પહેલા દિવસે ૪ વિકેટે ૩૧૬ રન કર્યા ઃ ઓપનર રાયન રિકલટન અને કૅપ્ટન ટેમ્બા બવુમાની સેન્ચુરી
કૅપ્ટન ટેમ્બા બવુમાએ ૧૭૯ બૉલમાં ૯ ફોર અને બે સિક્સ સાથે ૧૦૬ રન કર્યા હતા
પહેલી ટેસ્ટમૅચમાં પાકિસ્તાનને હરાવીને ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગયેલા સાઉથ આફ્રિકાએ ગઈ કાલે બીજી ટેસ્ટના પહેલા દિવસે ધમાકેદાર બૅટિંગ કરી હતી. ટૉસ જીતીને પહેલાં બૅટિંગ પસંદ કરીને સાઉથ આફ્રિકાએ પહેલા દિવસના અંતે ૮૦ ઓવરમાં ૪ વિકેટે ૩૧૬ રન ખડકી દીધા હતા. આ તોતિંગ સ્કોરમાં બે સેન્ચુરીનો સમાવેશ છે.
આ ટેસ્ટમાં ઓપનિંગમાં રમવા આવેલા રાયન રિકલટને પોતાની બીજી ટેસ્ટ-સેન્ચુરી ફટકારી છે. તે ૨૩૨ બૉલમાં ૧૭૬ રન કરીને અણનમ રહ્યો છે. ૨૧ ફોર અને એક સિક્સ સાથે આ સ્કોર તેણે ૭૫.૮૬ના સ્ટ્રાઇક-રેટથી બનાવ્યો છે.
ADVERTISEMENT
બીજી સેન્ચુરી કૅપ્ટન ટેમ્બા બવુમાએ ફટકારી હતી. તેણે ૧૭૯ બૉલમાં ૯ ફોર અને બે સિક્સ સાથે ૧૦૬ રન કર્યા હતા. તે દિવસના અંત ભાગમાં ૭૭મી ઓવરમાં આઉટ થયો હતો. સાઉથ આફ્રિકાએ એક તબક્કે ૭૨ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે રિકલટન અને બવુમાએ ચોથી વિકેટ માટે મોટી પાર્ટનરશિપ કરીને ટીમને ઉગારી લીધી હતી. બન્નેએ ૨૩૫ રનની ભાગીદારી કરી હતી.
ટેમ્બા બવુમાની ટેસ્ટ-ક્રિકેટમાં આ ચોથી અને પાકિસ્તાન સામે પહેલી સેન્ચુરી હતી.