ગયા અઠવાડિયે જાહેર થયેલી ન્યુ ઝીલૅન્ડની T20 વર્લ્ડ કપની ટીમમાં સમાવેશ ન કરવામાં આવતાં તેણે આ નિર્ણય લીધો હોવાનું મનાઈ રહ્યું છે
કૉલિન મન્રો
ન્યુ ઝીલૅન્ડના ૩૭ વર્ષના ટૉપ ઑર્ડર બૅટર કૉલિન મન્રોએ ગઈ કાલે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. ગયા અઠવાડિયે જાહેર થયેલી ન્યુ ઝીલૅન્ડની T20 વર્લ્ડ કપની ટીમમાં સમાવેશ ન કરવામાં આવતાં તેણે આ નિર્ણય લીધો હોવાનું મનાઈ રહ્યું છે. મન્રો ન્યુ ઝીલૅન્ડ વતી એક ટેસ્ટ, ૫૭ વન-ડે અને ૬૫ T20 ઇન્ટરનૅશનલ રમ્યો હતો, જેમાં તેણે ટોટલ ૩૦૧૦ રન બનાવ્યા હતા. તે ન્યુ ઝીલૅન્ડ વતી છેલ્લી વાર ૨૦૨૦માં ભારત સામેની T20 મૅચમાં રમ્યો હતો.
મન્રોને ખરી નામના T20 ક્રિકેટે જ અપાવી હતી અને દુનિયાભરની T20 લીગમાં કુલ ૪૨૮ મૅચ રમીને તેણે ૩૦.૪૪ની ઍવરેજ સાથે ૧૦,૯૬૧ રન બનાવ્યા છે. રિટાયરમેન્ટ બાદ પણ તે વિવિધ T20 લીગમાં રમતો રહેશે. ૨૦૧૬માં શ્રીલંકા સામે T20 મૅચમાં ફટકારેલી ૧૪ બૉલમાં હાફ-સેન્ચુરી હજી સુધી ન્યુ ઝીલૅન્ડ બૅટરોમાં ફાસ્ટેસ્ટનો રેકૉર્ડ ધરાવે છે.