૧૯૧૦માં સિડનીમાં સાઉથ આફ્રિકા સામે ઑસ્ટ્રેલિયાએ બે પ્લેયરની સદીની મદદથી પહેલા દિવસે ૫૨૮ રન બનાવ્યા હતા
England Vs Pakistan
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પાકિસ્તાનના રાવલપિંડી શહેરમાં ગઈ કાલે પ્રથમ ટેસ્ટના પહેલા જ દિવસે ઇંગ્લૅન્ડે ટૉસ જીત્યા પછી રનનો ઢગલો કર્યો હતો. ૭૫ ઓવરની જે રમત થઈ શકી હતી એમાં બેન સ્ટોક્સની ટીમે ૫૦૬ રન બનાવ્યા હતા જેમાં ઓપનર્સ ઝૅક ક્રૉવ્લી (૧૨૨ રન, ૧૧૧ બૉલ, એકવીસ ફોર) તથા બેન ડકેટ (૧૦૭ રન, ૧૧૦ બૉલ, ૧૫ ફોર), વનડાઉન બૅટર તથા વિકેટકીપર ઑલી પોપ (૧૦૮ રન, ૧૦૪ બૉલ, ૧૪ ફોર) તેમ જ હૅરી બ્રુક (૧૦૧ નૉટઆઉટ, ૮૧ બૉલ, બે સિક્સર, ૧૪ ફોર)ની સદીનો સમાવેશ હતો. ખુદ કૅપ્ટન સ્ટોક્સ ૩૪ રને રમી રહ્યો હતો.
પાકિસ્તાનના બધા બોલર્સની બોલિંગમાં બ્રિટિશ બૅટર્સે ધુલાઈ કરી હતી. બે વિકેટ લેનાર ઝહીદ મહમૂદની ૨૩ ઓવરમાં ૧૬૦ રન, નસીમ શાહની ૧૫ ઓવરમાં ૯૬ રન, મોહમ્મદ અલીની ૧૭ ઓવરમાં પણ ૯૬ રન, હૅરિસ રઉફની ૧૩ ઓવરમાં ૭૮ રન બન્યા હતા. આગા સલમાન અને સાઉદ શકીલની ઓવરમાં અનુક્રમે ૩૮ અને ૩૦ રન બન્યા હતા.
ADVERTISEMENT
ઇંગ્લૅન્ડે ૪ વિકેટે ૫૦૬ રન બનાવીને ૧૧૨ વર્ષનો વિક્રમ તોડ્યો છે. ૧૯૧૦માં સિડનીમાં સાઉથ આફ્રિકા સામે ઑસ્ટ્રેલિયાએ બે પ્લેયરની સદીની મદદથી પહેલા દિવસે ૫૨૮ રન બનાવ્યા હતા. ત્યાર પછીના ૧૧૨ વર્ષમાં ટેસ્ટના પ્રથમ દિવસે કોઈ ટીમે ૫૦૦-પ્લસ રન નહોતા બનાવ્યા. ટેસ્ટના એક દિવસમાં સૌથી વધુ રન બનાવવામાં આવ્યા હોવાનો પણ આ સેકન્ડ-બેસ્ટ સ્કોર છે.
કોઈ એક ટીમના ચાર બૅટર્સે ટેસ્ટના પ્રથમ દિવસે સેન્ચુરી ફટકારી હોવાનો પણ આ પહેલો કિસ્સો છે અને એ રેકૉર્ડ ઇંગ્લૅન્ડના નામે લખાયો છે. ટેસ્ટમાં એક ઓવરમાં ચાર ફોર ફટકારવાની બ્રુકે સંદીપ પાટીલ, ગેઇલ, સરવન, જયસૂર્યા જેવી સિદ્ધિ પણ મેળવી છે.