બાબર આઝમ અને શાહિદ આફ્રિદીને સલામત સ્થળે લઈ જવાયા : પાંચ જણને ઈજા
બલુચિસ્તાનના ક્વેટામાં ગઈ કાલે જે સ્ટેડિયમમાં પીએસએલની મૅચ ચાલી રહી હતી એમાં આગ લાગવાનો અને પથ્થરો ફેંકવાનો બનાવ બનતાં કેટલાક ઈજા પામ્યા હતા. ત્યાર બાદ નજીકના એક સ્થળે બૉમ્બ-બ્લાસ્ટ થયો હતો.
આગામી સપ્ટેમ્બરમાં મેન્સ એશિયા કપ ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં રાખવી કે નહીં એનો અંતિમ નિર્ણય માર્ચમાં લેવામાં આવશે એ નક્કી કરાયું એ જ દિવસે (ગઈ કાલે) પાકિસ્તાનના ક્વેટા શહેરમાં ક્રિકેટ સ્ટેડિયમની નજીક બૉમ્બ-ધડાકો થયો હતો જેમાં પોલીસ-કર્મચારીઓ સહિત પાંચ જણ ઈજા પામ્યા હતા. તહરીક-એ-તાલિબાને આ હુમલો કરાવ્યો હોવાનું જાહેર કર્યું હતું.
ઑક્ટોબરમાં બીસીસીઆઇના સેક્રેટરી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના ચીફ જય શાહે જ્યારે કહ્યું હતું કે ‘ભારત પોતાની ટીમને પાકિસ્તાન નહીં મોકલે એટલે એશિયા કપ કોઈ ન્યુટ્રલ સ્થળે જ રમાશે.’ જોકે પાકિસ્તાનના ક્રિકેટ સત્તાધીશો આ વિધાન સાંભળીને ગુસ્સે થયા હતા અને ભારત-વિરોધી ઝુંબેશ શરૂ કરી હતી. જોકે હવે ગઈ કાલે ક્વેટામાં બૉમ્બ-બ્લાસ્ટની જે ઘટના બની એને ધ્યાનમાં લેતાં જય શાહનું વિધાન યોગ્ય ઠરી રહ્યું છે અને એશિયા કપનું યજમાનપદ પાકિસ્તાનના હાથમાંથી જતું રહે એની પાકી સંભાવના છે.
ADVERTISEMENT
ગયા અઠવાડિયે પેશાવરમાં એક મસ્જિદમાં તાલિબાન તરફી આતંકવાદીએ આત્મઘાતી હુમલો કર્યો હતો જેમાં ૮૦ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ મૃત્યુ પામ્યાં હતાં અને બીજા અનેકને ઈજા થઈ હતી. ગઈ કાલે બૉમ્બ-ધડાકો થયો એ ઘટનાસ્થળથી ૪ કિલોમીટર દૂર નવાબ અકબર બુગટી સ્ટેડિયમમાં પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)ની એક્ઝિબિશન મૅચ ચાલી રહી હતી જેમાં બાબર આઝમ અને શાહિદ આફ્રિદી જેવા ખ્યાતનામ ખેલાડીઓ રમી રહ્યા હતા. ધડાકો થતાં જ મૅચ થોડી વાર માટે અટકાવી દેવાઈ હતી અને બાબર આઝમ તથા આફ્રિદીને સલામત સ્થળે લઈ જવાયા હતા.