ત્રીજી T20માં નવ વિકેટે પરાજિત થઈને પાંચ મૅચની સિરીઝમાં અજેય લીડ ન મેળવી શક્યું ન્યુ ઝીલૅન્ડ
ઇન્ટરનૅશનલ કરીઅરની શરૂઆતમાં પહેલી બે મૅચમાં ઝીરો પર આઉટ થયા બાદ ત્રીજી મૅચમાં સેન્ચુરી ફટકારનાર પહેલો પ્લેયર બન્યો હસન નવાઝ.
ગઈ કાલે ઑકલૅન્ડમાં રમાયેલી ત્રીજી T20માં કિવીઓ સામે નવ વિકેટે જીત નોંધાવીને પાકિસ્તાને પાંચ મૅચની સિરીઝની સ્કોરલાઇન ૨-૧ કરીને સિરીઝને રોમાંચક બનાવી છે. ગઈ કાલની મૅચ જો યજમાન ટીમ ન્યુ ઝીલૅન્ડે જીતી હોત તો સિરીઝમાં ૩-૦થી એણે અજેય લીડ મેળવી લીધી હોત, પણ પાકિસ્તાનીઓએ ૨૦૫ રનના ટાર્ગેટને હસન નવાઝની સેન્ચુરી (૪૪ બૉલમાં)ની મદદથી ૧૬ ઓવરમાં એક વિકેટના નુકસાન સાથે ૨૦૭ રન બનાવીને ચેઝ કરાવી બતાવ્યો હતો.
ટૉસ હારીને બૅટિંગ કરવા ઊતરેલી કિવી ટીમે માર્ક ચૅપમૅન (૪૪ બૉલમાં ૯૪ રન)ની મોટી ઇનિંગ્સની મદદથી ૧૯.૫ ઓવરમાં ઑલરાઉટ થઈને ૨૦૪ રન બનાવ્યા હતા. પાકિસ્તાનના ફાસ્ટ બોલર હારિસ રઉફે (૨૯ રનમાં ત્રણ વિકેટ) સૌથી પ્રભાવશાળી પ્રદર્શન કરીને પોતાની ૨૦૦ ઇન્ટરનૅશનલ વિકેટ પણ પૂરી કરી હતી.
ADVERTISEMENT
બાવીસ વર્ષના હસન નવાઝે કરીઅરની પહેલી મૅચમાં શૂન્ય પર આઉટ થયા બાદ ત્રીજી મૅચમાં ૨૩૩.૩૩ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૪૫ બૉલમાં અણનમ ૧૦૫ રન કર્યા હતા. ૧૦ ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી પોતાની પહેલી સેન્ચુરી પૂરી કરનાર હસને કૅપ્ટન સલમાન અલી આગા (૩૧ બૉલમાં ૫૧ રન) સાથે બીજી વિકેટ માટે અણનમ ૧૩૩ રનની ભાગીદારી નોંધાવી હતી, જેનાથી ટીમને ચાર ઓવર બાકી રહેતાં ૧ વિકેટે ૨૦૭ રન બનાવવામાં મદદ મળી હતી.
૧૮ વર્ષ જૂનો કયો રેકૉર્ડ તોડ્યો પાકિસ્તાની ટીમે?
પાકિસ્તાની ટીમે કિવીઓ સામે ચાર ઓવરમાં ફિફટી, ૮.૧ ઓવરમાં ૧૦૦, ૧૨.૨ ઓવરમાં ૧૫૦ અને ૧૫.૫ ઓવરમાં ૨૦૦ રનનો આંકડો પાર કર્યો હતો. તેમણે ૧૬ ઓવરમાં જ પોતાનો ૨૦૫ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. એના કારણે તેમણે T20 ઇન્ટરનૅશનલમાં ૨૦૦ પ્લસ રનનો ફાસ્ટેસ્ટ રન-ચેઝનો રેકૉર્ડ બનાવ્યો છે. આ પહેલાં ૨૦૦૭ના વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાએ વેસ્ટ ઇન્ડીઝ સામે ૧૭.૪ ઓવરમાં ૨૦૬ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
44
આટલા બૉલમાં પાકિસ્તાન માટે ફાસ્ટેસ્ટ T20 સેન્ચુરી ફટકારીને હસન નવાઝે સ્ટાર બૅટર બાબર આઝમ (૪૯ બૉલ)નો રેકૉર્ડ તોડ્યો.

