કુલદીપ ચટગાંવની ટેસ્ટમાં કુલ ૮ વિકેટ લઈને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીત્યો હતો
News In Short
અક્ષર પટેલ અને કુલદીપ યાદવ
અક્ષરનો ૨૦ ક્રમનો જમ્પ, કુલદીપની ૧૯ નંબરની છલાંગ
બંગલાદેશ સામે ચટગાંવમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં પ્રભુત્વ જમાવનાર ભારતના બે સ્પિનર અક્ષર પટેલ અને કુલદીપ યાદવે આઇસીસી ટેસ્ટના રૅન્કિંગમાં મોટો કૂદકો માર્યો છે. અક્ષર ૨૦ સ્થાન ઉપર આવ્યો છે અને કરીઅર-બેસ્ટ ૧૮મા ક્રમે સેટ થયો છે. કુલદીપે ૧૯ નંબરની છલાંગ લગાવીને ૪૯મું સ્થાન મેળવ્યું છે. કુલદીપ ચટગાંવની ટેસ્ટમાં કુલ ૮ વિકેટ લઈને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીત્યો હતો, જ્યારે અક્ષરે પાંચ વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
રેહાનને લેનાર આઇપીએલની ટીમને ફાયદો : મૅક્લમ
પાકિસ્તાન સામેની કરાચીની ટેસ્ટમાં ડેબ્યુ ટેસ્ટમાં એક દાવમાં સૌથી નાની વયે પાંચ વિકેટ લેવાનો વિશ્વવિક્રમ સર્જનાર ઇંગ્લૅન્ડના યુવાન લેગ-સ્પિનર રેહાન અહમદ વિશે ઇંગ્લૅન્ડના કોચ બ્રેન્ડન મૅક્લમે કહ્યું છે કે ‘શુક્રવાર ૨૩ ડિસેમ્બરના આઇપીએલના પ્લેયર્સ ઑક્શનમાં જે પણ ટીમ રેહાનને ખરીદશે એ ટીમને ઘણો ફાયદો થશે, કારણ કે આ ટીનેજ સ્પિનર ખૂબ ટૅલન્ટેડ છે.’
વૉર્નરના ફૉર્મની ટીકા કરનારાઓ માટે સ્મિથની ટકોર
ઓપનર ડેવિડ વૉર્નર ત્રણ વર્ષથી ટેસ્ટ-સદી નથી ફટકારી શક્યો એટલે હવે સોમવારે (બૉક્સિંગ ડેએ) સાઉથ આફ્રિકા સામે શરૂ થનારી સિરીઝની બીજી ટેસ્ટ પહેલાં તેના ફૉર્મ અને ટેસ્ટ-ભાવિ વિશે જાતજાતની વાતો થઈ રહી છે. જોકે સ્ટીવ સ્મિથે પહેલી ટેસ્ટમાં રબાડાના બૉલમાં ૦ અને ૩ રન પર વિકેટ ગુમાવનાર વૉર્નરના બચાવમાં કહ્યું, ‘વૉર્નરનો જ્યારે પણ ખરાબ તબક્કો આવ્યો છે ત્યાર પછી તે ઘણું સારું રમ્યો છે. આ વખતે પણ તેનો આ તબક્કો બહુ લાંબો નહીં ચાલે. થોડાં જ અઠવાડિયાં પહેલાંની વાત છે. યાદ છેને, મેલબર્નની વન-ડેમાં તેણે મુશ્કેલ વિકેટ પર ઇંગ્લૅન્ડ સામે ૧૦૦ રન બનાવ્યા હતા.’
સાઉથ આફ્રિકાની લીગમાં ૩૩.૫ કરોડનાં ઇનામ
જાન્યુઆરીમાં સાઉથ આફ્રિકામાં પહેલી વાર ‘એસએ ટી૨૦ લીગ’ નામની જે ટુર્નામેન્ટ રમાવાની છે એમાં કુલ ૭૦ મિલ્યન રૅન્ડ (અંદાજે ૩૩.૫ કરોડ રૂપિયા)નાં રોકડ ઇનામ વહેંચવામાં આવશે. ૧૦ જાન્યુઆરીએ પ્રથમ મૅચ એમઆઇ કેપટાઉન અને પાર્લ રૉયલ્સ વચ્ચે રમાશે.
જેલમુક્ત બેકરે કહ્યું, ‘આવી એકલતા પહેલી વાર અનુભવી’
જર્મનીના મહાન ટેનિસ ખેલાડી બૉરિસ બેકરને પૈસાની ગેરકાનૂની હેરફેર કરવા ઉપરાંત ઍસેટ્સ છુપાવવા બદલ તેમ જ દેવાળું ફૂંકવાને લગતા જે ગુના કર્યા એ બદલ બ્રિટનમાં આઠ મહિના સુધી એક રૂમમાં કારાવાસ ભોગવવો પડ્યો અને બે દિવસ પહેલાં તેણે જેલમાંથી બહાર આવ્યા પછી એક જર્મન એફએમને મુલાકાતમાં કહ્યું, ‘મેં આવી એકલતા જિંદગીમાં ક્યારેય નહોતી અનુભવી. જેલમાં મોટા ભાગે માત્ર ભાત, બટાટાનું શાક અને સૉસ આપવામાં આવતાં હતાં. રવિવારે ચિકન ડ્રમસ્ટિકની વાનગી મળતી. મેં જિંદગીમાં પહેલી વાર ભૂખ્યા પેટે દિવસો કાઢ્યા.’ બેકરને ૩૦ મહિનાની સજા થઈ હતી, પરંતુ ફાસ્ટ-ટ્રૅક ડિપૉર્ટેશન પ્રોગ્રામ હેઠળ તેને વહેલો મુક્ત કરાયો છે.
આવતી કાલથી સંતોષ ટ્રોફી ફુટબૉલ સ્પર્ધા
ભારતીય ફુટબૉલની પ્રચલિત સ્પર્ધા સંતોષ ટ્રોફીનો આવતી કાલે આરંભ થશે. ગુજરાતની પ્રથમ મૅચ કર્ણાટક સામે આવતી કાલે અને બીજી મૅચ ત્રિપુરા સામે રવિવારે રમાશે. ગુજરાતના ગ્રુપમાં દિલ્હી, લદાખ અને ઉત્તરાખંડ પણ છે. શનિવારે સિક્કિમ-મેઘાલયનો મુકાબલો અત્યંત રોમાંચક થવાની સંભાવના છે.