ક્રિકેટ બોર્ડે ૧૬ ખેલાડીઓનાં નામની ઘોષણા કરી છે જે રાજકોટમાં પહેલીથી પાંચમી ઑક્ટોબર વચ્ચે રમાશે.
News In Short
હનુમા વિહારી
હનુમા વિહારીને ઈરાની ટ્રોફી માટે બનાવાયો કૅપ્ટન
ઈરાની કપ ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ બોર્ડે હનુમા વિહારીને રેસ્ટ ઑફ ઇન્ડિયા ટીમનો કૅપ્ટન બનાવ્યો છે, જે ૨૦૧૯-’૨૦ની રણજી ટ્રોફી ચૅમ્પિયન સૌરાષ્ટ્રની ટીમ સામે ટકરાશે. ત્રણ વર્ષ બાદ આ ટુર્નામેન્ટ રમાશે. ક્રિકેટ બોર્ડે ૧૬ ખેલાડીઓનાં નામની ઘોષણા કરી છે જે રાજકોટમાં પહેલીથી પાંચમી ઑક્ટોબર વચ્ચે રમાશે. કોરોનાને કારણે છેલ્લી બે સીઝનથી આ મૅચ રમાઈ નહોતી. ટીમમાં મયંક અગ્રવાલ અને પ્રિયાંક પંચાલ પણ છે.
ADVERTISEMENT
સુનીલ છેત્રીનું ફિફાએ કર્યું સન્માન
ભારતીય ફુટબૉલ ટીમના કૅપ્ટન સુનીલ છેત્રી માટે ફિફાએ કૅપ્ટન ફૅન્ટૅસ્ટિક નામની સિરીઝ બહાર પાડી છે જે ભારતીય ફુટબૉલ ફેડરેશન અને પ્રત્યેક ભારતીય માટે ગૌરવની વાત છે. ફિફાએ કહ્યું કે તમે રોનાલ્ડો અને મેસી વિશે તો જાણો જ છો, હવે સુનીલ છેત્રી વિશે જાણો જેણે ત્રીજા ક્રમાંક (૮૪)ના સૌથી વધુ ઇન્ટરનૅશનલ ગોલ કર્યા છે. રોનાલ્ડોએ ૧૧૭ અને મેસીએ ૯૦ ગોલ કર્યા છે. સુનીલ છેત્રી ભારત તરફથી ૨૦૦૫માં પહેલી વખત રમ્યો હતો અને ત્યાર બાદ તે કુલ ૧૩૧ મૅચ રમ્યો છે, જેમાં ગયા મંગળવારની વિયેટનામ સામેની મૅચનો પણ સમાવેશ છે.
નસીમ શાહ હૉસ્પિટલમાં
પાકિસ્તાનના ફાસ્ટ બોલર નસીમ શાહને ન્યુમોનિયા થતાં તે ઇંગ્લૅન્ડ સામેની ટી૨૦ સિરીઝની બાકીની મૅચો નહીં રમી શકે. તેને મંગળવારે મોડી રાતે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મંગળવારે તેનો પાંચમી ટી૨૦ માટેની પાકિસ્તાનની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને હૉસ્પિટલમાં લઈ જવો પડ્યો હતો. ન્યુ ઝીલૅન્ડમાં રમાનારી ત્રણ દેશોની ટુર્નામેન્ટમાં તે રમશે કે નહીં એનો નિર્ણય ડૉક્ટરોની સલાહના આધારે લેવામાં આવશે. નસીમ માત્ર પહેલી જ મૅચ રમ્યો હતો અને ત્યાર બાદ તેને બાકીની મૅચો માટે આરામ આપવામાં આવ્યો હતો.