શેલાર હવે બીસીસીઆઇમાં જઈ રહ્યા હોવાથી એમસીએમાં પ્રમુખપદ માટેની હરીફાઈ વધી જશે
આશિષ શેલાર
મુંબઈ ક્રિકેટ અસોસિએશન (એમસીએ)માં ચૂંટણીને લગતી અટકળો અને ચર્ચા ચરમસીમાએ છે. ૨૦ ઑક્ટોબરના ઇલેક્શનને માંડ ૮ દિવસ બાકી છે ત્યારે એમસીએ સાથે સંકળાયેલી સ્કૂલ-કૉલેજો તેમ જ પબ્લિક સેક્ટર કંપનીઓ સહિતના વોટર્સને ગઈ કાલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ઑફિસમાંથી આજે સાંજના સહ્યાદ્રિ બંગલો ખાતેના ‘ગેટ-ટુગેધર’ માટે સ્પેશ્યલ ફોન-કૉલ આવ્યો હતો.
એમસીએના એક પીઢ વોટરે ‘મિડ-ડે’ને આ કોઈ અસાધારણ ઘટના નહોતી, એવું કહેતાં જણાવ્યું હતું કે ‘એમસીએની દરેક ચૂંટણી પહેલાં આવું બનતું હોય છે. રાજ્ય સરકારના મત ખૂબ મહત્ત્વના હોય છે.’
ADVERTISEMENT
એવું જાણવા મળ્યું છે કે આજની મીટિંગમાં ૧૨૫થી ૧૩૦ મતદારો ઉપસ્થિત રહેશે. ચૂંટણીની બાબતમાં અનેક વળાંક આવી રહ્યા છે. શરદ પવારના ટેકા સાથે આશિષ શેલારે એમસીએના પ્રમુખપદ માટે ઉમેદવારી નોંધાવી એના બીજા જ દિવસે (ગઈ કાલે) એવી વાત બહાર આવી કે મુંબઈના બીજેપીના વડા (શેલાર) હવે બીસીસીઆઇમાં જઈ રહ્યા છે. આ અખબારે અગાઉ આ બાબત જણાવી હતી. તેઓ બીસીસીઆઇમાં ખજાનચી બની રહ્યા છે. બીસીસીઆઇમાં ૧૮ ઑક્ટોબરની ચૂંટણીમાં તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાશે એવી શક્યતા છે.
જોકે ચર્ચગેટમાં ‘ડી’ રોડ ખાતે બીસીસીઆઇના વડા મથક સાથે સંકળાયેલા એમસીએની બાબતમાં એવું ન કહી શકાય. શેલાર હવે બીસીસીઆઇમાં જઈ રહ્યા હોવાથી એમસીએમાં પ્રમુખપદ માટેની હરીફાઈ વધી જશે. પ્રમુખપદ માટેના ઉમેદવાર સંદીપ પાટીલે ઉપ-પ્રમુખ અમોલ કાળે તરફથી તીવ્ર સ્પર્ધાનો કદાચ સામનો કરવો પડશે. કાળે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નજીકના સાથી છે. કાળેએ એમસીએના પ્રેસિડન્ટ માટે તેમ જ વાઇસ-પ્રેસિડન્ટના હોદ્દા માટે પણ ઉમેદવારી નોંધાવી છે. કાળે તથા સેક્રેટરી સંજય નાઈકે સંદીપ પાટીલ સામે હિત-ટકરાવને લગતી ફરિયાદ કરીને તેમની ઉમેદવારીને પડકારી છે. ૧૯૮૩ના વર્લ્ડ કપના હીરો સંદીપ પાટીલે પોતાનો જવાબ ચૂંટણી અધિકારીને આપી દીધો છે.

