મારો રેકૉર્ડ કોઈ નહીં તોડી શકે, હવેના ક્રિકેટર્સની કરીઅર ટૂંકી થઈ ગઈ છે
મુથૈયા મુરલીધર
શ્રીલંકાના મહાન સ્પિન બોલર મુથૈયા મુરલીધરને ટેસ્ટ-ક્રિકેટના ભવિષ્ય વિશે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું હતું કે ‘હું ચોક્કસપણે ટેસ્ટ-ક્રિકેટને લઈને ચિંતિત છું. દરેક દેશ વર્ષમાં માત્ર છ કે સાત ટેસ્ટ-મૅચ રમે છે. ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા ઍશિઝ રમે છે, પરંતુ કેટલાક અન્ય દેશોમાં ઘણા લોકો એને જોતા નથી. ટેસ્ટ-ક્રિકેટ બહુ ઓછું રમાઈ રહ્યું છે. સમસ્યા નિયમિતતાની છે. ખેલાડીઓ કેટલા સારા છે એનાથી કોઈ ફરક પડતો નથી, કારણ કે તે બધા પ્રતિભાશાળી છે. વાત માત્ર એટલી કે તેઓ કેટલા અનુભવી બની શકે?’
મુરલીધરને આ દરમ્યાન ચોંકાવનારું નિવેદન આપ્યું હતું કે ‘ટેસ્ટ-ક્રિકેટના ઇતિહાસમાં મારો ૮૦૦ વિકેટ લેવાનો રેકૉર્ડ કોઈ બોલર તોડી શકશે નહીં. એને તોડવો ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે હવે દરેકનું ધ્યાન ટૂંકા ફૉર્મેટના ક્રિકેટ તરફ ગયું છે. અમે ૨૦ વર્ષ સુધી રમ્યા છીએ. હવેના ક્રિકેટર્સની કરીઅર ટૂંકી થઈ ગઈ છે.’ ૨૦૧૦માં રિટાયરમેન્ટ લેનાર મુરલીધરન ૧૩૩ ટેસ્ટની ૨૩૦ ઇનિંગ્સમાં ૮૦૦ વિકેટ સાથે આ ફૉર્મેટમાં હાઇએસ્ટ વિકેટટેકર છે.