ટેસ્ટના સફળ ચેઝમાં સૌથી વધુ ૫૨૪ મિનિટ સુધી બૅટિંગ કરવાનો વર્લ્ડ રેકૉર્ડ : ગૉલના હાઇએસ્ટ ચેઝ સાથે પાકિસ્તાન ૧-૦થી આગળ.
અબ્દુલ્લા શફીક
પાકિસ્તાનને ગઈ કાલે ઓપનર અબ્દુલ્લા શફીકે (અણનમ ૧૬૦, ૪૦૮ બૉલ, ૫૨૪ મિનિટ, એક સિક્સર, સાત ફોર) શ્રીલંકા સામે ગૉલના ગ્રાઉન્ડ પર સૌથી વધુ વખત ક્રીઝ પર રહેવાનો નવો વિશ્વવિક્રમ રચીને ઐતિહાસિક વિજય અપાવ્યો હતો. પાકિસ્તાનને આ પ્રથમ ટેસ્ટ જીતવા ૩૪૨ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ગઈ કાલે એણે બાકીના ૧૨૦ રન બનાવવાના હતા અને શ્રીલંકાને ૭ વિકેટની જરૂર હતી. શફીકના ધમાકેદાર પર્ફોર્મન્સથી પાકિસ્તાને ૬ વિકેટે ૩૪૪ રન બનાવીને સિરીઝમાં ૧-૦થી સરસાઈ મેળવી હતી. શફીક ઉપરાંત કૅપ્ટન બાબર આઝમે પંચાવન રન અને વિકેટકીપર મોહમ્મદ રિઝવાને ૪૦ રન બનાવ્યા હતા.
ડિસિલ્વાનો રેકૉર્ડ તોડ્યો
ADVERTISEMENT
શફીક ૫૨૪ મિનિટ સુધી ક્રીઝ પર હતો. ટેસ્ટના ચોથા દાવમાં જે ટાર્ગેટ સફળતાથી ચેઝ થયા હોય એમાં સૌથી લાંબા સમય સુધી ક્રીઝ પર રહેવાનો અરવિંદ ડિસિલ્વાનો ૪૬૦ મિનિટનો ૨૪ વર્ષ જૂનો વર્લ્ડ રેકૉર્ડ (૧૯૯૮માં કોલંબોમાં ઝિમ્બાબ્વે સામે) હતો, પણ ગઈ કાલે શફીકે એ તોડી નાખ્યો હતો. પાકિસ્તાનને લાંબી ઇનિંગ્સ રમી શકતો ભરોસાપાત્ર ઓપનર મળી ગયો છે. આ લિસ્ટમાં મોહિન્દર અમરનાથ ત્રીજા સ્થાને છે. તેઓ ૧૯૭૬માં પોર્ટ ઑફ સ્પેન ખાતે વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટના છેલ્લા દાવમાં ૪૪૦ મિનિટ સુધી ક્રીઝ પર હતા.
શફીકે દોઢ વર્ષની કરીઅરમાં પહેલી વાર મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મેળવ્યો હતો.
ગૉલના ગ્રાઉન્ડ પર નવો વિક્રમ
શ્રીલંકાના ગૉલના ગ્રાઉન્ડ પર આ પહેલાં ૨૬૮ રન હાઇએસ્ટ સક્સેસફુલ ચેઝ હતો, પણ ગઈ કાલે પાકિસ્તાને ૩૪૨ રનના નવા સફળ લક્ષ્યાંકનો વિક્રમ અંકિત કર્યો હતો. એકંદરે પાકિસ્તાનનો આ સેકન્ડ હાઇએસ્ટ સક્સેસફુલ ચેઝ છે. ૨૦૧૫ની સાલમાં પાકિસ્તાને પલ્લેકેલમાં ૩૭૭ રનનો ટાર્ગેટ મેળવ્યો હતો અને પાકિસ્તાનના સૌથી સફળ ચેઝમાં એ હાઇએસ્ટ છે.
408
શફીક આટલા બૉલનો સામનો કરીને ટેસ્ટના ચોથા દાવમાં ૪૦૦-પ્લસ બૉલ રમનાર વિશ્વનો માત્ર પાંચમો બૅટર છે. ટોચના ચાર બૅટર્સમાં આથર્ટન, સટક્લિફ, ગાવસકર અને બાબર આઝમ સામેલ છે.