પાકિસ્તાને આપેલો ૨૪૩ રનનો ટાર્ગેટ ન્યુ ઝીલૅન્ડે ૪૫.૨ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ચેઝ કર્યો : આખી સિરીઝમાં માત્ર એક મૅચ જીતી શક્યું ચૅમ્પિયન્સ ટ્રોફીનું યજમાન
ન્યુ ઝીલૅન્ડ ત્રિકોણીય સિરીઝમાં ચૅમ્પિયન બન્યું
પાકિસ્તાનમાં હૅટ-ટ્રિક વન-ડે મૅચ જીતીને ન્યુ ઝીલૅન્ડ ત્રિકોણીય સિરીઝમાં ચૅમ્પિયન બન્યું છે. પાકિસ્તાનને ફાઇનલમાં પાંચ વિકેટે હરાવીને ન્યુ ઝીલૅન્ડે ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં શાનદાર લય અને ગજબનો આત્મવિશ્વાસ મેળવી લીધો છે. પાકિસ્તાને પહેલાં બૅટિંગ લઈને ૪૯.૩ બૉલમાં ઑલઆઉટ થઈ ૨૪૨ રન કર્યા હતા. એના જવાબમાં ન્યુ ઝીલૅન્ડે ૪૫.૨ ઓવરમાં પાંચ વિકેટે ૨૪૩ રનનો ટાર્ગેટ ચેઝ કરી બતાવ્યો હતો. આ હારથી ચૅમ્પિયન્સ ટ્રોફીની યજમાન ટીમના આત્મવિશ્વાસને મોટો ફટકો પડ્યો છે. આ સિરીઝમાં પાકિસ્તાન ત્રણમાંથી એક જ મૅચ સાઉથ આફ્રિકા સામે જીતી શક્યું હતું.
ન્યુ ઝીલૅન્ડનો ફાસ્ટ બોલર વિલ ઓ’રોર્કે (૪ વિકેટ), સ્પિનર માઇકલ બ્રેસવેલ (બે વિકેટ) અને મિચલ સૅન્ટનર (બે વિકેટ) પાકિસ્તાનના બૅટર્સ પર ભારે પડ્યા હતા. કિવીઓની દમદાર બોલિંગ સામે માત્ર પાકિસ્તાનનો કૅપ્ટન મોહમ્મદ રિઝવાન (૪૬ રન) અને સલમાન અલી આગા (૪૫ રન) મોટી ઇનિંગ્સ રમી શક્યા હતા.
ADVERTISEMENT
૨૪૩ રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલી મહેમાન ટીમે ડેવોન કૉન્વે (૪૮ રન), કેન વિલિયમસન (૩૪ રન), ડૅરિલ મિચલ (૫૭ રન) અને ટૉમ લેથમ (૫૬ રન)એ ધીરજપૂર્વકની ઇનિંગ્સ રમીને ફાઇનલ મૅચ જીતી લીધી હતી. પાકિસ્તાન માટે બોલર નસીમ શાહ બે વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.
કિવી ટીમનો ફાસ્ટ બોલર વિલ ઓ’રોર્કે ફાઇનલ મૅચનો પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો, જ્યારે આ ત્રિકોણીય સિરીઝમાં ૨૧૯ રન ફટકારીને એક વિકેટ લેનાર પાકિસ્તાનનો વાઇસ કૅપ્ટન સલમાન અલી આગા પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યો હતો.
બાબર આઝમે કિંગ કોહલીને કયા રેકૉર્ડમાં પછાડી દીધો?
ફાઇનલમાં ગઈ કાલે બાબર આઝમે ૩૪ બૉલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૨૯ રનની ઇનિંગ્સ રમી હતી. આ ઇનિંગ્સની મદદથી તેણે વન-ડે ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ ૬૦૦૦ રન પૂરા કરવા મામલે સાઉથ આફ્રિકાના હાશિમ અમલા (૧૨૩ ઇનિંગ્સ)ની બરાબરી કરી હતી. જોકે તે ભારતના સ્ટાર બૅટર વિરાટ કોહલીને પાછળ છોડી વન-ડેમાં ફાસ્ટેસ્ટ ૬૦૦૦ રન કરનાર એશિયન બની ગયો હતો. વિરાટ કોહલીએ ૧૩૬ ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. ૨૦૨૩માં બાબર આઝમે ૯૭ ઇનિંગ્સમાં ફાસ્ટેસ્ટ પાંચ હજાર વન-ડે રન ફટકારવાનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો.

