬થી ૮ કરોડ રૂપિયાનો પગાર અપાતો હતો.
અન્ડર- 19 ક્રિકેટના અને નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીના સેટ-અપને મજબૂત કરવામાં તેમ જ ઇન્ડિયા ‘એ’ ટીમને પડકારરૂપ બનાવવામાં દ્રવિડનું મોટું યોગદાન છે.
સૌરવ ગાંગુલીના પ્રમુખપદમાં બીસીસીઆઇએ દ્રવિડને હેડ-કોચ બનવા બહુ મહેનત નથી કરવી પડી. તેણે થોડા દિવસ પહેલાં જ નિયુક્તિ માટેની તૈયારી બતાવી દીધી હતી. જોકે દ્રવિડ ન માન્યો હોત તો વીવીએસ લક્ષ્મણ ક્રિકેટ બોર્ડના બૅકઅપ પ્લાનમાં હતો.
દરમ્યાન ભારતીય ટીમના વાઇસ-કૅપ્ટન રોહિત શર્માએ અબુ ધાબીથી વર્ચ્યુઅલ પ્રેસ કૉન્ફરન્સને સંબોધતાં કહ્યું હતું કે ‘અમે બધા મહાન ખેલાડી દ્રવિડના કોચિંગમાં રમવા ઉત્સુક છીએ. ભારતીય ટીમ સાથે (કોચ તરીકે) ફરી જોડાવા બદલ દ્રવિડને અભિનંદન.’
દ્રવિડ ૨૦૨૩માં ભારતમાં રમાનારા વન-ડેના વર્લ્ડ કપ સુધી ટીમ ઇન્ડિયાને કોચિંગ આપશે. તે હાલના ટી૨૦ વર્લ્ડ કપ પછી ૧૭ નવેમ્બરથી ન્યુ ઝીલૅન્ડ સામે રમાનારી સિરીઝથી ટીમને કોચિંગ આપવાનું શરૂ કરશે.
"બૅન્ગલોરની અૅકેડેમીમાં રાહુલ દ્રવિડ ઘણા યુવા ખેલાડીઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવ્યો હતો અને એ પ્લેયરો એ પછી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. મને આશા છે કે દ્રવિડ આ નવી ઇનિંગ્સમાં ભારતીય ક્રિકેટને નવી ઊંચાઈ પર લઈ જશે." : સૌરવ ગાંગુલી
ADVERTISEMENT
"બીસીસીઆઇએ એકદમ યોગ્ય વ્યક્તિને પસંદ કરી છે. દ્રવિડે ભારતીય ક્રિકેટને ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું છે. તે હવે ભારત વતી હેડ-કોચ તરીકેની નવી ઇનિંગ્સ શરૂ કરશે અને ટીમને ઘણી ઉપર લઈ જશે. મારી સાથે ઘણી યાદગાર ભાગીદારીઓ કરનાર આ પાર્ટનરને શુભેચ્છા." : વીવીએસ લક્ષ્મણ