ઉજવણી દરમ્યાન જુદા-જુદા દિવસોમાં અનેક સમારંભો યોજાશે
ગઈ કાલે MCAના પ્રમુખ અજિંક્ય નાઈક, ઉપપ્રમુખ સંજય નાઈક, સેક્રેટરી અભય હડપ, જૉઇન્ટ સેક્રેટરી દીપક પાટીલ, ખજાનચી અરમાન મલિક અને અન્ય સભ્યોએ ૫૦ વર્ષની ઉજવણીની જાહેરાત કરી હતી.
મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA)એ ૨૦૨૫ની ૧૨થી ૧૯ જાન્યુઆરી સુધી મુંબઈના ગૌરવ સમાન પ્રતિષ્ઠિત વાનખેડે સ્ટેડિયમની પચાસમી વર્ષગાંઠની ઉજવણી કરવાની યોજના જાહેર કરી છે. ગઈ કાલે પ્રમુખ અજિંક્ય નાઈકની હાજરીમાં એક ઇવેન્ટ દરમ્યાન સ્ટેડિયમની પચાસમી વર્ષગાંઠ માટે વિશેષ લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
ઉજવણી દરમ્યાન જુદા-જુદા દિવસોમાં અનેક સમારંભો યોજાશે. ૧૫ જાન્યુઆરીએ ગ્રાઉન્ડ્સમેન અને સિક્યૉરિટી ગાર્ડ્સને પણ સન્માનિત કરીને તેમના માટે લંચનું આયોજન કરવામાં આવશે.
૧૯ જાન્યુઆરીએ મુંબઈના સિંગર અવધૂત ગુપ્તે અને સંગીતકાર બેલડી અજય-અતુલના શો સાથે એક અદ્ભુત લેસર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એ જ દિવસે સ્ટેડિયમના સમૃદ્ધ વારસાને માન આપવા માટે વિશેષ સ્મારક સ્ટૅમ્પ અને કૉફી ટેબલ બુકનું અનાવરણ કરવામાં આવશે. ૧૯ જાન્યુઆરીએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને MCAના ભૂતપૂર્વ પ્રમુખ અને મહારાષ્ટ્ર સરકારમાં નવા નિયુક્ત કૅબિનેટ પ્રધાન આશિષ શેલારનું પણ સન્માન કરવામાં આવશે.
ADVERTISEMENT
આ ઇવેન્ટના અંતિમ દિવસે ઘણા વર્તમાન અને ભૂતપૂર્વ ક્રિકેટર્સ સાથે બૉલીવુડની હસ્તીઓ પણ હાજરી આપશે. ૧૯ જાન્યુઆરીનો ભવ્ય શો ટિકિટ ખરીદીને જોઈ શકાશે. ટિકિટની કિંમત અલગ-અલગ સ્ટૅન્ડ્સ પ્રમાણે ૩૦૦, ૫૦૦, ૬૦૦ અને ૧૦૦૦ રૂપિયા છે.