પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમ સેઠીએ કરેલો દાવો ગળે ઊતરી શકે એમ લાગતું નથી
IPL 2023
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના મૅનેજિંગ કમિટીના અધ્યક્ષ નજમ સેઠીએ દાવો કર્યો હતો કે પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)ની આઠમી સીઝને ડિજિટલ મીડિયા પર આઇપીએલની સરખામણીમાં સારું પ્રદર્શન કર્યું છે. આઇપીએલ સાથે પીએસએલની ડિજિટલ રેટિંગની સરખામણી કરતાં તેમણે કહ્યું હતું કે આઇપીએલની ડિજિટલ રેટિંગ ૧૩ કરોડ હતી તો પીએસએલની ૧૫ કરોડ કરતાં વધુ છે, જે પાકિસ્તાનની મોટી સફળતા છે. તેમણે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘હજી તો માત્ર પીએસએલ અડધી જ પૂરી થઈ હતી ત્યારે મેં પૂછ્યું કે આપણી ડિજિટલ રેટિંગ શું છે? ત્યારે અધિકારીઓએ કહ્યું કે નજમ સેઠી શો થાય છે ત્યારે જીઓ ટીવી પર એનું પાંચ કે છ રેટિંગ આવતું હતું, હાલ ૧૧ કરતાં વધુ રેટિંગ આવી રહ્યું છે. આ પૂર્ણ થશે તો મારા મતે ૧૮થી ૨૦ સુધી પહોંચી જશે. વળી ડિજિટલ રેટિંગ ૧૫૦ મિલ્યન કરતાં વધુ હતું. આઇપીએલનું ડિજિટલ રેટિંગ ૧૩૦ મિલ્યન જેટલું આ સમયે હોય છે.’
લાહોર બીજી વખત ચૅમ્પિયન
ADVERTISEMENT
પીએસએલની આઠમી સીઝનમાં લાહોરે મુલ્તાનને ૧ રનથી હરાવીને સતત બીજી વખત ચૅમ્પિયન બન્યું છે. લાહોરે પહેલા બૅટિંગ કરતાં ૨૦૦ રન બનાવ્યા હતા, જેમાં કૅપ્ટન શાહીન આફ્રિદીએ નૉટઆઉટ ૪૪ રન બનાવ્યા અને ત્યાર બાદ બોલિંગમાં ચાર વિકેટ પણ લીધી હતી. લાહોરે ગયા વર્ષે પણ મુલ્તાનને હરાવીને ટ્રોફી જીતી હતી. શાહીન આફ્રિદીને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરાયો હતો. મુલ્તાનને છેલ્લી બે ઓવરમાં ૩૫ રનની જરૂર હતી. ૧૯મી ઓવરમાં બાવીસ રન બનાવ્યા, પરંતુ છેલ્લી ઓવરમાં ૧૩ રન બનાવી ન શક્યું. છેલ્લા બૉલમાં મુલ્તાનને જીત માટે ચાર રનની જરૂર હતી, પરંતુ બે રન જ બનાવી શક્યા.