મોહાલીમાં રમાયેલી મૅચને પંજાબે ડકવર્થ લુઇસ પદ્ધતિ મુજબ ૭ રનથી જીતી લીધી, અર્શદીપ બન્યો પ્લેયર ઑફ ધ મૅચ
IPL 2023
મોહાલીમાં મૅચ દરમ્યાન પિચને બચાવવા માટે મુકાયેલી તાડપત્રી.
મોહાલીમાં રમાયેલી વરસાદના વિઘ્નવાળી મૅચમાં પંજાબે આઇપીએલમાં સૌથી મોંઘી કિંમતે ખરીદેલા સૅમ કરૅને ખતરનાક આન્દ્રે રસેલને યોગ્ય સમયે આઉટ કરતાં કલકત્તાને ડકવર્થ-લુઇસ પદ્ધતિ મુજબ સાત રનથી હરાવ્યું હતું. વિજય માટે ૧૯૨ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં કલકત્તાએ ૧૬ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને ૧૪૬ રન બનાવ્યા હતા ત્યારે ભારે વરસાદે તેમની તમામ મહેનત પર પાણી ફેરવી દીધું હતું. ડીએલએસ મુજબ તેમનો સ્કોર એ સમયે ૧૫૩ રનનો હોવો જોઈતો હતો. જો કલકત્તાએ પહેલાં રસેલ (૧૯ બૉલમાં ૩૫ રન) અને ત્યાર બાદ અર્શદીપ સિંહની ઓવરમાં વેન્કટેશ ઐયરને ગુમાવ્યો નહોત તો પરિણામ કઈક અલગ હોત. ઇનિંગ્સની ૧૫ અને ૧૬મી ઓવરમાં પડેલી બે વિકેટ કલકત્તા માટે ખરાબ સાબિત થઈ ત્યારે તેમને ૨૪ બૉલમાં વિજય માટે ૪૬ રન બનાવવાના હતા. શાર્દુલ ઠાકુર (નૉટઆઉટ ૮) અને સુનીલ નારાયણ (નૉટઆઉટ ૭) ક્રિસ પર હતા. કરૅને રસેલને આઉટ કર્યો ત્યારે કલકત્તાને ૩૨ બૉલમાં ૬૨ રન કરવાના હતા. રસેલને ડિપ મિડ વિકેટ પર અને ઐયરને પૉઇન્ટ પર કૅચ-આઉટ કરાયા હતા. ૧૯ રન આપી ૩ વિકેટ લેનાર અર્શદીપને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરાયો હતો.
વેસ્ટ ઇન્ડીઝના ખેલાડી રસેલે ત્રણ ફોર અને બે સિક્સરની મદદથી આક્રમક રમત રમીને કલકત્તા માટે વિજયની આશા જન્માવી હતી. તો વેન્કટેશ ઐયર આક્રમક ૩૪ રન ફટકારી ખરેખર ઇમ્પેક્ટ પ્લેયર સાબિત થયો હતો. કલકત્તાની શરૂઆત ખરાબ રહી હતી, જેણે ૨૯ રનની અંદર જ ત્રણ વિકેટ ગુમાવી હતી, પરંતુ ચોથી વિકેટ માટે ઐયર અને કૅપ્ટન નીતિશ રાણા (૨૪)એ ૪૬ રનની પાર્ટનરશિપ કરી હતી. ત્યાર બાદ રસેલ અને ઐયર વચ્ચે ૫૦ રનની પાર્ટનરશિપ થઈ હતી.
પંજાબે પહેલાં બૅટિંગ કરતાં ભાનુકા રાજપક્ષાની આક્રમક હાફ સેન્ચુરીના કારણે પાંચ વિકેટે ૧૯૧ રન બનાવ્યા હતા. રાજપક્ષાએ કૅપ્ટન શિખર ધવન (૪૦ રન) સાથે બીજી વિકેટ માટે ૮૬ રન ઉમેરયા હતા, જેમાં સૅમ કરૅને પણ નૉટઆઉટ ૨૬ રન કર્યા હતા.
ADVERTISEMENT
ફ્લડલાઇટ થઈ ગુલ
વરસાદે મૅચ બગાડી એ પહેલાં મોહાલી સ્ટેડિયમમાં ફ્લડલાઇટ ખરાબ થઈ જતાં મૅચનો ૩૦ મિનિટ જેટલો સમય વેડફાયો હતો. કલકત્તાની ટીમ જ્યારે બીજી ઇનિંગ્સમાં બૅટિંગ કરવા માટે આવી ત્યારે સ્ટેડિયમમાં મૂકેલા છ ફ્લડલાઇટના ઘણા બલ્બ ચાલુ થયા જ નહોતા. આમ થવાના કારણની તો ખબર પડી નથી, પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડના હોદ્દેદારો પંજાબ ક્રિકેટ અસોસિએશન પર ઘણા
નારાજ છે.