બીજી વન-ડેમાં શ્રીલંકાની ૧૧૩ રને થઈ હાર, વરસાદને કારણે ૩૭-૩૭ ઓવરની થઈ હતી મૅચ : શ્રીલંકન બોલર મહીશ તીક્ષણાએ લીધી હૅટ-ટ્રિક
વર્ષ ૨૦૨૫ની પહેલી હૅટ-ટ્રિક વિકેટ ઝડપી શ્રીલંકન સ્પિનર મહીશ તીક્ષણાએ
ન્યુ ઝીલૅન્ડ અને શ્રીલંકા વચ્ચે ગઈ કાલે વન-ડે સિરીઝની બીજી મૅચ રમાઈ હતી જેમાં ૧૧૩ રને જીત મેળવીને યજમાન ટીમે ત્રણ મૅચની વન-ડે સિરીઝ પર ૨-૦થી કબજો કર્યો છે. પહેલી વન-ડેમાં કિવીઓએ ૯ વિકેટે જીત મેળવી હતી. બીજી વન-ડેમાં વરસાદને કારણે બન્ને ટીમ વચ્ચે ૩૭-૩૭ ઓવરની મૅચ રમાઈ હતી. કિવીઓએ ૯ વિકેટ ગુમાવીને ૨૫૫ રન ખડકી દીધા હતા, જવાબમાં મહેમાન ટીમ ૩૦.૨ ઓવરમાં ૧૪૨ રન બનાવી ઑલઆઉટ થઈ હતી.
ભારતીય મૂળના ઑલરાઉન્ડર રાચિન રવીન્દ્ર (૭૯ રન)એ વિલ યંગ (૧૬ રન) સાથે સારી ઓપનિંગ કરીને બીજી વિકેટ માટે માર્ક ચૅપમૅન (૬૨ રન) સાથે ૯૧ બૉલમાં ૧૧૨ રનની ભાગીદારી કરી ટીમને ૩૭ ઓવરની અંદર ૨૫૫ રન સુધી પહોંચવામાં મદદ કરી હતી. શ્રીલંકાના સ્પિનર મહીશ તીક્ષણાએ ૮ ઓવરમાં ચાર વિકેટ લીધી હતી. તેણે પોતાની બોલિંગ દરમ્યાન પાંત્રીસમી ઓવરના પાંચમા-છઠ્ઠા બૉલે મિચલ સૅન્ટનર (૨૦ રન) અને નૅથન સ્મિથ (શૂન્ય રન)ની તથા સાડત્રીસમી ઓવરના પહેલા બૉલે મૅટ હેન્રી (એક રન)ની વિકેટ લઈને ૨૦૨૫ની પહેલી હૅટ-ટ્રિક વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
નૅથન સ્મિથે બાઉન્ડરી લાઇન પર પકડ્યો શાનદાર કૅચ
ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલર વિલિયમ ઓરોર્કે (ત્રણ વિકેટ) અને જેકબ ડફી (બે વિકેટ)ના તરખાટ સામે માત્ર ઑલરાઉન્ડર કામિન્ડુ મેન્ડિસ (૬૪ રન) ફિફ્ટી ફટકારવામાં સફળ રહ્યો હતો. રાચિન રવીન્દ્ર તેની શાનદાર બૅટિંગને આધારે પ્લેયર ઑફ ધ મૅચ બન્યો છે.
ન્યુ ઝીલૅન્ડની ધરતી પર શ્રીલંકન ટીમે આ સળંગ પાંચમી વન-ડે સિરીઝ ગુમાવી છે. તેઓ કિવીઓની ધરતી પર ૨૦૦૧ બાદ કોઈ વન-ડે સિરીઝ જીતી શક્યા નથી. ૨૦૦૧ બાદ બન્ને ટીમ વચ્ચે ન્યુ ઝીલૅન્ડમાં ૭ વન-ડે સિરીઝ રમાઈ જેમાંથી માત્ર ૨૦૦૬-’૦૭ દરમ્યાન રમાયેલી વન-ડે સિરીઝ ડ્રૉ રહી હતી. બાકીની તમામ ૬ વન-ડે સિરીઝ યજમાન ટીમે જીતી છે.