ન્યુ ઝીલૅન્ડ સામેની કારમી હાર બાદ કૅપ્ટન રોહિત શર્માએ કહ્યું...
કેપ્ટન રોહિત શર્મા
ભારત સામે ટેસ્ટ-સિરીઝમાં ક્લીન સ્વીપ કરીને ન્યુ ઝીલૅન્ડની ટીમે રેકૉર્ડની સાથે ભારતીય ક્રિકેટર્સ અને ફ્રૅન્સના મનોબળને પણ તોડી નાખ્યું છે. ભારતને બૅન્ગલોર ટેસ્ટમાં ૮ વિકેટ, પુણે ટેસ્ટમાં ૧૧૩ રન અને મુંબઈ ટેસ્ટમાં પચીસ રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ સિરીઝમાં હાર બાદ કૅપ્ટન રોહિત શર્માની કૅપ્ટન્સી પર મોટા સવાલો ઊભા થયા છે. ચાલો જાણીએ કે તેણે પ્રેસ-કૉન્ફરન્સમાં ઘરઆંગણે મળેલી આ કારમી હાર વિશે શું કહ્યું...
આ પ્રકારનું પ્રદર્શન મારી કરીઅરનો સૌથી ખરાબ તબક્કો હશે અને હું એની સંપૂર્ણ જવાબદારી સ્વીકારું છું. હું એક કૅપ્ટન તરીકે અને બૅટિંગમાં પણ મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ન આપી શક્યો.
ADVERTISEMENT
હું ખરાબ શૉટ રમ્યો, પરંતુ પ્રામાણિકતાથી મને એનો અફસોસ નથી, કારણ કે ભૂતકાળમાં મને ઘણી સફળતા મળી છે. હું આમ કરવાનું ચાલુ રાખીશ.
હું ચોક્કસ યોજનાઓ સાથે મેદાનમાં ઊતરું છું અને એ યોજનાઓ આ સિરીઝમાં સફળ થઈ નહોતી. અમે આ પરિસ્થિતિમાં અમારું સર્વશ્રેષ્ઠ ક્રિકેટ રમ્યા નથી અને એની કિંમત ચૂકવી રહ્યા છીએ. ન્યુ ઝીલૅન્ડે સમગ્ર સિરીઝમાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. અમે ઘણી ભૂલો કરી.
કોચિંગ-સ્ટાફ સારો છે, તેઓ હમણાં જ આવ્યા છે. તેઓ હજી પણ સમજી રહ્યા છે કે પ્લેયર્સ અને ટીમ કેવી રીતે કામ કરે છે. પ્લેયર્સની જવાબદારી છે કે તેઓ તેમના માટે વસ્તુઓ સરળ બનાવે.
એક યુનિટ તરીકે અમે સાથે મળીને સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયા. જો બૅટ્સમેન સારું પ્રદર્શન નથી કરી રહ્યા તો એ ટીમ માટે ચિંતાનો વિષય છે. અમારી પાસે ઑસ્ટ્રેલિયા જઈને કંઈક ખાસ કરવાની સારી તક છે. અમે સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું.
ઑસ્ટ્રેલિયા સિરીઝ હવે અમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અમારા ઘણા પ્લેયર્સ પહેલાં ત્યાં રમ્યા છે અને ઘણા પ્લેયર્સ ત્યાં રમ્યા નથી, એથી જ અમે ત્યાં થોડા વહેલા જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેથી અમને પરિસ્થિતિની આદત પડી શકે.
ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટમાં રમશે હિટમૅન?
કેપ્ટન રોહિત શર્મા અંગત કારણસર બાવીસમી નવેમ્બરથી પર્યમાં ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસકર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ માટે શંકાસ્પદ છે. આ વિશે તેણે કહ્યું હતું કે હું નથી જાણતો કે હું જઈશ કે નહીં, પરંતુ આશા રાખું છું કે હું ત્યાં રમીશ.
જો રોહિત શર્મા પહેલી ટેસ્ટ નહીં રમે તો વાઈસ-કેપ્ટન જસપ્રીત બુમરાહ પહેલી ટેસ્ટમાં ભારતનું નેતૃત્વ કરશે. ઓપનર અભિમન્યુ ઈશ્વરન કેપ્ટન રોહિત શર્માના કવર તરીકે પહેલી ટેસ્ટ રમી શકે છે.