વિકેટકીપર બૅટ્સમૅન રિષભ પંતે બૅન્ગલોરની નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (એનસીએ)માં શૉર્ટ વિકેટકીપિંગની શરૂઆત કરી છે. તે પ્રૅક્ટિસ દરમ્યાન ઘણી બૅટિંગ પણ કરી રહ્યો છે, પરંતુ કીપિંગની બાબતમાં તેણે હમણાં સ્પિનર્સનો જ સામનો કરવાનું પસંદ કર્યું છે.
રિષભ પંત
વિકેટકીપર બૅટ્સમૅન રિષભ પંતે બૅન્ગલોરની નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (એનસીએ)માં શૉર્ટ વિકેટકીપિંગની શરૂઆત કરી છે. તે પ્રૅક્ટિસ દરમ્યાન ઘણી બૅટિંગ પણ કરી રહ્યો છે, પરંતુ કીપિંગની બાબતમાં તેણે હમણાં સ્પિનર્સનો જ સામનો કરવાનું પસંદ કર્યું છે.
પંતની રિકવરી પ્રોસેસ ઘણી ઝડપી હોવાથી એનસીએનો સપોર્ટ સ્ટાફ ઘણો ખુશ છે, પરંતુ આવનારા આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપમાં પંત રમતો જોવા મળે એ વિશેની સંભાવના ઘણી ઓછી છે.
પંતે હવે બૅટિંગ શરૂ કરી દીધી છે. આનંદની બાબત એ છે કે એનસીએમાં પંત કલાકે ૧૪૦ કિલોમીટરથી વધુની ઝડપે નેટ પર ડિલિવરીનો સામનો કરી રહ્યો છે. પંતે ગયા મહિને થ્રોડાઉન લેવાનું શરૂ કર્યું હતું.
ADVERTISEMENT
ઉનડકટે એક કરોડની મર્સિડીઝ-બેન્ઝ ખરીદી
ભારતના લેફ્ટ-હૅન્ડ ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે પ્રીમિયમ મર્સિડીઝ-બેન્ઝ જીએલઈ એસયુવી ખરીદી છે જેની કિંમત એક કરોડ રૂપિયા કરતાં વધુ છે. ૩૧ વર્ષના ઉનડકટે બ્લૅક ફિનિશિંગ સાથેની જે કાર ખરીદી છે એ આ લક્ઝુરિયસ કારની ૩૦૦મી એડિશન છે. ભારતમાં આ જર્મન એસયુવી ખૂબ લોકપ્રિય છે. ફોર-સિલિન્ડર ટર્બોચાર્જ્ડ એન્જિનવાળી આ કાર ફક્ત ૭.૨ સેકન્ડમાં કલાકે ૦થી ૧૦૦ કિલોમીટરની સ્પીડ પકડી શકે છે અને એની ટૉપ સ્પીડ કલાકે ૨૨૫ કિલોમીટર છે.
ઉનડકટે થોડા દિવસ પહેલાં સપરિવાર આ કારના ગુજરાતના ડીલરને ત્યાં આવીને કારનું પઝેશન લીધું હતું તેમ જ ડીલરશિપ માટે ક્રિકેટ બૉલ પર ઑટોગ્રાફ આપ્યા હતા.
ચેલ્સીએ ફ્રેન્ચ ફુટબોલર ડિસાસીને ચાર અબજ રૂપિયામાં સાઇન કર્યો
ચેલ્સી ક્લબે મૉનેકો ક્લબ પાસેથી ફ્રાન્સનો ઇન્ટરનૅશનલ ફુટબોલર ઍક્સેલ ડિસાસી મેળવી લીધો છે. ડિસાસી ૬ વર્ષના કૉન્ટ્રૅક્ટ પર ૩૮.૫૭ મિલ્યન પાઉન્ડ (અંદાજે ૪.૦૬ અબજ રૂપિયા)માં મેળવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પચીસ વર્ષનો ડિસાસી લીગ-૧ની ગઈ સીઝનમાં મૉનેકો ટીમ વતી તમામ ૩૮ મૅચ રમ્યો હતો.
ડિસાસી ડિફેન્ડર છે અને તે ગયા વર્ષે કતાર વર્લ્ડ કપમાં ફ્રાન્સની ટીમમાં હતો. ફ્રાન્સની ટીમ ફાઇનલમાં આર્જેન્ટિના સામે હારી જતાં રનર-અપ રહી હતી. ત્યારે તે વર્લ્ડ કપમાં ડેબ્યુ કરનારો ફ્રાન્સનો ૧૯૬૬ પછીનો પ્રથમ પ્લેયર ખેલાડી બન્યો હતો.
સિંધુ હારી, પણ પ્રણોયે નંબર-ટૂને અને રાજાવતે શ્રીકાંતને હરાવ્યો
ઑસ્ટ્રેલિયન ઓપન બૅડ્મિન્ટનમાં ગઈ કાલે ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન અને છેક ૧૭મા રૅન્ક પર પહોંચી ગયેલી પી. વી. સિંધુ ક્વૉર્ટર ફાઇનલમાં મલેશિયાની બિવેન ઝાન્ગ સામે ૧૨-૨૧, ૧૭-૨૧થી હારી ગઈ હતી. જોકે એચ. એસ. પ્રણોયે ટૉપ-સીડેડ અને વર્લ્ડ નંબર-ટૂ ઇન્ડોનેશિયાના ઍન્થની જિન્ટિંગને ૧૬-૨૧, ૨૧-૧૭, ૨૧-૧૪થી હરાવીને અપસેટ સરજ્યો હતો અને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બીજી એક ક્વૉર્ટરમાં ભારતના પ્રિયાંશુ રાજાવતે ભારતના જ ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન કિદામ્બી શ્રીકાંતને સ્ટ્રેઇટ ગેમમાં ૨૧-૧૩, ૨૧-૮થી હરાવીને સેમીમાં એન્ટ્રી કરી હતી.
તમીમે એશિયા કપ પહેલાં જ કૅપ્ટન્સી છોડી દીધી
વન-ડેના વર્લ્ડ કપને માંડ બે મહિના બાકી છે અને એશિયા કપને મહિનો પણ બાકી નથી ત્યારે બંગલાદેશના બૅટર તમીમ ઇકબાલે કૅપ્ટન્સી છોડી દીધી છે અને પીઠની ઈજાને કારણે તે એશિયા કપમાં નથી રમવાનો. ગયા મહિનાની શરૂઆતમાં તમીમે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી, પરંતુ વડાં પ્રધાન શેખ હસીનાની વિનંતીથી તેણે રિટાયરમેન્ટ પાછું ખેંચ્યું હતું. તમીમે આશા વ્યક્ત કરી છે કે ૨૧ સપ્ટેમ્બરે ઘરઆંગણે ન્યુ ઝીલૅન્ડ સામે શરૂ થનારી વન-ડે સિરીઝ પહેલાં તે ફિટ થઈ જશે.
મોહન બગાને બંગલાદેશ આર્મી ટીમને ૫-૦થી હરાવી
ડુરાન્ડ કપ - ૨૦૨૩ના પ્રારંભિક રાઉન્ડમાં ઇન્ડિયન સુપર લીગની ટોચની ટીમ મોહન બગાને પ્રભુત્વ જમાવીને બંગલાદેશ આર્મી ફુટબૉલ ટીમને ૫-૦થી પછાડી હતી. આ મૅચ કલકત્તામાં રમાઈ હતી. મોહન બગાન વતી લિસ્ટન કૉલેકો, મનવીર સિંહ, સુહૈલ ભટ, લાલરિનલિઆના નામ્ટે અને કિયાન નાસિરીએ એક-એક ગોલ કર્યો હતો. મોહન બગાનની ટીમ હવે સોમવારે પંજાબ સામે રમશે.