પાકિસ્તાન સામે ૧૦.૧ ઓવરમાં ૯૨ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ન્યુ ઝીલૅન્ડે પાંચ મૅચની સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી લીધી: ૪.૪ ઓવરમાં ૧૧ રનના સ્કોર પર ગુમાવી દીધી હતી ૪ વિકેટ
ગઈ કાલે પાકિસ્તાન સામે મૅચ જિતાડ્યા બાદ ફિન એલન (૧૭ બૉલમાં ૨૯ રન અણનમ) અને ટિમ રૉબિન્સન (૧૫ બૉલમાં ૧૮ રન).
કાઇસ્ટચર્ચમાં આયોજિત પહેલી T20 મૅચમાં પાકિસ્તાન સામે નવ વિકેટે જીત મેળવીને કિવી ટીમે પાંચ મૅચની સિરીઝમાં ૧-૦થી વિજયી લીડ મેળવી છે. પાકિસ્તાન ટીમ ૧૮.૪ ઓવરમાં ૯૧ રન બનાવીને સમેટાઈ ગઈ હતી. જવાબમાં યજમાન ટીમ ન્યુ ઝીલૅન્ડે ૧૦.૧ ઓવરમાં એક વિકેટના નુકસાન સાથે આ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ચાર ઓવરમાં માત્ર આઠ રન આપી ત્રણ વિકેટ લેનાર ફાસ્ટ બોલર કાયલ જેમિસન પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.
નવા કૅપ્ટન સલમાન અલી આગાના નેતૃત્વમાં પાકિસ્તાને ન્યુ ઝીલૅન્ડની ધરતી પર પોતાનો લોએસ્ટ સ્કોર નોંધાવ્યો છે. છેલ્લે ૨૦૧૬માં ન્યુ ઝીલૅન્ડની ધરતી પર ૧૦૧ રનનો લોએસ્ટ T20 સ્કોર નોંધાવ્યો હતો. આ ફૉર્મેટમાં ચોથી વિકેટ સુધીમાં પોતાનો લોએસ્ટ ૪.૪ ઓવરમાં ૧૧ રનનો સ્કોર નોંધાવનાર પાકિસ્તાનના બન્ને ઓપનર્સ હસન નવાઝ અને મોહમ્મદ હારિસ શૂન્યના સ્કોર પર આઉટ થયા હતા. પાવરપ્લેમાં ૨૮ ડોટ બૉલ રમનાર પાકિસ્તાની ટીમના માત્ર ત્રણ પ્લેયર્સ ડબલ ડિજિટનો સ્કોર બનાવી શક્યા હતા.
ADVERTISEMENT
કિવી ટીમના ફાસ્ટ બોલર જેકબ ડફી (૧૪ રનમાં ચાર વિકેટ) અને સ્પિનર ઈશ સોઢી (૨૭ રનમાં બે વિકેટ)એ પણ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. ટિમ સાઇફર્ટે (૨૯ બૉલમાં ૪૪ રન), ફિન એલન (૧૭ બૉલમાં ૨૯ રન અણનમ), ટિમ રૉબિન્સન (૧૫ બૉલમાં ૧૮ રન)ની બૅટિંગને કારણે કિવી ટીમે ૫૯ બૉલ પહેલાં જીત મેળવી હતી. પાકિસ્તાન માટે સ્પિનર અબ્રાર અહમદ (૧૫ રનમાં એક વિકેટ) જ વિકેટ મેળવી શક્યો હતો.

