૨૦૦૬માં છેલ્લી મૅચ રમનાર ભૂતપૂર્વ બૅટર-ફીલ્ડરે માહીને કહ્યું કે ‘ગેટ વેલ સૂન, સી યુ ઇન નેક્સ્ટ સીઝન... ચૅમ્પિયન’
ધોનીને મળીને કૈફ થયો ખુશખુશાલ
આઇપીએલનો લેટેસ્ટ ચૅમ્પિયન-કૅપ્ટન અને કરોડો ચાહકોના પ્રેમ-સ્નેહને માન આપીને હમણાં રિટાયરમેન્ટનો વિચાર પડતો મૂકનાર મહેન્દ્ર સિંહ ધોનીએ ગયા અઠવાડિયે મુંબઈમાં ડાબા ઘૂંટણમાં સર્જરી કરાવી એ પછી થોડા દિવસ મુંબઈમાં જ મુકામ રાખ્યા બાદ રાંચી પાછો જવા માટે પત્ની સાક્ષી અને પુત્રી ઝિવા સાથે મુંબઈ ઍરપોર્ટ પર પહોંચ્યો ત્યારે તેનો ભૂતપૂર્વ સાથી-ક્રિકેટર મોહમ્મદ કૈફ તેને મળ્યો હતો. ધોનીને મળતાં જ કૈફ ખુશ થઈ ગયો હતો, કારણ કે તેનો પુત્ર કબીર ઘણા સમયથી ધોનીને મળવાની જીદ લઈને બેઠો હતો અને યોગાનુયોગ ધોનીને મળવાની તક જુનિયર કૈફ (કબીર)ને મળી ગઈ હતી.
મોહમ્મદ કૈફ મુંબઈ ઍરપોર્ટ પર પત્ની પૂજા અને પુત્ર કબીર સાથે ગયો હતો અને તેણે ધોની તથા તેના પરિવાર સાથે ફોટો પડાવ્યો હતો. ધોનીએ કૈફના પુત્ર કબીર સાથે અલગ ફોટો પણ પડાવ્યો હતો. મોહમ્મદ કૈફે પછીથી મીડિયામાં ફોટો શૅર કરવાની સાથે કૅપ્શનમાં લખ્યું હતું, ‘હું અને મારો પરિવાર ગ્રેટ ધોની અને તેની ફૅમિલીને મળ્યા. ધોની સર્જરી કરાવ્યા પછી રાંચી પાછો આવી રહ્યો હતો. મારો પુત્ર કબીર સુપર હૅપી હતો, કારણ કે ધોનીએ તેને કહ્યું કે તેની જેમ નાનપણમાં તે પણ ફુટબૉલ રમ્યો હતો. ગેટ વેલ સૂન, સી યુ નેક્સ્ટ સીઝન... ચૅમ્પિયન.’
ADVERTISEMENT
કૈફ ૨૦૦૬માં ભારત વતી છેલ્લી મૅચ રમ્યો હતો ત્યારે ધોની માટે કારકિર્દીનો હજી ઊગતો સૂરજ હતો. તેઓ ભેગા કેટલીક ટેસ્ટ અને વન-ડેમાં રમ્યા હતા. કૈફની પત્ની પૂજા યાદવ ભૂતપૂર્વ પત્રકાર છે. તેમને એક પુત્ર કબીર ઉપરાંત એક પુત્રી (ઇવા) પણ છે.