જૉસ બટલરે ૧૦૦મી મૅચમાં ૪૭ બૉલમાં ૭૩ રન ફટકાર્યા હતા
News In Short
જૉસ બટલર અને સિદ્રા અમીન
જૉસ બટલરને પહેલી વાર આઇસીસી અવૉર્ડ, સિદ્રા અમીન પણ વિજેતા
તાજેતરના ટી૨૦ વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડને પોતાની કૅપ્ટન્સીમાં ચૅમ્પિયનપદ અપાવનાર જૉસ બટલર પહેલી જ વાર આઇસીસીનો ‘પ્લેયર ઑફ ધ મન્થ’ અવૉર્ડ જીત્યો છે. તેણે ૧૦૦મી મૅચમાં ૪૭ બૉલમાં ૭૩ રન ફટકાર્યા હતા. ત્યાર બાદ તેણે ખાસ કરીને વર્લ્ડ કપમાં ભારત સામેની સેમી ફાઇનલમાં ૪૯ બૉલમાં અણનમ ૮૦ રન બનાવીને ઍલેક્સ હેલ્ઝ સાથેની જોડીમાં ભારતને પરાજિત કર્યું હતું. મહિલાઓમાં આઇસીસીનો ‘પ્લેયર ઑફ મન્થ’ પુરસ્કાર પાકિસ્તાનની ઓપનિંગ બૅટર સિદ્રા અમીનને મળ્યો છે. તેણે આયરલૅન્ડ સામેની ઓડીઆઇ સિરીઝમાં કુલ ૨૭૭ રન બનાવ્યા હતા અને એક જ વાર આઉટ થઈ હતી.
ADVERTISEMENT
અન્ડર- 18 ગર્લ્સ એશિયન રગ્બી સેવન્સ સ્પર્ધામાં ભારતને સિલ્વર
એશિયા રગ્બી સેવન્સ ટુર્નામેન્ટ રગ્બીની એશિયન સ્પર્ધાઓમાં અગ્રગણ્ય કહેવાય છે અને ભારતની અન્ડર-18 ગર્લ્સ ટીમ એમાં સિલ્વર મેડલ જીતી છે. કાઠમાંડુની ફાઇનલમાં યુએઈ સામે ૫-૨૬થી પરાજય થતાં ભારત બીજા નંબરે રહ્યું હતું. જોકે આ સ્પર્ધામાં યુએઈ એકમાત્ર ટીમ હતી જેની સામે ભારત હાર્યું હતું. ભારતીય ગર્લ્સ ટીમે થાઇલૅન્ડ, નેપાલ, મલેશિયાને હરાવ્યા હતા. ૨૦૨૧માં ભારતીય ગર્લ્સ ટીમ રજતચંદ્રક જીતી હતી.
માર્ક વુડ ત્રાટક્યો : પાકિસ્તાન સિરીઝ હારી ગયું
ઇંગ્લૅન્ડે ગઈ કાલે મુલતાનમાં બીજી ટેસ્ટમાં ચોથા દિવસે પાકિસ્તાનને રોમાંચક મુકાબલામાં ૨૬ રનથી હરાવીને ત્રણ મૅચની સિરીઝમાં ૨-૦થી વિજયી સરસાઈ મેળવી લીધી છે. ૩૫૫ રનના લક્ષ્યાંક સામે પાકિસ્તાન સાઉદ શકીલના ૯૪ રન છતાં કુલ ૩૨૮ રનના સ્કોરે ઑલઆઉટ થઈ ગયું હતું. ફાસ્ટ બોલર માર્ક વુડે શકીલ સહિત કુલ ૪ બૅટરને આઉટ કર્યા હતા. રૉબિન્સન તથા ઍન્ડરસને બે-બે વિકેટ લીધી હતી. બીજા દાવમાં ૧૦૮ રન બનાવનાર હૅરી બ્રુકને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.
આજથી રણજી સીઝન
આજે રણજી ટ્રોફીની નવી સીઝન શરૂ થઈ રહી છે. આજે શરૂ થતા ચાર દિવસના પહેલા મુકાબલાના હરીફો આ મુજબ છે : મુંબઈ વિરુદ્ધ આંધ્ર, સૌરાષ્ટ્ર વિરુદ્ધ આસામ, બરોડા વિરુદ્ધ ઓડિશા, ગુજરાત વિરુદ્ધ ત્રિપુરા, વિદર્ભ વિરુદ્ધ રેલવે, મહારાષ્ટ્ર વિરુદ્ધ દિલ્હી.
હૉકી વર્લ્ડ કપમાં ભારત ટફ ગ્રુપમાં : ઝફર ઇકબાલ
આગામી ૧૩ જાન્યુઆરીએ ભુવનેશ્વર અને રુરકેલામાં શરૂ થઈ રહેલા મેન્સ હૉકી વર્લ્ડ કપ વિશે ગઈ કાલે ભૂતપૂર્વ કૅપ્ટન ઝફર ઇકબાલે કહ્યું કે ‘ભારતના ગ્રુપમાં સ્પેન, ઇંગ્લૅન્ડ અને વેલ્સ જેવી ટફ ટીમો હોવાથી ૪૭ વર્ષે ફરી વર્લ્ડ કપની ટ્રોફી જીતવી ભારત માટે જરાય આસાન નહીં હોય. ૨૦૨૦ની ટોક્યો ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીત્યા પછી હવે ભારત જો વર્લ્ડ કપમાં પણ મેડલ જીતશે તો એ બહુ મોટી સિદ્ધિ કહેવાશે.’