શ્રીલંકા ત્રીજી T20 સાત રને જીત્યું, સિરીઝ ૨-૧થી ન્યુ ઝીલૅન્ડે જીતી : મૅચનો હીરો કુસલ પરેરા
શ્રીલંકા સામે ૨-૧થી T20 સિરીઝ જીતી ગયા બાદ ટ્રોફી સાથે ખુશખુશાલ ન્યુ ઝીલૅન્ડ ટીમના પ્લેયર્સ
ન્યુ ઝીલૅન્ડ અને શ્રીલંકા વચ્ચેની T20 સિરીઝની અંતિમ મૅચમાં મહેમાન ટીમે ૭ રને જીત નોંધાવી છે. શ્રીલંકાએ પાંચ વિકેટ ગુમાવીને ૨૧૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ન્યુ ઝીલૅન્ડની ટીમ ૭ વિકેટે ૨૧૧ રન જ બનાવી શકી હતી. ત્રીજી મૅચ હારવાથી ન્યુ ઝીલૅન્ડે ૨-૧થી સિરીઝ પર કબજો કર્યો છે. ૨૦૦૬થી બન્ને ટીમ વચ્ચે ન્યુ ઝીલૅન્ડની ધરતી પર ૪ T20 સિરીઝ રમાઈ છે જેમાંથી પહેલી સિરીઝ ડ્રૉ રહી હતી, જ્યારે કિવીઓએ ઘરઆંગણે શ્રીલંકાને સળંગ ત્રણ સિરીઝમાં હરાવીને હૅટ-ટ્રિક T20 સિરીઝ જીતી છે.
કુસલ પરેરાએ શ્રીલંકા માટે T20માં ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારી દિલશાનનો રેકૉર્ડ તોડ્યો
ADVERTISEMENT
૩૪ વર્ષના શ્રીલંકન વિકેટકીપર બૅટર કુસલ પરેરાએ કરીઅરની ૭૭મી T20 મૅચમાં પોતાની પહેલી T20 ઇન્ટરનૅશનલ સેન્ચુરી ફટકારી છે. એ ૨૦૨૫ની ઇન્ટરનૅશનલ ક્રિકેટની પણ પહેલી સેન્ચુરી હતી. ઑલમોસ્ટ ૧૪ વર્ષ બાદ કોઈ શ્રીલંકન બૅટરે T20 ઇન્ટરનૅશનલ સેન્ચુરી ફટકારી છે. ૨૦૧૦માં માહેલા જયવર્દને ઝિમ્બાબ્વે સામે ૬૪ બૉલમાં ૧૦૦ રન અને ૨૦૧૧માં તિલકરત્ન દિલશાને ૫૭ બૉલમાં ઑસ્ટ્રેલિયા સામે ૧૦૪ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. કુસલ પરેરા આ બે પ્લેયર બાદ શ્રીલંકા માટે ત્રણેય ફૉર્મેટમાં સેન્ચુરી ફટકારનાર પ્લેયર પણ બન્યો છે.
ગઈ કાલે કુસલ પરેરાએ ૪૪ બૉલમાં સેન્ચુરી ફટકારીને શ્રીલંકા માટે T20 ઇન્ટરનૅશનલમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી કરી છે. તેણે દિલશાનનો ઑસ્ટ્રેલિયા સામેનો પંચાવન બૉલનો રેકૉર્ડ તોડ્યો છે. કુસલ પરેરા (૨૦૫૬ રન) કિવી ટીમ સામે આ ફૉર્મેટમાં સેન્ચુરી કરનાર અને T20 ઇન્ટરનૅશનલમાં ૨૦૦૦ રન પૂરા કરનાર પણ પહેલો બૅટર બન્યો છે. તે કુસલ મેન્ડિસ (૧૫ વાર)ને પછાડીને આ ઇન્ટરનૅશનલ ફૉર્મેટમાં સૌથી વધુ ૧૬ વાર ફિફ્ટી પ્લસ સ્કોર કરનાર શ્રીલંકન બૅટર પણ બન્યો છે.