વિકેટકીપરના ૧૩૮ રનને કારણે ઇંગ્લૅન્ડ ૧૯ રનની લીડ લઈ શક્યું
ટૉમ બ્લન્ડેલે ગઈ કાલે ઇંગ્લૅન્ડના છ બોલર્સનો બહાદુરીથી સામનો કરીને ચોથી ટેસ્ટ-સદી ફટકારી હતી (તસવીર : એ.એફ.પી.)
વિકેટકીપર-બૅટર ટૉમ બ્લન્ડેલે (૧૩૮ રન, ૧૮૧ બૉલ, એક સિક્સર, ઓગણીસ ફોર) ગઈ કાલે માઉન્ટ મૉન્ગનુઇમાં કરીઅર-બેસ્ટ ૧૩૮ રન ફટકારીને ન્યુ ઝીલૅન્ડને મોટી મુસીબતમાંથી ઉગાર્યું હતું. ઇંગ્લૅન્ડે ગુરુવારે પ્રથમ દાવ ૯ વિકેટે બનેલા ૩૨૫ રનના સ્કોર પર ડિક્લેર કર્યો ત્યાર બાદ ગઈ કાલે કિવીઓએ ૩૦૬ રન બનાવ્યા હતા. બીજા દિવસની રમતને અંતે ઇંગ્લૅન્ડનો સ્કોર બે વિકેટે ૭૯ રન હતો અને લીડ સાથે એના ૯૮ રન હતા.
ન્યુ ઝીલૅન્ડે ગઈ કાલે સવારે નબળી શરૂઆત બાદ માત્ર ૮૩ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ત્યારે ઓપનર ડેવૉન કૉન્વે (૭૭ રન, ૧૫૧ બૉલ, એક સિક્સર, સાત ફોર) સાથે બ્લન્ડેલ જોડાયો હતો અને તેની સાથે તેણે ૭૫ રનની ભાગીદારી કરીને ધબડકો રોક્યો હતો.
ADVERTISEMENT
૧૫૮ રનના ટીમ-સ્કોર પર કૉન્વેની વિકેટ પડી ત્યાર બાદ બ્લન્ડેલે ચોથી ટેસ્ટ-સદી ફટકારવા ઉપરાંત એકલા હાથે બાજી સંભાળી હતી અને એક પછી એક પૂંછડિયા સાથે નાની-મોટી પાર્ટનરશિપથી ટીમનો સ્કોર ૩૦૦ને પાર પહોંચાડ્યો હતો. ૮૩મી ઓવરમાં બ્લન્ડેલની ૧૦મી વિકેટ પડી ત્યારે ન્યુ ઝીલૅન્ડનો સ્કોર ૩૦૬ હતો અને બ્રિટિશરો માત્ર ૧૯ રનની સરસાઈ લઈ શક્યા હતા. ન્યુ ઝીલૅન્ડની ટીમને મૅચમાં કમબૅક અપાવનાર બ્લન્ડેલની ૧૩૮ રનની ઇનિંગ્સ-સેવિંગ ભાગીદારી બ્રિટિશરોને ખૂબ નડી હતી. ઇંગ્લૅન્ડના બોલર્સમાં ઑલી રૉબિન્સને ચાર, જેમ્સ ઍન્ડરસને ત્રણ તેમ જ બેન સ્ટોક્સ, સ્ટુઅર્ટ બ્રૉડ અને જૅક લીચે એક-એક વિકેટ લીધી હતી.