ઇંગ્લૅન્ડ બે વિકેટે ૨૧૧ રનની કમ્ફર્ટેબલ પોઝિશનમાં હતું, પણ... યજમાન ટીમે ૩૬૬ રન કર્યા: ઇંગ્લૅન્ડ ૬ વિકેટે ૨૩૯: ઑફ-સ્પિનર સાજિદ ખાન હીરો
બેન ડકેટે આક્રમક ૧૧૪ રન ફટકાર્યા હતા
ઇંગ્લૅન્ડ અને પાકિસ્તાન વચ્ચેની બીજી ટેસ્ટમૅચના બીજા દિવસના અંતે પાકિસ્તાનનો હાથ ઉપર હતો. પાકિસ્તાને ગઈ કાલના ૨૫૯ના સ્કોરમાં ૧૦૭ રન ઉમેરીને બાકીની પાંચ વિકેટ ખોઈ હતી. યજમાન ટીમના પહેલી ઇનિંગ્સના ૩૬૬ના સ્કોર સામે ઇંગ્લૅન્ડે ધમાકેદાર શરૂઆત કરી હતી. ઓપનરો ઝૅક ક્રૉલી અને બેન ડકેટે માત્ર ૧૨ ઓવરમાં ૭૩ રન ઝૂડી કાઢ્યા હતા. બેન ડકેટે આક્રમક સદી ફટકારી હતી. તેણે ૧૨૯ બૉલમાં ૧૧૪ રન ફટકાર્યા હતા.
ADVERTISEMENT
પાકિસ્તાનના ઑફ-સ્પિનર સાજિદ ખાને માત્ર બે ઓવરમાં ત્રણ વિકેટ લઈને ઇંગ્લૅન્ડની કેડ ભાંગી નાખી હતી. તેણે કુલ ચાર વિકેટ લીધી હતી
ઇંગ્લૅન્ડનો સ્કોર બે વિકેટે ૨૧૧ હતો ત્યારે જોકે પાકિસ્તાનનો ઑફ-સ્પિનર સાજિદ ખાન ત્રાટક્યો હતો અને તેણે માત્ર બે ઓવરમાં ત્રણ વિકેટ લઈને ઇંગ્લૅન્ડની કેડ ભાંગી હતી. સાજિદ ખાને બેતાલીસમી ઓવરમાં ૨૧૧ના સ્કોરે જો રૂટને બોલ્ડ કર્યો, ચુમ્માલીસમી ઓવરના બીજા બૉલે ૨૨૪ના સ્કોરે સેન્ચુરિયન બેન ડકેટની વિકેટ લીધી અને એ ઓવરના છેલ્લા બૉલે ૨૨૫ના સ્કોરે હૅરી બ્રુકને બોલ્ડ કર્યો. પિસ્તાલીસમી ઓવરમાં કૅપ્ટન બેન સ્ટોક્સ પણ ૨૨૫ના ટોટલ પર જ આઉટ થયો. આમ ૧૪ રનમાં ઇંગ્લૅન્ડે ૪ વિકેટ ગુમાવી દીધી.
બીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે ઇંગ્લૅન્ડે ૬ વિકેટે ૨૩૯ રન કર્યા હતા. સાજિદ ખાને ૧૯ ઓવરમાં ૮૬ રન આપીને ૪ વિકેટ લીધી હતી.