ઇંગ્લૅન્ડ સામે મુલતાનમાં ચાલી રહેલી બીજી ટેસ્ટમૅચ ત્રીજા દિવસના અંતે રોમાંચક તબક્કે પહોંચી ગઈ છે. પાકિસ્તાને આપેલા ૨૯૭ રનના ટાર્ગેટ સામે ઇંગ્લૅન્ડે ૩૬ રનમાં બે વિકેટ ગુમાવી છે
ઇંગ્લૅન્ડની સ્પિન જોડી જૅક લીચે ૬૭ રનમાં ૩ વિકેટ (ડાબે) અને શોએબ બશીરે ૬૬ રનમાં ચાર વિકેટ લઈને પાકિસ્તાનને ૨૨૧ રનમાં ઑલઆઉટ કરી દીધું હતું.
ઇંગ્લૅન્ડ સામે મુલતાનમાં ચાલી રહેલી બીજી ટેસ્ટમૅચ ત્રીજા દિવસના અંતે રોમાંચક તબક્કે પહોંચી ગઈ છે. પાકિસ્તાને આપેલા ૨૯૭ રનના ટાર્ગેટ સામે ઇંગ્લૅન્ડે ૩૬ રનમાં બે વિકેટ ગુમાવી છે. હવે આજે ચોથા અને કદાચ છેલ્લા દિવસે ઇંગ્લૅન્ડને બીજી ટેસ્ટ જીતવા માટે ૨૬૧ રનની જરૂર છે અને તેમની ૮ વિકેટ બાકી છે, જ્યારે પ્રથમ ટેસ્ટમાં નામોશીભરી હાર તેમ જ ઘરઆંગણે હારના સિલસિલાને અટકાવવા માટે પાકિસ્તાનને ૮ વિકેટની જરૂર છે.
ગઈ કાલે પાકિસ્તાનના ૩૬૬ રન સામે ઇંગ્લૅન્ડે ૬ વિકેટે ૨૩૯ રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. વધુ બાવન રન ઉમેરીને ઇંગ્લૅન્ડ ૨૯૧ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ જતાં પાકિસ્તાનને ૭૫ રનની મૂલ્યવાન લીડ મળી હતી. પાકિસ્તાન વતી સાજિદ ખાને ૧૧૧ રનમાં ૭ વિકેટ સાથે બેસ્ટ પર્ફોર્મ કર્યું હતું. પાકિસ્તાન બીજી ઇનિંગ્સમાં ૨૨૧ રનમાં ઑલઆઉટ થઈ જતાં ઇંગ્લૅન્ડને ૨૯૭ રનનો ટાર્ગેટ મળ્યો હતો. ફર્સ્ટ ઇનિંગ્સનો સેન્ચુરિયન કામરાન ગુલામ ૨૬ રન બનાવી શક્યો હતો અને સલમાન આગાએ સૌથી વધુ ૬૩ રન બનાવ્યા હતા. પાકિસ્તાનને ૨૨૧ રનમાં સીમિત રાખવામાં ઇંગ્લૅન્ડની સ્પિન જોડી શોએબ બશીર (૬૬ રનમાં ચાર) અને જૅક લીચ (૬૭ રનમાં ૩ વિકેટ)એ સૌથી માટો રોલ ભજવ્યો હતો.
ADVERTISEMENT
૨૯૭ રનના ટાર્ગેટ સામે ઇંગ્લૅન્ડે પહેલી ઇનિંગ્સના સેન્ચુરિયન બેન ડકેટને ત્રીજા જ બૉલે શૂ્ન્ય પર ગુમાવીને ખરાબ શરૂઆત કરી હતી. ડકેટને સાજિદ ખાને જ આઉટ કર્યો હતો. અન્ય ઓપનર જૅક ક્રાઉલી પણ માત્ર ૩ રન બનાવીને ૧૧ રનના સ્કોર પર આઉટ થઈ જતાં ઇંગ્લૅન્ડ મુસીબતમાં મુકાઈ ગયું હતું. જોકે ઓલી પોપ (અણનમ ૨૧) અને જો રૂટ (અણનમ ૧૨ ૨ન) મેદાનમાં ટકી રહ્યા છે.
એક પછી એક નામોશી જોઈ રહેલા પાકિસ્તાન માટે બીજી ટેસ્ટમાં મજબૂત કમબૅક માટે બે સ્ટાર્સ કામરાન ગુલામ અને સાજિદ ખાન ઊભરી આવ્યા હતા. પોતાની ડેબ્યુ મૅચમાં સેન્ચુરી ફટકારીને કામરાન ટીમને પ્રથમ ઇનિંગ્સમાં ચૅલેન્જિંગ સ્કોર તરફ દોરી ગયો હતો જ્યારે સાજિદ ખાને પ્રથમ ઇનિંગ્સમાં ૧૧૧ રનમાં સાત વિકેટ બાદ બીજી ઇનિંગ્સમાં પ્રથમ ઇનિંગ્સના સેન્ચુરિયન ડકેટને ખાતું ખોલાવ્યા વિના પૅવિલિયન પાછો મોકલી દીધો હતો.
ઇંગ્લૅન્ડના ઓપનર બૅન ડકેટના ફાસ્ટેસ્ટ ૨૦૦૦ રન
બીજા દિવસની રમત દરમ્યાન ઇંગ્લૅન્ડના ઓપનર બૅન ડકેટે શાનદાર સેન્ચુરી દરમ્યાન એક વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કરી લીધો છે. ડકેટે માત્ર ૨૨૯૩ બૉલમાં ટેસ્ટમાં ૨૦૦૦ રનનો આંકડો પાર કરીને ન્યુ ઝીલૅન્ડના ટિમ સાઉધીના ૨૪૧૯ બૉલના રેકૉર્ડને તોડી નાખ્યો છે. સૌથી ઓછા બૉલમાં ૨૦૦૦ રન બનાવનારના લિસ્ટમાં ત્રીજા નંબરે ઍડમ ગિલક્રિસ્ટ (૨૪૮૩ બૉલ), ચોથા નંબરે વીરેન્દર સેહવાગ (૨૭૫૯ બૉલ) અને પાંચમા નંબરે રિષભ પંત (૨૭૯૭ બૉલ) છે.