બીજી ટેસ્ટમાં ન્યુ ઝીલૅન્ડે ફૉલોઑન આપ્યા બાદ શ્રીલંકાએ ૧૧૩ રનમાં ગુમાવી બે વિકેટ, આજે વરસાદની આગાહી
New Zealand vs Sri Lanka
વેલિંગ્ટનમાં શ્રીલંકાની વિકેટની ઉજવણી કરતા ન્યુ ઝીલૅન્ડના ખેલાડીઓ.
વેલિંગ્ટનમાં રમાતી ટેસ્ટમાં શ્રીલંકાની હાલત ખરાબ છે. રવિવારે ત્રીજા દિવસે ન્યુ ઝીલૅન્ડે ફૉલોઑન આપ્યા બાદ બીજી ઇનિંગ્સમાં માત્ર ૮ વિકેટ બાકી રહી છે. ન્યુ ઝીલૅન્ડે બીજા દિવસે ૪ વિકેટે ૫૮૦ રન કર્યા બાદ ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. ત્યાર બાદ શ્રીલંકા પહેલી ઇનિંગ્સમાં માત્ર ૧૬૪ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. ગયા મહિને આ જ મેદાન પર ફૉલોઑન મળ્યા બાદ ન્યુ ઝીલૅન્ડે ઇંગ્લૅન્ડને એક રનથી હરાવ્યું હતું. રમતનો સમય પૂરો થયો ત્યારે શ્રીલંકાએ ૧૧૩ રનમાં બે વિકેટ ગુમાવી હતી કુસલ મેન્ડિસ ૫૦ રને અને ઍન્જેલો મૅથ્યુઝ એક રને રમતમાં હતા. શ્રીલંકા હજી ૩૦૩ રન પાછળ છે.
મેન્ડિસ પહેલી ઇનિંગ્સમાં ઝીરો પર આઉટ થયો હતો, પણ બીજી ઇનિંગ્સમાં તેણે ૯૬ બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી. કૅપ્ટન દિમુથ કરુણારત્ને શ્રીલંકા તરફથી શાનદાર રમત રમ્યો હતો. ગઈ કાલે રમતની શરૂઆત થઈ ત્યારે શ્રીલંકાએ ૨૬ રને બે વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ તેણે શ્રીલંકા તરફથી સૌથી વધુ ૮૯ રન કર્યા હતા. તેની છેલ્લી વિકેટ પડી ત્યારે શ્રીલંકા ન્યુ ઝીલૅન્ડ કરતાં પહેલી ઇનિંગ્સમાં ૪૧૬ રન પાછળ હતું. શ્રીલંકાએ પહેલી ઇનિંગ્સમાં છેલ્લી ૬ વિકેટ માત્ર ૫૦ રનમાં ગુમાવી દીધી હતી. બીજી ઇનિંગ્સમાં પણ દિમુથે ૮૧ બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી. ૫૧ રનના સ્કોરે તેને ટિમ સાઉધીએ આઉટ કર્યો હતો.
ADVERTISEMENT
ફૉલોઑન મળ્યા બાદ તે ફરી રમવા આવ્યો અને બે સેશન રમ્યો. રમતનો સમય પૂરો થવાને માત્ર ૩૦ મિનિટ બાકી હતી ત્યારે તે આઉટ થયો હતો. આમ તે ૭ કલાક સુધી રમ્યો અને શ્રીલંકાની ઇનિંગ્સને ટેકો આપ્યો હતો. પહેલી ટેસ્ટમાં ન્યુ ઝીલૅન્ડ છેલ્લા બૉલમાં મૅચ જીત્યું હતું. જોકે આ મૅચમાં વરસાદ પડે એવી શક્યતા છે અથવા તો શ્રીલંકાના બૅટર્સ કોઈ ચમત્કાર કરે એવી આશા એના ફૅન રાખી રહ્યા છે.