પાકિસ્તાન ૫૫૬ રન બનાવીને આૅલઆઉટ થઈ ગયું, ઇંગ્લૅન્ડે બીજા દિવસના અંતે એક વિકેટે ૯૬ રન ફટકાર્યા,પાકિસ્તાને મુલતાનના મેદાનમાં પોતાનો હાઇએસ્ટ સ્કોર બનાવ્યો
પહેલી ઇનિંગ્સમાં પાકિસ્તાન તરફથી સૌથી વધુ ૮૭.૩૯ના સ્ટ્રાઇક-રેટથી રન બનાવ્યા સલમાન અલી આગાએ.
મુલતાનમાં પહેલી ટેસ્ટના બીજા દિવસે પાકિસ્તાનની પહેલી ઇનિંગ્સના ૫૫૬ રનના સ્કોરના જવાબમાં ઇંગ્લૅન્ડે એક વિકેટ ગુમાવીને ૯૬ રન ફટકાર્યા છે. ઇંગ્લૅન્ડની ટીમ હજી ૪૬૦ રન પાછળ છે. પાકિસ્તાને દિવસની શરૂઆત ચાર વિકેટે ૩૨૮ રનથી કરી હતી. સલમાન અલી આગાના ૧૦૪ રન અને સઉદ શકીલની ૮૨ રનની ઇનિંગ્સની મદદથી પાકિસ્તાનનો સ્કોર ૫૦૦ પાર પહોંચ્યો હતો. ૫૫૬ રનનો સ્કોર મુલતાનના મેદાન પર પાકિસ્તાનનો હાઇએસ્ટ ટેસ્ટ ઇનિંગ્સ સ્કોર છે. આ પહેલાં પાકિસ્તાને આ મેદાન પર ૨૦૦૧માં બંગલાદેશ સામે ૫૪૬ રનની સૌથી મોટી ઇનિંગ્સ રમી હતી.
આજે જો રૂટ (૩૨ રન) અને ઝૅક ક્રૉલી (૬૪ રન) ઇંગ્લૅન્ડની ઇનિંગ્સને આગળ વધારશે. ગઈ કાલે ૨૭ રન ફટકારીને જો રૂટે એક મોટો કીર્તિમાન રચ્યો હતો. ૨૦૧૯થી શરૂ થયેલી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ના ઇતિહાસમાં ૫૦૦૦ રન ફટકારનાર તે પહેલો બૅટર બન્યો છે. એના સિવાય કોઈ બૅટર ૪૦૦૦ રન પણ બનાવી શક્યો નથી. આ લિસ્ટમાં બીજા નંબરે ઑસ્ટ્રેલિયાનો માર્નસ લબુશેન છે, તેણે ૩૯૦૪ રન ફટકાર્યા છે. આ સાથે જ જો રૂટ પાંચ વાર એક વર્ષમાં ૧૦૦૦ ટેસ્ટ-રન ફટકારનાર ઍલિસ્ટર કુક બાદ ઇંગ્લૅન્ડનો બીજો ખેલાડી બન્યો છે.
ADVERTISEMENT
WTCમાં જો રૂટનું પ્રદર્શન
મૅચ ૫૯
રન ૫૦૦૫
સેન્ચુરી ૧૬
ફિફ્ટી ૨૦
ચોગ્ગા ૫૨૨
છગ્ગા ૧૬