પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટને કહ્યું કે તેની પાસે ક્ષમતા છે, સમય જતાં આક્રમકતા પણ આવી જશે : તેણે રમતમાં કંઈ બદલવાની જરૂર નથી
શનિવારે રાયપુરમાં રમાયેલી મૅચમાં રોહિત શર્મા અને શુભમન ગિલ.
ભારતીય ઓપનર શુભમન ગિલ હાલ શાનદાર ફૉર્મમાં છે. તેણે ન્યુ ઝીલૅન્ડ સામે વન-ડે સિરીઝમાં બેવડી સેન્ચુરી ફટકારી છે. ત્યાર બાદ બીજી વન-ડેમાં નોટઆઉટ ૪૦ રન ફટકાર્યા. તેણે બન્ને મૅચમાં કૅપ્ટન રોહિત શર્મા સાથે મળીને ભારતને સારી શરૂઆત અપાવી હતી. ગિલે પોતાના આંતરરાષ્ટ્રીય કરીઅરમાં અત્યાર સુધી તમામને પ્રભાવિત કર્યા છે. ગિલની બૅટિંગ સ્ટાઇલની ક્રિકેટ જગતમાં ઘણી ચર્ચા થઈ રહી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ ચૅરમૅન અને ભૂતપૂર્વ કૅપ્ટન રમીઝ રાજાએ પણ ગિલની પ્રશંસા કરી છે. તેણે ગિલને મિની રોહિત શર્મા ગણાવ્યો છે. રમીઝે પોતાની યુટ્યુબ ચૅનલ પર કહ્યું હતું કે ‘શુભમન ગિલ પાસે વધુ સમય છે, તેણે સારી બૅટિંગ કરી છે. તેની પાસે ક્ષમતા છે, સમય જતાં આક્રમકતા પણ આવી જશે. તેણે પોતાની રમતમાં કંઈ પણ બદલવાની જરૂર નથી.’
આ પણ વાંચો : શુભમન ગિલ : ભારતનો ફાસ્ટેસ્ટ, વિશ્વનો યંગેસ્ટ
ADVERTISEMENT
રમીઝ રાજાએ વધુમાં કહ્યું હતું કે ‘ભારતે ન્યુ ઝીલૅન્ડને એની જ રમતમાં માત આપી છે. ભારતનું બોલિંગ-પ્રદર્શન પણ મહત્ત્વનું રહ્યું છે. ભારતીય બોલર પાસે સ્પીડ નથી, પરંતુ તેઓ એક જ સ્થળે બૉલ નાખી શકે છે. આમ તેમનું પ્રદર્શન સંપૂર્ણ રહ્યું છે.’
રાજાના મતે ભારતીય ટીમ ઘરઆંગણે ભારે પ્રભાવશાળી રહી છે. જો પાકિસ્તાને સારું ક્રિકેટ રમવું હોય તો પાડોશી પાસેથી શીખવું જોઈએ. પાકિસ્તાન પાસે ક્ષમતા છે, પરંતુ ઘરઆંગણે તેઓ ભારત જેવું સાતત્યભર્યું પ્રદર્શન દાખવી શક્યા નથી.