પાકિસ્તાને આપેલો ૧૩૬ રનનો ટાર્ગેટ ૧૧ બૉલ પહેલાં પાંચ વિકેટ ગુમાવીને ચેઝ કર્યો યજમાન ટીમે
ઓપનર ટિમ સાઇફર્ટ અને ફિન એલને ૨૯ બૉલમાં ૬૬ રનની ધમાકેદાર ઓપનિંગ પાર્ટનરશિપ કરીને સિરીઝમાં વાપસી કરવાની પાકિસ્તાનની આશા પર પાણી ફેરવી દીધું હતું.
પાકિસ્તાન સામે બીજી T20 મૅચમાં પાંચ વિકેટે જીત નોંધાવીને કિવીઓએ પાંચ મૅચની સિરીઝમાં ૨-૦થી લીડ મેળવી લીધી છે. વરસાદથી પ્રભાવિત આ મૅચ ૧૫-૧૫ ઓવરની કરવામાં આવી હતી જેમાં પાકિસ્તાને નવ વિકેટ ગુમાવીને ૧૩૫ રન બનાવ્યા હતા. જવાબમાં યજમાન ટીમે ૧૩.૧ ઓવરમાં પાંચ વિકેટના નુકસાને ૧૩૭ રન ફટકારીને ૧૩૬ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
પાકિસ્તાન તરફથી કૅપ્ટન સલમાન અલી આગા ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૨૮ બૉલમાં ૪૬ રનની મોટી ઇનિંગ્સ રમ્યો હતો. ન્યુ ઝીલૅન્ડ તરફથી ભારતીય મૂળના સ્પિનર ઈશ સોઢીએ બે ઓવરમાં માત્ર ૧૭ રનની અંદર બે વિકેટ લઈને સૌથી પ્રભાવશાળી બોલિંગ કરી હતી. ન્યુ ઝીલૅન્ડ તરફથી ઓપનર ટિમ સાઇફર્ટ અને ફિન એલને ૨૯ બૉલમાં ૬૬ રનની ધમાકેદાર ઓપનિંગ પાર્ટનરશિપ કરીને સિરીઝમાં વાપસી કરવાની પાકિસ્તાનની આશા પર પાણી ફેરવી દીધું હતું.
ADVERTISEMENT
સાઇફર્ટે ૨૦૪.૫૫ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી બાવીસ બૉલમાં ૪૫ રનની ઇનિંગ્સ રમી હતી, જ્યારે એલને ૨૩૭.૫૦ના સ્ટ્રાઇક-રેટથી એક ચોગ્ગો અને પાંચ છગ્ગાની મદદથી ૧૬ બૉલમાં ૩૮ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. પાકિસ્તાન માટે ફાસ્ટ બોલર હારિસ રઉફ (૨૦ રનમાં બે વિકેટ) સૌથી સફળ રહ્યો હતો.
ઓવરમાં ૨૬ રન આપીને શાહીન શાહ આફ્રિદીએ T20 ઇન્ટરનૅશનલ કરીઅરની સૌથી મોંઘી ઓવર ફેંકી
કિવીઓની ઇનિંગ્સમાં પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ પહેલી જ ઓવર મેઇડન ફેંકી હતી. T20 ઇન્ટરનૅશનલ કરીઅરની તેની આ ત્રીજી મેઇડન ઓવર હતી, પણ જ્યારે તે પોતાની બીજી ઓવર ફેંકવા આવ્યો ત્યારે ન્યુ ઝીલૅન્ડના ઓપનર ટિમ સાઇફર્ટે ચાર સિક્સર ફટકારીને એક ઓવરમાં ૨૬ રન બનાવ્યા હતા. શાહીન આફ્રિદીની T20 ઇન્ટરનૅશનલ કરીઅરની આ સૌથી મોંઘી ઓવર હતી. આ સાથે જ તેણે આ ફૉર્મેટમાં એક ઓવરમાં સૌથી વધુ ચાર સિક્સર આપવાના સંયુક્ત રેકૉર્ડની બરાબરી કરી છે. છેલ્લે ૨૦૨૪માં કિવીઓ સામે જ એક ઓવરમાં તેણે ૨૪ રન આપ્યા હતા.
મે મહિનામાં પાકિસ્તાન જશે બંગલાદેશ
બંગલાદેશ ક્રિકેટ ટીમ આગામી મે મહિના દરમ્યાન ત્રણ વન-ડે અને ત્રણ T20 મૅચની સિરીઝ માટે પાકિસ્તાન જશે. ૧૧ એપ્રિલથી ૧૮ મે દરમ્યાન આયોજિત પાકિસ્તાન સુપર લીગની દસમી સીઝન પછી આ સિરીઝ રમાશે. બન્ને દેશ વચ્ચે એપ્રિલ ૨૦૧૫માં છેલ્લી વન-ડે સિરીઝ અને નવેમ્બર ૨૦૨૧માં છેલ્લી T20 સિરીઝ રમાઈ હતી. બન્ને ટીમ વચ્ચે ૨૦૨૩થી કોઈ વાઇટ-બૉલ ક્રિકેટ-મૅચ રમાઈ નથી.
પાકિસ્તાની આૅલરાઉન્ડર ખુશદિલ શાહની ૫૦ ટકા મૅચ-ફી કેમ કપાઈ ગઈ?
ન્યુ ઝીલૅન્ડ સામે બીજી T20 મૅચમાં પાકિસ્તાની ઑલરાઉન્ડર ખુશદિલ શાહે બે રન બનાવ્યા હતા અને સ્પિન બોલિંગમાં ત્રણ ઓવરમાં ૧૬ રન આપી એક વિકેટ ઝડપી હતી. આ મૅચમાં તેણે રન લેતી વખતે કિવી બોલરને ધક્કો માર્યો હતો. બોલર ફરી પોતાની બોલિંગ-પોઝિશન પર જઈ રહ્યો હતો ત્યારે બાઉન્ડરી તરફ જતા બૉલ તરફ નજર રાખીને દોડતા ખુશદિલનો ધક્કો વાગતાં હરીફ બોલરને ડાબા ખભા પર ઇન્જરી થઈ હતી. ICCની આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ ખુશદિલની મૅચ-ફીના ૫૦ ટકા દંડ અને ત્રણ ડીમેરિટ પૉઇન્ટ્સ આપવામાં આવ્યા છે. આ ૩૦ વર્ષના ઑલરાઉન્ડરનો છેલ્લાં બે વર્ષમાં આ પહેલો ગુનો છે.

