ચાર ટીમમાંથી ભારતીય ટીમ હજી સુધી એક માત્ર અજેય ટીમ રહી છે, ગઈ કાલે ભારતે પાકિસ્તાન સામે પાંચ વિકેટે જીત મેળવી હતી
સળંગ ત્રીજી મૅચમાં ફિફ્ટી પ્લસ સ્કોર કર્યો રાજેશ કન્નુરે
શ્રીલંકામાં આયોજિત દિવ્યાંગ ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ માટે ભારતીય ટીમ ક્વૉલિફાય થઈ ગઈ છે. ચાર ટીમમાંથી ભારતીય ટીમ હજી સુધી એક માત્ર અજેય ટીમ રહી છે. ગઈ કાલે ભારતે પાકિસ્તાન સામે પાંચ વિકેટે જીત મેળવી હતી. આ અઠવાડિયામાં ૧૨ જાન્યુઆરીએ પણ ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવીને પોતાના અભિયાનની વિજયી શરૂઆત કરી હતી.
પાકિસ્તાને ગઈ કાલે ભારત સામે પાંચ વિકેટ ગુમાવીને ૧૩૮ રન કર્યા હતા. જવાબમાં મહારાષ્ટ્રના રાજેશ કન્નુરની બાવન બૉલમાં ૭૪ રનની અણનમ ઇનિંગ્સની મદદે ભારતે ૧૮ બૉલ બાકી રાખીને ૧૪૧ રન ફટકારીને સળંગ ચોથી જીત મેળવી હતી. રાજેશનો આ સળંગ ત્રીજો ફિફ્ટી પ્લસ સ્કોર હતો.
ADVERTISEMENT
હવે ૧૮ જાન્યુઆરીએ ઇંગ્લૅન્ડ અને ૧૯ જાન્યુઆરીએ શ્રીલંકા સામે ગ્રુપ-સ્ટેજની મૅચ બાદ ભારતીય ટીમની નજર ૨૧ જાન્યુઆરીએ ફાઇનલ મૅચ જીતવા પર રહેશે. પૉઇન્ટ્સ-ટેબલમાં ૮ પૉઇન્ટ સાથે ભારત ટૉપ પર છે અને માત્ર એક મૅચ હારનાર ઇંગ્લૅન્ડની ટીમ ૬ પૉઇન્ટ સાથે બીજા ક્રમે છે.