બીજી ટેસ્ટના પહેલા દિવસે પાકિસ્તાને બનાવ્યા પાંચ વિકેટે ૨૫૯ રન
સેન્ચુરી બાદ કામરાને ઘૂંટણિયે બેસીને અલ્લાહનો આભાર માન્યો હતો.
ઇંગ્લૅન્ડ સામે મુલતાનમાં ગઈ કાલે શરૂ થયેલી બીજી ટેસ્ટના પ્રથમ દિવસે પાકિસ્તાને પાંચ વિકેટે ૨૫૯ રન બનાવ્યા હતા. બંગલાદેશ સામે વાઇટવૉશ અને ઇંગ્લૅન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં મળેલી નામોશીભરી હાર બાદ સિલેક્ટરોએ બાબર આઝમ, શાહિન શાહ આફ્રિદી અને નસીમ શાહને ડ્રૉપ કરીને યુવા ખેલાડીઓને મોકો આપવાનો સાહસી નિર્ણય લીધો હતો. આના પરિણામે જ સુપર ફ્લૉપ બાબરના સ્થાને પ્રથમ ઇન્ટરનૅશનલ મૅચ રમી રહેલા કામરાન ગુલામે સેન્ચુરી ફટકારીને કમાલ કરી દીધી છે. આ સાથે તે ઇંગ્લૅન્ડ સામે પોતાની ડેબ્યુ મૅચમાં સેન્ચુરી ફટકારનાર પહેલો પાકિસ્તાની બૅટર બની ગયો છે.
પાકિસ્તાને ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો પણ ૧૯ રનમાં ઓપનર અબ્દુલ્લા શફીક (૩) અને કૅપ્ટન શાન મસૂદ (૪)ને ગુમાવીને ખરાબ શરૂઆત કરી હતી. આ બન્ને વિકેટ ઇંગ્લૅન્ડના સ્પિનર જૅક લીચે લીધી હતી. જોકે ત્યાર બાદ ડેબ્યુટન્ટ કામરાન ગુલામ (૨૨૪ બૉલમાં એક સિક્સર અને ૧૧ ફોર સાથે ૧૧૮ રન) અને ઓપનર સઇમ અયુમ (૭૭ રન) ત્રીજી વિકેટ માટે ૧૪૯ રનની પાર્ટનરશિપ સાથે ટીમની વહારે આવ્યા હતા. દિવસના અંતે પાકિસ્તાને પાંચ વિકેટે ૨૫૯ રન બનાવ્યા હતા. મોહમ્મદ રિઝવાન ૩૭ અને સલમાન આગા પાંચ રન સાથે અણનમ રહ્યા હતા.