Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > News In Shorts: ઉનડકટના સ્થાને મુંબઈની રણજી ટીમનો શેડગે

News In Shorts: ઉનડકટના સ્થાને મુંબઈની રણજી ટીમનો શેડગે

Published : 19 May, 2023 10:24 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જયદેવને બે અઠવાડિયાં પહેલાં નેટ પ્રૅક્ટિસમાં ખભામાં ઈજા થઈ હતી

સૂર્યાંશ શેડગે

News In Shorts

સૂર્યાંશ શેડગે


ઉનડકટના સ્થાને મુંબઈની રણજી ટીમનો શેડગે


લખનઉ સુપર જાયન્ટ્સે ઈજાગ્રસ્ત ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટના સ્થાને મુંબઈની રણજી ટીમના યુવાન ઑલરાઉન્ડર સૂર્યાંશ શેડગેને સ્કવૉડમાં સમાવ્યો છે. જયદેવને બે અઠવાડિયાં પહેલાં નેટ પ્રૅક્ટિસમાં ખભામાં ઈજા થઈ હતી. શેડગેને લખનઉના ફ્રૅન્ચાઇઝીએ ૨૦ લાખ રૂપિયામાં મેળવ્યો છે. ૨૦ વર્ષના શેડગેએ અન્ડર-૨૫ સ્ટેટ ‘એ’ ટ્રોફીમાં ૮ મૅચમાં ૧૮૪ રન બનાવ્યા અને ૧૨ વિકેટ લીધી એને પગલે તેને ગઈ રણજી સીઝનમાં મુંબઈની ટીમમાં સમાવાયો હતો. લખનઉની છેલ્લી લીગ મૅચ આવતી કાલે કલકત્તા સામે રમાશે.



યશ સાથેના ગુજરાતના અપ્રોચ પરથી બીજી ટીમો શીખે : રૉબિન ઉથપ્પા


એપ્રિલમાં અમદાવાદની મૅચમાં કલકત્તા નાઇટ રાઇડર્સના રિન્કુ સિંહે ગુજરાત ટાઇટન્સના લેફ્ટ-આર્મ પેસ બોલર યશ દયાલની ૨૦મી ઓવરના છેલ્લા પાંચ બૉલમાં પાંચ સિક્સર ફટકાર્યા પછી યશને હતાશામાંથી બહાર લાવવા ગુજરાતની આખી ટીમ જે રીતે તેના પડખે હતી અને મહિનામાં તેને ઉત્સાહમાં લાવીને પાછો મેદાન પર રમતો કરી દીધો એના પરથી બીજી ટીમોએ શીખવાની જરૂર છે, એવું ભૂતપૂર્વ ભારતીય બૅટર રૉબિન ઉથપ્પાએ જિયોસિનેમા પરની પૅનલને કહ્યું છે. ઉથપ્પાએ મુલાકાતમાં કહ્યું કે ‘કારકિર્દીમાં હાર અને જીત બન્નેને સમાન ગણીને ચાલવું જોઈએ અને એ શીખ ટીમોએ પોતાના યુવા ખેલાડીઓને આપવી જોઈએ.’

નડાલ પહેલી વાર ફ્રેન્ચ ઓપનમાં નહીં રમે


૩૬ વર્ષનો રાફેલ નડાલ થાપાની ઈજામાંથી હજી બહાર ન આવી શક્યો હોવાથી તેણે આ મહિનાની ૨૮ મેએ પૅરિસમાં શરૂ થનારી ફ્રેન્ચ ઓપન ગ્રૅન્ડ સ્લૅમ સ્પર્ધામાં ન રમવાનું નક્કી કર્યું છે. તેણે ૨૦૦૫માં આ સ્પર્ધામાં ડેબ્યુ કર્યું ત્યાર બાદ તે પહેલી જ વાર એમાં નથી રમવાનો. તે જાન્યુઆરીની ઑસ્ટ્રેલિયન ઓપનમાં પણ નહોતો રમ્યો.

ભારતીય મહિલા હૉકી ટીમ પહેલી ટેસ્ટ ૨-૪થી હારી

ઑસ્ટ્રેલિયાના પ્રવાસે આવેલી ભારતની મહિલા હૉકી ટીમ ગઈ કાલે ઍડીલેડમાં ઑસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં ૨-૪થી પરાજિત થઈ હતી. ભારત વતી સંગીતાકુમારી અને શર્મિલાદેવીએ ગોલ કર્યો હતો. ઑસ્ટ્રેલિયાનો વિમેન્સ હૉકીમાં ત્રીજો અને ભારતનો આઠમો રૅન્ક છે.

જૉકોવિચે હાર્યા પછી કહ્યું, નવી પેઢીનું આગમન થઈ ચૂક્યું છે

નોવાક જૉકોવિચે ગઈ કાલે પોતાને બીજી વાર હરાવનાર ડેન્માર્કના ૨૦ વર્ષના હૉલ્ગર રુન તેમ જ ૨૦ વર્ષના અલ્કારાઝનાં નામ લેતાં એક મુલાકાતમાં કહ્યું કે ‘અદ્ભુત ટેનિસ રમતા નવી પેઢીના ખેલાડીઓનું મેન્સ ટેનિસમાં આગમન થઈ ગયું છે. સોમવારથી અલ્કારાઝ મારા સ્થાને ફરી નંબર-વનનો રૅન્ક મેળવશે. નવા ચહેરા ઊભરી રહ્યા છે એ ટેનિસની રમતના ફાયદામાં છે.’ બુધવારે ઇટાલિયન ઓપનની ક્વૉર્ટર ફાઇનલમાં હૉલ્ગરે જૉકોવિચને ૨-૬, ૬-૪, ૨-૬થી હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

ચૅમ્પિયન્સ લીગમાં સિટી અને મિલાન વચ્ચે રમાશે ફાઇનલ

ચૅમ્પિયન્સ લીગ ફુટબૉલ સ્પર્ધામાં બુધવારે બીજી સેમી ફાઇનલમાં મૅન્ચેસ્ટર સિટીએ રિયલ મૅડ્રિડને ૪-૦થી હરાવીને ફાઇનલમાં એન્ટ્રી કરી હતી જેમાં એનો મુકાબલો ઇન્ટર મિલાન સાથે થશે. ફાઇનલ ૧૦ જૂને ટર્કીના ઇસ્તંબુલમાં રમાશે. 

મુંબઈનો જશ મોદી સાઉથ એશિયન ટેબલ ટેનિસમાં જીત્યો ડબલ્સનો ગોલ્ડ

ટેબલ ટેનિસમાં ૬ ઇન્ટરનૅશનલ મેડલ જીતી ચૂકેલા અને ત્રણ વાર નૅશનલ ચૅમ્પિયન તથા ૭ વખત મહારાષ્ટ્ર સ્ટેટ ચૅમ્પિયન બની ચૂકેલા મુંબઈના યુવાન ગુજરાતી ખેલાડી જશ મોદીએ અરુણાચલ પ્રદેશની સાઉથ એશિયન યુથ ટેબલ ટેનિસ ચૅમ્પિયનશિપમાં શ્રીવાસ્તવ દિવ્યાંશ સાથેની જોડીમાં ડબલ્સનો ગોલ્ડ મેડલ જીતી લીધો છે. તેમણે ફાઇનલમાં બંગલાદેશની હરીફ જોડીને ૩-૧થી (૧૧-૯, ૧૧-૭, ૬-૧૧, ૧૧-૫થી) હરાવી હતી. જશ-દિવ્યાંશની જોડી આ ચૅમ્પિયનપદ સાથે હવે જુલાઈમાં દોહામાં રમાનારી એશિયન ગેમ્સ માટે ક્વૉલિફાય થઈ છે.

Whatsapp-channel Whatsapp-channel

19 May, 2023 10:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK