કપિલ દેવનો રકૉર્ડ નહીં, પણ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ મારું લક્ષ્ય : ઇશાન
ઇશાન્ત શર્મા
ભારતીય પેસર ઇશાન્ત શર્મા આવતી કાલે પોતાની ૧૦૦મી ટેસ્ટ મૅચ રમી શકે છે જેને લીધે તે કપિલ દેવ બાદ ૧૦૦ ટેસ્ટ મૅચ રમનાર બીજો ભારતીય પેસર બનશે. જોકે છેલ્લાં કેટલાંક વર્ષથી ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યો હોવાને લીધે તે પોતાના શરીરની રિકવરી સારી રીતે સમજી રહ્યો છે. તેણે ૧૮ વર્ષની ઉંમરે રાહુલ દ્રવિડની કપ્તાનીમાં બંગલા દેશ સામે ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું.
પોતાના ફેવરિટ કૅપ્ટન અને અન્ય મુદ્દાઓ પર વાત કરતાં ઇશાન્તે કહ્યું કે ‘મારો ફેવરિટ કૅપ્ટન કોણ છે એ કહેવું મુશ્કેલ છે, પણ બધા મને બરાબર સમજે છે. કૅપ્ટન મને કેટલું સમજે છે એના કરતાં હું તેમને કેટલો સમજું છું એ વધારે મહત્ત્વનું છે. તેઓ મારી પાસેથી શું ઇચ્છે છે એ સમજવું પણ મારા માટે અગત્યનું છે. એવું નથી કે મારે લિમિટેડ ઓવરની મૅચ નથી રમવી, પણ જ્યારે તમારી પાસે તક ન હોય તો તમારી પ્રૅક્ટિસ ચાલુ રાખવી એ જ હિતાવહ છે. હું નસીબદાર છું કે મને એક જ ફૉર્મેટમાં રમવા મળી રહ્યું છે. કપિલ દેવના ૧૩૧ ટેસ્ટના રેકૉર્ડને હું તોડી શકીશ કે નહીં એની મને ખબર નથી, પણ હાલમાં મારું લક્ષ્ય વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ પર કેન્દ્રિત છે.’

