હવે મુંબઈનો મુકાબલો દિલ્હી સાથે થશે. દિલ્હીમાં ગઈ કાલે દિલ્હીની આંધ્ર સામેની મૅચ ડ્રૉમાં પરિણમી હતી
ફાઇલ તસવીર
૪૧ વખત રણજી ચૅમ્પિયન બનેલા મુંબઈએ ગઈ કાલે આસામને એના જ હોમગ્રાઉન્ડ ગુવાહાટીમાં એક ઇનિંગ્સ અને ૧૨૮ રનથી હરાવીને સાત પૉઇન્ટ મેળવ્યા હતા. એલીટ વર્ગમાં ગ્રુપ ‘બી’માં અજિંક્ય રહાણેના સુકાનમાં મુંબઈની ટીમ કુલ ૨૩ પૉઇન્ટ સાથે બીજા નંબરે અને જયદેવ ઉનડકટના નેતૃત્વમાં સૌરાષ્ટ્ર (૨૬) મોખરે છે.
હવે મુંબઈનો મુકાબલો દિલ્હી સાથે થશે. દિલ્હીમાં ગઈ કાલે દિલ્હીની આંધ્ર સામેની મૅચ ડ્રૉમાં પરિણમી હતી. એ મૅચમાં માંડ એક ઇનિંગ્સ રમાઈ હતી. દિલ્હી વતી ધ્રુવ શોરે (૧૮૫) અને હિમ્મત સિંહે (૧૦૪) સદી ફટકારી હોવાથી મુંબઈએ હવે દિલ્હી સામે ખૂબ સાવધ થઈ જવું પડશે.
ADVERTISEMENT
ગઈ કાલે છેલ્લા દિવસે માત્ર બે કલાકમાં મુંબઈએ વિજય મેળવી લીધો હતો. મુંબઈના પ્રથમ દાવના ૬૮૭/૪ ડિક્લેર્ડના જવાબમાં આસામે પહેલા દાવમાં ૩૭૦ રન અને બીજા દાવમાં કૅપ્ટન ગોકુલ શર્માના ૮૨ રનની મદદથી ૧૮૯ રન બનાવ્યા હતા.
ગોકુલના પહેલા દાવમાં ૭૦ રન હતા. બીજી ઇનિંગ્સમાં શાર્દુલે ત્રણ તેમ જ મોહિત અવસ્થી તથા મુશીર ખાને બે-બે વિકેટ લીધી હતી. પ્રથમ દાવમાં ટ્રિપલ સેન્ચુરી (૩૮૩ બૉલમાં ૩૭૯ રન) ફટકારનાર પૃથ્વી શોને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
અન્ય રણજી મૅચમાં શું બન્યું?
(૧) બંગાળના કલ્યાણીમાં બેન્ગાલે ગઈ કાલે બરોડાને ૭ વિકેટે હરાવ્યું હતું. (૨) ઇન્દોરમાં મધ્ય પ્રદેશે ગુજરાતને ૨૬૦ રનથી હરાવ્યું હતું. ગુજરાતની ટીમ ૩૮૨ રનના લક્ષ્યાંક સામે સારાંશ જૈનની ચાર અને ગૌરવ યાદવની ત્રણ વિકેટને કારણે ૧૨૧ રનમાં આઉટ થઈ ગઈ હતી, જેમાં ચિંતન ગજાના ૩૨ રન હાઇએસ્ટ હતા.