હૈદરાબાદને ત્રણ વિકેટે હરાવ્યું, ઑલરાઉન્ડર તનુષ કોટિયન બન્યો તારણહાર
તનુષ કોટિયન
ગઈ કાલે વિજય હઝારે ટ્રોફીના બીજા રાઉન્ડની મૅચમાં મુંબઈની ટક્કર હૈદરાબાદ સાથે થઈ હતી. મુંબઈએ ત્રણ વિકેટે હૈદરાબાદને હરાવીને વન-ડે ટુર્નામેન્ટની વર્તમાન સીઝનમાં પહેલી જીત નોંધાવી છે. હૈદરાબાદ ૩૮.૧ ઓવરમાં ૧૬૯ રન બનાવીને ઑલઆઉટ થઈ ગયું હતું. મુંબઈની ટીમે ૧૨.૧ ઓવરમાં ૬૭ રનના સ્કોરે ૭ વિકેટ ગુમાવ્યા છતાં ૨૫.૨ ઓવરમાં ૭ વિકેટે ૧૭૫ રન કરીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
ગ્રુપ C મૅચમાં મુંબઈના સ્પિનર્સ અથર્વ અંકોલેકર (૪ વિકેટ) અને તનુષ કોટિયન (બે વિકેટ)ની શાનદાર બોલિંગે હૈદરાબાદને ઘૂંટણિયે પાડી દીધું હતું. ટાર્ગેટ ચેઝ કરતી વખતે મુંબઈની ટીમે ૩૮ રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી, પણ મિડલ ઑર્ડર ફ્લૉપ જતાં એક સમયે ટીમે ૬૭ બૉલમાં ૬ વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી સૂર્યકુમાર યાદવ (૧૮ રન), તનુષ કોટિયન (૩૯ રન અણનમ) અને કૅપ્ટન શ્રેયસ ઐયરે (૨૦ રન અણનમ) ધીરજપૂર્વકની ઇનિંગ્સ રમીને ટીમની જીત સુનિશ્ચિત કરી હતી.
ADVERTISEMENT
મુંબઈનો તનુષ કોટિયન પકડશે મેલબર્નની ફ્લાઇટ
સ્પિન ઑલરાઉન્ડર તનુષ કોટિયન બે વિકેટ અને ૩૯ રન કરીને હૈદરાબાદ સામેની મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. ગઈ કાલનો દિવસ તેની કરીઅરનો ખાસ દિવસ હતો. ૨૬ વર્ષના આ ઑલરાઉન્ડરને બૉર્ડર-ગાવસકર ટ્રોફીની છેલ્લી બે મૅચમાં રવિચન્દ્રન અશ્વિનના રિપ્લેસમેન્ટ તરીકે ભારતીય સ્ક્વૉડમાં જગ્યા મળી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની ૩૩ મૅચમાં તેના નામે ૧૦૧ વિકેટ અને ૧૫૨૫ રન છે.
અક્ષર પટેલ પારિવારિક કારણસર વિજય હઝારેની પહેલી બે મૅચ બાદ આરામ લઈ રહ્યો છે જેથી મુંબઈના આ ઑલરાઉન્ડરને ટીમમાં જોડાવાની તક મળી છે. તે સ્પિનર વૉશિંગ્ટન સુંદર અને રવીન્દ્ર જાડેજાના બૅકઅપ પ્લેયર તરીકે ટીમમાં રહેશે અને આજે મુંબઈથી મેલબર્ન માટે રવાના થઈ શકે છે.