મૅચના પહેલા દિવસે મુંબઈએ ૬૮ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ૨૩૭ રન બનાવ્યા : શ્રેયસ ઐયર અને સરફરાઝ ખાને પણ ફિફ્ટી-ફિફ્ટી ફટકારીને સંભાળી લીધી મુંબઈની ઇનિંગ્સ
ગઈ કાલે અજિંક્ય રહાણે અને શ્રેયસ ઐયર બન્નેએ ફિફ્ટી ફટકારી હતી.
લખનઉના એકાના સ્ટેડિયમમાં ગઈ કાલે મુંબઈ અને રેસ્ટ ઑફ ઇન્ડિયા વચ્ચે ઈરાની કપની મૅચ શરૂ થઈ હતી. રેસ્ટ ઑફ ઇન્ડિયાના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટૉસ જીતીને મુંબઈની ટીમને બૅટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. મુંબઈની ટીમે પહેલા દિવસની રમતના અંત સુધીમાં ૬૮ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને સ્કોર ૨૩૭ રન સુધી પહોંચાડ્યો હતો. કૅપ્ટન અજિંક્ય રહાણે અને સરફરાઝ ખાન આજે બીજા દિવસની રમતની શરૂઆત કરશે. બન્ને વચ્ચે ૯૮ રનની પાર્ટનરશિપ થઈ છે.
એક સમયે મુંબઈની ટીમે ૧૧.૧ ઓવરમાં ૩૭ રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી હતી. ત્યાંથી અજિંક્ય રહાણે, શ્રેયસ ઐયર અને સરફરાઝ ખાને ફિફ્ટી ફટકારીને મુંબઈની ઇનિંગ્સ સંભાળી હતી. શ્રેયસ ઐયરે ૮૪ બૉલમાં ૫૭ રન બનાવ્યા હતા. રહાણે ૧૯૭ બૉલમાં ૮૬ રન બનાવીને અને સરફરાઝ ખાન ૮૮ બૉલમાં ૫૪ રન બનાવીને અણનમ છે. રેસ્ટ ઑફ ઇન્ડિયા તરફથી ફાસ્ટ બોલર મુકેશ કુમારે ત્રણ અને યશ દયાલે એક વિકેટ ઝડપી છે.