ટોક્યો આૅલિમ્પિક્સની ગોલ્ડ મેડલિસ્ટ બેલ્જિયમ બાદ સિલ્વર મેડલિસ્ટ આૅસ્ટ્રેલિયા પણ રેસમાંથી બહાર : આજે પહેલી સેમી ફાઇનલ સ્પેન અને નેધરલૅન્ડ્સ વચ્ચે, બીજી સેમી ફાઇનલમાં ભારતીય ટીમને જર્મનીનો પડકાર
ઉજવણી કરતા ભારતીય ટીમના હેડ કોચ ક્રૅગ ફલ્ટન
૨૦૨૧ની ટોક્યો ઑલિમ્પિક્સમાં પાંચ ઑગસ્ટે ભારતીય હૉકી ટીમ જર્મનીને પેનલ્ટી શૂટઆઉટમાં ૫-૪થી હરાવીને ૪૧ વર્ષ બાદ મેડલ જીતી હતી. આ યાદગાર જીતના બરાબર ૩ વર્ષ બાદ આજે છ ઑગસ્ટે ભારતીય ટીમ પૅરિસ ઑલિમ્પિક્સમાં જર્મની સામે સેમી ફાઇનલમાં ટકરાશે. જર્મનીએ આર્જેન્ટિનાને ૩-૨થી હરાવીને સેમી ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.
૪૪ વર્ષ બાદ ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતવાના માર્ગ પર ભારતીય હૉકી ટીમ આજે જો જર્મનીને હરાવશે તો સિલ્વર મેડલ તો પાકો કરી જ લેશે, પણ જો હારશે તો એને બ્રૉન્ઝ મેડલ માટે મૅચ રમવી પડશે. સ્પેનની ટીમ બેલ્જિયમને અને નેધરલૅન્ડ્સની ટીમ ઑસ્ટ્રેલિયાને હરાવીને સેમી ફાઇનલમાં પહોંચી છે.
ADVERTISEMENT
ભારતીય ટીમ ગોલ્ડ મેડલ જીતવાથી માત્ર બે જીત દૂર છે અને એમાં ગોલકીપર પી.આર. શ્રીજેશ મહત્ત્વની ભૂમિકા ભજવશે. અંતિમ ઑલિમ્પિક્સ રમી રહેલા શ્રીજેશના શાનદાર ડિફેન્સને કારણે ભારતીય ટીમ ગ્રેટ બ્રિટનને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને સેમી ફાઇનલમાં પહોંચી હતી.
ઑલિમ્પિક્સમાં કુલ ૮ ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય હૉકી ટીમ છેલ્લે ૧૯૮૦માં મૉસ્કોમાં ગોલ્ડ જીતી હતી. ટોક્યો ઑલિમ્પિક્સની ગોલ્ડ મેડલિસ્ટ બેલ્જિયમ બાદ સિલ્વર મેડલિસ્ટ ઑસ્ટ્રેલિયા પણ રેસમાંથી બહાર થતાં ભારતીય ટીમના ગોલ્ડ મેડલ જીતવાના ચાન્સ વધી ગયા છે.
વર્લ્ડ રૅન્કિંગમાં જર્મની ચોથા સ્થાને છે અને ભારત પાંચમા ક્રમે છે. હેડ-ટુ-હેડ રેકૉર્ડમાં જર્મનીનો રેકૉર્ડ ભલે ભારત કરતાં સારો છે, પણ છેલ્લી પાંચ મૅચમાંથી ભારતીય ટીમે જર્મનીને માત્ર એક વાર જીતવાની તક આપી છે. આજે ભારતીય સમય અનુસાર પહેલી સેમી ફાઇનલ મૅચ સાંજે ૫.૩૦ વાગ્યે સ્પેન અને નેધરલૅન્ડ્સ વચ્ચે તથા બીજી સેમી ફાઇનલ રાતે ૧૦.૩૦ વાગ્યે ભારત અને જર્મની વચ્ચે રમાશે.
‘ચક દે ઇન્ડિયા’નો આૅસ્ટ્રેલિયન કોચ ભારતીય હૉકી ટીમ માટે બન્યો વિલન
જોશુઆ બર્ટ
ભારતીય હૉકી ટીમનો મુખ્ય ડિફેન્ડર અમિત રોહિદાસ આજે જર્મની સામેની સેમી ફાઇનલ મૅચમાં રમી શકશે નહીં. ગ્રેટ બ્રિટન સામેની નૉકઆઉટ મૅચમાં તેને રેડ કાર્ડ મળતાં તે મૅચમાંથી બહાર થયો હતો. તેના પર લાદવામાં આવેલા એક મૅચના સસ્પેન્શન સામે હૉકી ઇન્ડિયાની અપીલને રમતની વૈશ્વિક સંસ્થા FIH દ્વારા ફગાવી દેવામાં આવી છે. સેમી ફાઇનલમાં ભારતીય ટીમ પાસે ૧૬ની જગ્યાએ ૧૫ ખેલાડીઓ જ ઉપલબ્ધ રહેશે.
અમિત રોહિદાસ
અમિત રોહિદાસના સસ્પેન્શનને લઈને બૉલીવુડ કનેક્શન સામે આવ્યું છે. જે ટેક્નિકલ કમિટીએ અમિત રોહિદાસને સસ્પેન્ડ કર્યો છે એમાં એક એવી વ્યક્તિનો સમાવેશ થાય છે જેણે શાહરુખ ખાનની હૉકી પર આધારિત પ્રખ્યાત ફિલ્મ ‘ચક દે ઇન્ડિયા’માં કામ કર્યું હતું. આ વ્યક્તિનું નામ જોશુઆ બર્ટ છે અને તેણે જ અમિત રોહિદાસનો સસ્પેન્શન લેટર લખ્યો છે. જોશુઆ બર્ટે ફિલ્મ ‘ચક દે ઇન્ડિયા’માં ઑસ્ટ્રેલિયાની મહિલા ટીમના કોચની ભૂમિકા ભજવી હતી. હવે ટેક્નિકલ કમિટીમાં રહીને તેણે ભારત વિરુદ્ધ ચુકાદો આપ્યો છે.
હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૧૦૬ |
ભારતની જીત |
૨૬ |
જર્મનીની જીત |
૫૩ |
ડ્રૉ |
૨૭ |
જ્યારે પાકિસ્તાન નથી રમતું ત્યારે હું ભારતને સપોર્ટ કરું છું. વિજેતાની જેમ રમો, ગોલ્ડ તમારો થઈ જશે. : પાકિસ્તાનના મહાન હૉકી ખેલાડી હસન સરદાર
અમે ફાઇનલમાં જર્મની સામે રમવા માગતા હતા. એ કડક હરીફ છે અને એની સામેની મૅચ છેલ્લી ઘડી સુધી ચાલે છે. : ભારતીય કૅપ્ટન હરમનપ્રીત સિંહ