શાહીન શાહ આફ્રિદીની હકાલપટ્ટી, વાઇટ બૉલનો કૅપ્ટન હવે પાછો બાબર આઝમ
બાબર આઝમ
T20 વર્લ્ડ કપ 2024ના બે મહિના પહેલાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ફરી પાછો બાબર આઝમને વાઇટ બૉલ ક્રિકેટનો કૅપ્ટન નિયુક્ત કર્યો છે. આ સાથે જ ભૂતપૂર્વ ઑલરાઉન્ડર શાહિદ આફ્રિદીના જમાઈ અને પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીની કૅપ્ટનસી છીનવાઈ ગઈ છે. ગયા વર્ષે ભારતમાં યોજાયેલા વન-ડે વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શન બાદ બાબર આઝમે ત્રણેય ફૉર્મેટમાંથી કૅપ્ટનસી છોડી દીધી હતી. ૨૩ વર્ષના શાહીન શાહનો સમય હાલમાં ખરાબ ચાલી રહ્યો છે. તેની કૅપ્ટન્સીમાં પાકિસ્તાનની ટીમ ન્યુ ઝીલૅન્ડ સામેની પાંચ મૅચની T20 સિરીઝ ૧-૪થી હારી ગઈ હતી. પાકિસ્તાન સુપર લીગ (PSL)માં તેની કૅપ્ટન્સીમાં લાહોર કલંદર્સ ૧૦માંથી ૮ મૅચમાં હાર સાથે પૉઇન્ટ ટેબલમાં અંતિમ સ્થાને રહ્યું હતું. હવે શાન મસૂદ ટેસ્ટટીમનો કૅપ્ટન હશે, જ્યારે બાબર આઝમ ફરી પાછો વન-ડે અને T20માં પાકિસ્તાનને મજબૂત કરવાનો પ્રયત્ન કરશે. ૧ જૂનથી અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝમાં શરૂ થનારા T20 વર્લ્ડ કપ પહેલાં પાકિસ્તાન ક્રિકેટ ટીમ T20 સિરીઝ રમવા ન્યુ ઝીલૅન્ડ, આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડના પ્રવાસે જશે. આર્મી-કૅમ્પમાં ટ્રેઇનિંગની સાથે આ ત્રણેય T20 સિરીઝની મદદથી પાકિસ્તાનના ક્રિકેટર્સ T20 વર્લ્ડ કપ માટે પોતાને બેસ્ટ બનાવવાનો પ્રયાસ કરશે.