Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ન્યુઝ શોર્ટમાં : વન-ડેનો તાજ હવે કોના શિરે?

ન્યુઝ શોર્ટમાં : વન-ડેનો તાજ હવે કોના શિરે?

Published : 17 August, 2023 04:37 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રિષભ પંત પાછો ક્રીઝમાં આવી ગયો; સૅમ્યુલ્સ ક્રિકેટના ભ્રષ્ટાચારને લગતા ત્રણ મુદ્દે ગુનેગાર ઘોષિત અને વધુ સમાચાર

તસવીર : પી. ટી. આઇ.

તસવીર : પી. ટી. આઇ.


વન-ડેનો તાજ હવે કોના શિરે?


પાંચમી ઑક્ટોબરે ભારતમાં શરૂ થનારા વન-ડેના વર્લ્ડ કપને લગભગ ૫૦ દિવસ બાકી છે અને એની બહુમૂલ્ય ટ્રોફી ઠેર-ઠેર પ્રદર્શન માટે લઈ જવામાં આવી રહી છે. આ આઇસીસી ટ્રોફી ગઈ કાલે આગરાના જગવિખ્યાત તાજ મહલ ખાતે એક્ઝિબિશન માટે મૂકવામાં આવી હતી. એમાં કુલ ૧૦ દેશની ટીમ ભાગ લેશે. બે વખત વિશ્વવિજેતા બની ચૂકેલી વેસ્ટ ઇન્ડીઝની ટીમ પહેલી વાર ઓડીઆઇ વર્લ્ડ કપ ગુમાવશે. છેલ્લે ૨૦૧૯માં ન્યુ ઝીલૅન્ડને હરાવી ઇંગ્લૅન્ડ વિશ્વવિજેતા બન્યું હતું. 



 


રિષભ પંત પાછો ક્રીઝમાં આવી ગયો


વિકેટકીપર-બૅટર રિષભ પંતે ગયા વર્ષે કાર-અકસ્માતમાં ઘૂંટણ સહિત શરીરના અનેક ભાગોમાં થયેલી ઈજામાંથી મુક્તિ મેળવ્યા બાદ મંગળવારે આઝાદી દિને પહેલી વાર મેદાન પર વિધિવત્ બૅટિંગ-પ્રૅક્ટિસ શરૂ કરી હતી. આ લેફ્ટ-હૅન્ડ બૅટરે ક્રીઝની બહાર આવીને પોતાના ઘણા ફેવરિટ શૉટ માર્યા હતા. જોકે તે હજી એશિયા કપ અને પછીના વર્લ્ડ કપમાં મોટા ભાગે નહીં રમે.

 

પૃથ્વીને ઘૂંટણમાં ઈજા, કાઉન્ટીના મિશન પર પડ્યો પડદો

ઓપનિંગ બૅટર પૃથ્વી શોને ડર્હામ સામેની તાજેતરની મૅચ દરમ્યાન ફીલ્ડિંગ વખતે ઈજા થતાં તે મૅચમાંથી તો બહાર થઈ જ ગયો હતો, ઘૂંટણની ઈજા ખૂબ ગંભીર હોવાનું સ્કૅનના રિપોર્ટ પરથી જણાતાં તેના કાઉન્ટી ક્રિકેટના આ વખતના મિશન પર હવે પડદો પડી ગયો છે. નૉર્ધમ્પ્ટનશર વતી રમતા ૨૩ વર્ષના પૃથ્વીએ થોડા દિવસ પહેલાં ડબલ સેન્ચુરી (૧૫૩ બૉલમાં ૨૪૪ રન) અને પછી સેન્ચુરી (૭૬ બૉલમાં અણનમ ૧૨૫ રન) ફટકારી હતી.

 

સૅમ્યુલ્સ ક્રિકેટના ભ્રષ્ટાચારને લગતા ત્રણ મુદ્દે ગુનેગાર ઘોષિત

ત્રણ વર્ષ પહેલાં નિવૃત્તિ લેનાર વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ બૅટર માર્લન સૅમ્યુલ્સે ક્રિકેટના ભ્રષ્ટાચારને લગતા ચાર મુદ્દે નિયમો તોડ્યા હોવા બદલ ગુનેગાર ઠરાવવામાં આવ્યો છે. સૅમ્યુલ્સ સામેના આરોપો ૨૦૧૯ની અબુ ધાબી ટી૧૦ લીગ વિશેના છે. એ ટુર્નામેન્ટ ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડના ઉપક્રમે રમાઈ હતી અને સૅમ્યુલ્સ કર્ણાટક ટસ્કર્સ ટીમમાં હતો. તેણે જેના ભંગ કર્યા છે એ ખાસ નિયમો આ મુજબના છે : (૧) કોઈ પણ પ્રકારની ગિફ્ટ, પેમેન્ટ, મહેમાનગતિ કે અન્ય લાભો ઍન્ટિ-કરપ્શન ઑફિસરને ન જણાવવા, (૨) ભ્રષ્ટાચાર-વિરોધી અધિકારીને તપાસમાં સહકાર ન આપવો, (૩) તપાસને લગતી માહિતી છુપાવીને ઍન્ટિ-કરપ્શન અધિકારી સુધી પહોંચે એમાં અવરોધ ઊભો કરવો અથવા વિલંબ કરવો.

 

ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્ત થયો, પણ ફ્રૅન્ચાઇઝીઓ મને સિલેક્ટ કરજો : વહાબ

પાકિસ્તાનનો ફાસ્ટ બોલર વહાબ રિયાઝ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયો છે. જોકે તેણે કહ્યું છે કે તે ફ્રૅન્ચાઇઝી આધારિત લીગ ટુર્નામેન્ટોમાં રમશે અને એ માટે ફ્રૅન્ચાઇઝીઓના માલિકો તેને સિલેક્ટ કરી શકશે. ૩૮ વર્ષનો વહાબ બે વર્ષથી રિટાયરમેન્ટનો વિચાર વ્યક્ત કરી રહ્યો હતો અને તેણે હવે નિર્ણય લીધો છે. તેણે ૨૭ ટેસ્ટમાં ૮૩ વિકેટ, ૯૧ વન-ડેમાં ૧૨૦ વિકેટ અને ૩૬ ટી૨૦માં ૩૪ વિકેટ લીધી હતી. 

 

ગુકેશ અને ગુજરાતી આઉટ, પ્રજ્ઞાનાનંદની અર્જુનને વળતી લડત

 nઅઝરબૈજાનમાં ચેસના ફિડે વર્લ્ડ કપમાં ક્વૉર્ટરમાં ચાર ભારતીયો પહોંચવાની જે ઐતિહાસિક ઘટના બની એ પછી એ ક્વૉર્ટરના પ્રથમ રાઉન્ડનાં પરિણામો મંગળવારે રાતે આવ્યાં હતાં જેમાં ભારતના ડી. ગુકેશનો વર્લ્ડ ચૅમ્પિયન મૅગ્નસ કાર્લસન સામે પ્રથમ રાઉન્ડમાં પરાજય થયો હતો. જોકે ગઈ કાલે ગુકેશ તેમ જ વિદિત ગુજરાતી સ્પર્ધાની બહાર થઈ ગયા હતા. અર્જુન એરીગૈસીએ ભારતના જ આર. પ્રજ્ઞાનાનંદને પહેલા રાઉન્ડમાં હરાવ્યો ત્યાર બાદ ટાઇ-બ્રેકરમાં પ્રજ્ઞાનાનંદે તેને વળતી લડત આપી હતી.

 

નેમારે સાઉદી ક્લબ સાથે ૮૧૮ કરોડ રૂપિયાની ડીલ સાઇન કરી

બ્રાઝિલના સુપરસ્ટાર ફુટબૉલર નેમારે સાઉદી પ્રો લીગમાં રમવા માટે સાઉદી અરેબિયાની અલ હિલાલ ક્લબ સાથે ડીલ ફાઇનલ કરી હોવાનું ગઈ કાલે એ. પી.ના અહેવાલમાં જણાવાયું હતું. નેમારને આ ક્લબ એક સીઝન રમવાના કેટલા પૈસા આપશે એ વિશે થોડા દિવસથી અલગ-અલગ પ્રકારની અટકળો થઈ છે. ગઈ કાલે જાણવા મળ્યું કે અલ હિલાલ ક્લબ તેને એક સીઝનના ૯.૮૦ કરોડ ડૉલર (અંદાજે ૮૧૮ કરોડ રૂપિયા) આપશે. અલ હિલાલ ક્લબ ૧૮ વખત નૅશનલ ચૅમ્પિયન બની છે.

 

જૉકોવિચ બે વર્ષે પહેલી વાર અમેરિકામાં પ્રથમ મૅચ હાર્યો

ટેનિસ સિંગલ્સનો વર્લ્ડ નંબર-ટૂ સર્બિયાનો નોવાક જૉકોવિચ ડબલ્સની ગ્રૅન્ડ સ્લૅમ ટુર્નામેન્ટમાં ક્યારેય બીજા રાઉન્ડથી પણ આગળ નથી વધી શક્યો અને એમાં છેક ૨૦૦૯માં તેનો છેક ૧૧૪મો રૅન્ક હતો અને ત્યાર પછી રેકૉર્ડમાં તેના રૅન્ક વિશે કોઈ લેટેસ્ટ માહિતી નથી, એવામાં તે મંગળવારે વેસ્ટર્સ ઍન્ડ સધર્ન ઓપન ટુર્નામેન્ટમાં નિકોલા કૅસિચ સાથેની જોડીમાં ડબલ્સનો પહેલો રાઉન્ડ રમ્યો હતો, જેમાં જૅમી મરે અને માઇકલ વીનસ સામે તેમનો ૪-૬, ૨-૬થી પરાજય થયો હતો. જૉકોવિચ બે વર્ષ બાદ પહેલી વાર અમેરિકામાં સ્પર્ધાની પહેલી જ મૅચમાં હારી ગયો છે. આ જ સ્પર્ધાની સિંગલ્સમાં વર્લ્ડ નંબર-વન કાર્લોસ અલ્કારાઝ જૉર્ડન થૉમ્પસન સામે ૭-૫, ૪-૬, ૬-૩થી જીત્યો હતો. આ વર્ષમાં તેની આ ૫૦મી જીત હતી.

Whatsapp-channel Whatsapp-channel

17 August, 2023 04:37 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK