Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > News in Short: અમલાએ રમવાનું સંપૂર્ણ બંધ કર્યું, કોચિંગ આપશે

News in Short: અમલાએ રમવાનું સંપૂર્ણ બંધ કર્યું, કોચિંગ આપશે

Published : 20 January, 2023 12:27 PM | Modified : 20 January, 2023 12:43 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૧૩ અને ૨૦૧૪માં સરે કાઉન્ટી વતી રમનાર અમલા ૨૦૧૯માં પાછો સરેની ટીમમાં જોડાયો હતો અને ગયા વર્ષે કાઉન્ટી ચૅમ્પિયનશિપ જીતવામાં મદદરૂપ થયો હતો

હાશિમ અમલા

News In Short

હાશિમ અમલા


અમલાએ રમવાનું સંપૂર્ણ બંધ કર્યું, કોચિંગ આપશે


ટેસ્ટમાં સાઉથ આફ્રિકાના એકમાત્ર ટ્રિપલ સેન્ચુરિયન હાશિમ અમલાએ ક્રિકેટનાં તમામ પ્રકારનાં ફૉર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. એ સાથે ૩૯ વર્ષના બૅટરે બે દાયકાની શાનદાર કરીઅર પર પૂર્ણવિરામ મૂક્યું છે. દેશના ટોચના બૅટર્સમાં ગણાતા અમલાએ ૨૦૦૪થી ૨૦૧૯ સુધીમાં ૧૨૪ ટેસ્ટ, ૧૮૧ વન-ડે અને ૪૪ ટી૨૦માં કુલ મળીને ૧૮,૬૭૨ રન બનાવ્યા હતા. ૨૦૧૩ અને ૨૦૧૪માં સરે કાઉન્ટી વતી રમનાર અમલા ૨૦૧૯માં પાછો સરેની ટીમમાં જોડાયો હતો અને ગયા વર્ષે કાઉન્ટી ચૅમ્પિયનશિપ જીતવામાં મદદરૂપ થયો હતો. તે હવે કોચિંગ આપવા પર પૂર્ણપણે ધ્યાન આપશે. હાલમાં તે સાઉથ આફ્રિકાની ટી૨૦ લીગમાં એમઆઇ કેપ ટાઉનનો બૅટિંગ-કોચ છે.



આ પણ વાંચો : વાહ! એક ઓવરમાં શેફાલીની પાંચ ફોર અને એક સિક્સર તો ગજબ કહેવાય : પીએમ મોદી


મડાન્ડેએ ઝિમ્બાબ્વેને આયરલૅન્ડ સામે છેલ્લા બૉલે જિતાડ્યું

હરારેમાં બુધવારે ઝિમ્બાબ્વેએ આયરલૅન્ડને ત્રણ મૅચવાળી સિરીઝની પ્રથમ વન-ડેમાં લાસ્ટ બૉલે હરાવીને ૧-૦થી સરસાઈ લીધી હતી. વરસાદના વિઘ્ન બાદ ઝિમ્બાબ્વેને ૨૧૪ રનનો લક્ષ્યાંક મળ્યો હતો, રાયન બર્લે ૫૯ રન બનાવ્યા હતા અને છેલ્લા બૉલે ૨૧૧ રનમાં ૭ વિકેટ હતી ત્યારે ઝિમ્બાબ્વેએ જીતવા ૪ રન બનાવવાના હતા અને પેસ બોલર ગ્રેહમ હ્યુમના એ બૉલમાં વિકેટકીપર ક્લાઇવ મડાન્ડેએ ફોર ફટકારી દીધી હતી. આયરલૅન્ડે બૅટિંગ મળતાં ૪ વિકેટે ૨૮૮ રન બનાવ્યા હતા, પરંતુ એના કૅપ્ટન ઍન્ડી બાલબર્ની (૧૨૧ રિટાયર્ડ હર્ટ, ૧૩૭ બૉલ, ૩ સિક્સર, ૧૩ ફોર)ની અને હૅરી ટેક્ટર (૧૦૧ અણનમ, ૧૦૯ બૉલ, ૧ સિક્સર, ૮ ફોર)ની સદી એળે ગઈ હતી.


સાનિયા-ડૅનિલિનાની જોડી બીજા રાઉન્ડમાં

આવતા મહિને દુબઈની ટેનિસ સ્પર્ધા રમ્યા પછી રિટાયર થનારી ભારતની ટોચની ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા ગઈ કાલે મેલબર્નમાં કઝાખસ્તાનની પાર્ટનર ઍના ડૅનિલિના સાથેની જોડીમાં ડબલ્સની મૅચ જીતીને બીજા રાઉન્ડમાં પહોંચી હતી. તેમણે ફર્સ્ટ રાઉન્ડમાં હંગેરીની ડેલ્મા ગાલ્ફી અને અમેરિકાની બર્નાર્ડા પેરાને ૬-૨, ૭-૫થી હરાવી હતી. ૩૬ વર્ષની સાનિયાની નિવૃ​ત્તિ પહેલાંની આ છેલ્લી ગ્રૅન્ડ સ્લૅમ સ્પર્ધા છે. તે છ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી છે.

ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચિરાગ-સાત્વિકની જોડી ઈજાને લીધે આઉટ

ગયા વર્ષે ઇન્ડિયા ઓપન બૅડ્મિન્ટન સ્પર્ધા જીતનાર ભારતના ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઇરાજ રૅન્કીરેડ્ડીની ડબલ્સની જોડી દિલ્હીમાં ચાલતી આ સ્પર્ધાના બીજા રાઉન્ડમાં પહોંચ્યા બાદ ઈજાને કારણે આ સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે. ભારતની આ ટોચની મેન્સ ડબલ્સની જોડી છે. સાત્વિકને પગની ઈજા થતાં ભારત માટે આ જોડીના પડકાર પર પૂર્ણવિરામ મુકાયું છે.

Whatsapp-channel Whatsapp-channel

20 January, 2023 12:43 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK