યંગેસ્ટ વર્લ્ડ ચેસ ચૅમ્પિયનને મળ્યા વડા પ્રધાન નરેન્દ્ર મોદી; કિવીઓ સામે જીતેલી બાજી હારી ગયું શ્રીલંકા અને વધુ સમાચાર
મિડ-ડે લોગો
અફઘાનીઓએ વિકેટ ગુમાવ્યા વગર આખો દિવસ બૅટિંગ કરી, ૯૫ ઓવરમાં ૩૩૦ રન કર્યા
ઝિમ્બાબ્વે અને અફઘાનિસ્તાન વચ્ચેની પહેલી ટેસ્ટમાં અનેક કીર્તિમાન સ્થાપિત થઈ રહ્યા છે. ઝિમ્બાબ્વેના ૫૮૬ રનના હાઇએસ્ટ ટેસ્ટ-સ્કોર સામે અફઘાનિસ્તાનની ટીમે ગઈ કાલે ૯૫/૨ના સ્કોરથી શરૂઆત કરી હતી. ત્રીજા દિવસે એક પણ વિકેટ ગુમાવ્યા વગર અફઘાનિસ્તાનની ટીમે ૯૫ ઓવર રમીને ૩૩૦ રન જોડયા હતા. ૧૨૫ ઓવરમાં બે વિકેટે ૪૨૫ રન કરનારી મહેમાન ટીમ હજી ૧૬૧ રન પાછળ છે. રહેમત શાહે ૪૧૬ બૉલમાં ૨૩ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૨૩૧ રન કર્યા હતા. જે અફઘાનિસ્તાન માટે હાઇએસ્ટ વ્યક્તિગત સ્કોર છે. આ અફઘાની બૅટર દ્વારા ટેસ્ટમાં બીજી ડબલ સેન્ચુરી છે. તેણે કૅપ્ટન હશમતુલ્લાહ શાહિદી (૨૭૬ બૉલમાં ૧૪૧ રન) સાથે ત્રીજી વિકેટ માટે ૩૬૧ રનની પાર્ટનરશિપ કરી છે જે અફઘાનિસ્તાન માટે ટેસ્ટમાં કોઈ પણ વિકેટ માટેની સર્વોચ્ચ પાર્ટનરશિપ છે.
ADVERTISEMENT
પહેલી ટેસ્ટ જીતવા આજે સાઉથ આફ્રિકાને ૧૨૧ રનની અને પાકિસ્તાનને ૭ વિકેટની જરૂર
સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચેની પહેલી ટેસ્ટ-મૅચ માટે આજે નિર્ણાયક દિવસ છે. ત્રીજા દિવસે પાકિસ્તાન બીજી ઇનિંગ્સમાં ૨૩૭ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. પહેલી ઇનિંગ્સમાં ૨૧૧ રન કરનાર પાકિસ્તાને યજમાન ટીમને જીતવા માટે ૧૪૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૩૦૧ રન કરનાર સાઉથ આફ્રિકાએ ત્રીજા દિવસની રમતના અંતે બીજી ઇનિંગ્સમાં ૩ વિકેટ ગુમાવીને ૨૭ રન બનાવ્યા છે. આજે પહેલી ટેસ્ટ જીતવા માટે સાઉથ આફ્રિકાને ૧૨૧ રનની અને પાકિસ્તાનને ૭ વિકેટની જરૂર છે. વરસાદથી પ્રભાવિત આ મૅચમાં સાઉથ આફ્રિકાના માર્કો યાન્સેને ૧૪ ઓવરમાં બાવન રન આપીને સૌથી વધુ ૬ વિકેટ લીધી હતી.
કિવીઓ સામે જીતેલી બાજી હારી ગયું શ્રીલંકા: પહેલી મૅચમાં ન્યુ ઝીલૅન્ડની ૮ રને રોમાંચક જીત
ત્રણ મૅચની T20 સિરીઝમાં શ્રીલંકાને ૮ રને હરાવીને યજમાન ટીમે વિજયી શરૂઆત કરી છે. ગઈ કાલે કિવી ટીમે પહેલાં બૅટિંગ કરીને ૮ વિકેટે ૧૭૨ રન બનાવ્યા હતા. જવાબમાં ૧૨૧ રનની ઓપનિંગ પાર્ટનરશિપ છતાં શ્રીલંકા રન ચેઝ નહોતું કરી શક્યું. મહેમાન ટીમ ૮ વિકેટે ૧૬૪ રન બનાવી શકી હતી. કિવી ટીમે ૧૦ ઓવરમાં ૬૫ના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, પણ છઠ્ઠી વિકેટની રેકૉર્ડ ૧૦૫ રનની પાર્ટરનશિપ કરીને ડૅરિલ મિચલ (૬૨ રન) અને માઇકલ બ્રેસવેલે (૫૯ રન) કિવી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. પહેલી વાર આ ટીમે આ ફૉર્મેટમાં છઠ્ઠી વિકેટ માટે સેન્ચુરીની પાર્ટનરશિપ કરી હતી. જવાબમાં શ્રીલંકાએ પથુમ નિસાન્કા (૯૦ રન) અને કુસલ મેન્ડિસ (૪૬ રન)ની ૧૨૧ રનની પાર્ટનરશિપથી ધમાકેદાર શરૂઆત કરી હતી, પણ મીડિયમ ફાસ્ટ બોલર જેકબ ડફી (૩ વિકેટ)એ મિડલ ઑર્ડરને ધરાશાયી કરીને તરખાટ મચાવ્યો હતો. અંતિમ ઓવરમાં જીતવા માટે ૨૦ રનની જરૂર હતી જે ફટકારવામાં શ્રીલંકા નિષ્ફળ ગયું હતું.
યંગેસ્ટ વર્લ્ડ ચેસ ચૅમ્પિયનને મળ્યા વડા પ્રધાન નરેન્દ્ર મોદી
ગઈ કાલે દિલ્હીમાં યંગેસ્ટ વર્લ્ડ ચેસ ચૅમ્પિયન ડી. ગુકેશ સાથે મુલાકાત કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક જીત બદલ તેને અભિનંદન આપ્યાં હતાં. ૧૮ વર્ષના ગુકેશે મમ્મી-પપ્પાની હાજરીમાં તેમને ચેસબોર્ડ ભેટમાં આપ્યું હતું, જેમાં ગુકેશની સાથે તેના વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપના હરીફ ચીનના ડિંગ લિરેનના ઑટોગ્રાફ હતા.